પુષ્કરમાં શા માટે પતિ બ્રહ્માજીથી દૂર બિરાજે છે માતા સાવિત્રી ? જાણો તીર્થરાજ પુષ્કરના અદભુત રહસ્યો !
પુષ્કરમાં દેવી ગાયત્રીને તો તેમના પતિ સાથે મુખ્ય મંદિરમાં વિદ્યમાન થવાનું સૌભાગ્ય મળ્યું છે. પરંતુ, બીજી તરફ બ્રહ્માજીના પ્રથમ પત્ની સાવિત્રી પતિથી દૂર રત્નાગિરિ પર્વત પર બિરાજમાન થયા છે. અહીં દેવી તેમની પુત્રી સરસ્વતી સાથે ભક્તોને દર્શન દઈ રહ્યા છે.
તીર્થરાજ પુષ્કરનો (tirthraj pushkar) ઉલ્લેખ કરતા જ ભક્તોને પરમપિતા બ્રહ્માજીનું (lord brahma) સ્મરણ થઈ આવતું હોય છે. કારણ કે આ ધરતી પરનું એકમાત્ર એવું સ્થાન મનાય છે કે જ્યાં બ્રહ્માજીને તેમની પૂજાનો અધિકાર પ્રાપ્ત થયો છે. સાથે જ આ તિર્થભૂમિને આદિશક્તિના અનેકવિધ દિવ્ય સ્વરૂપોનું સાનિધ્ય પણ પ્રાપ્ત થયું છે. પુષ્કરના મુખ્ય મંદિર તરીકે અહીં જગતપિતા બ્રહ્માજીનું મંદિર આવેલું છે. આ મંદિરના ગર્ભગૃહમાં બ્રહ્માજી સાથે વેદમાતા ગાયત્રી પણ વિદ્યમાન થયા છે. પરમપિતા બ્રહ્માજી સાથેનું માતા ગાયત્રીનું આ વિશ્વનું એકમાત્ર મંદિર છે. અને એટલે જ તો ભક્તોને મન આ દિવ્ય સ્થાનકના દર્શનનો સવિશેષ મહિમા છે.
પુષ્કરમાં એકતરફ જ્યાં દેવી ગાયત્રીને તેમના પતિ સાથે વિદ્યમાન થવાનું સૌભાગ્ય મળ્યું છે, ત્યાં બીજી તરફ બ્રહ્માજીના પ્રથમ પત્ની સાવિત્રી પુષ્કરના મુખ્ય મંદિરથી દૂર રત્નાગિરિ પર્વત પર બિરાજમાન થયા છે. રત્નાગિરિ પર્વત પુષ્કરના મુખ્ય મંદિરથી લગભગ 2 કિલોમીટરના અંતરે સ્થિત છે. અને રત્નાગિરિના સૌથી ઊંચા શિખર પર આવેલું છે દેવી સાવિત્રીનું મંદિર. આ મંદિર સુધી પહોંચવા માટે રોપ-વેની સુવિધા ઉપલબ્ધ છે. પણ, ઘણાં શ્રદ્ધાળુઓ પગપાળા જ મા સાવિત્રીની શરણે પહોંચતાં હોય છે. કહે છે કે દેવી સાવિત્રી પરમપિતા બ્રહ્માથી નારાજ થઈને આ પર્વત પર વિદ્યમાન થયા છે !
સાવિત્રી કેમ થયા પતિથી નારાજ ?
પદ્મપુરાણમાં વર્ણિત કથા અનુસાર બ્રહ્માજીએ સર્વ દેવી-દેવતાઓને આમંત્રિત કરી પુષ્કરમાં મહાયજ્ઞનું આયોજન કર્યું. કહે છે કે આ મહાયજ્ઞમાં બેસતા પૂર્વે દેવી સાવિત્રી જ્યારે તૈયાર થઈ રહ્યા હતા, ત્યારે નારદજીએ આવીને તેમને કહ્યું કે, “હજુ તો યજ્ઞને ઘણો સમય બાકી છે. આપ શાંતિથી પધારો.” બીજી તરફ યજ્ઞનું મુહૂર્ત વીતી રહ્યું હોઈ બ્રહ્માજીએ દેવી ગાયત્રીની ઉત્પત્તિ કરી. અને તેમની સાથે વિવાહ કરી બ્રહ્માજીએ યજ્ઞનો પ્રારંભ કરી દીધો.
પ્રચલિત કથા અનુસાર યજ્ઞ શરૂ થયાના થોડાં જ સમય બાદ દેવી સાવિત્રી યજ્ઞમાં પહોંચ્યા. પતિ સાથે અન્ય સ્ત્રીને જોઈ દેવી ક્રોધિત થઈ ગયા. તેમણે બ્રહ્માજીને પુષ્કર સિવાય બીજે ક્યાંય નહીં પૂજાવાનો શ્રાપ આપી દીધો. અને ક્રોધમાંને ક્રોધમાં દેવી પુષ્કરના રત્નાગિરિ પર્વત પર આવી તપસ્યામાં લીન થઈ ગયા.
રત્નાગિરિ પરના મંદિરમાં માતા સાવિત્રી અને તેમના પુત્રી સરસ્વતીની પ્રતિમાઓ પ્રસ્થાપિત છે. દેવી સાવિત્રી ભલે બ્રહ્માજીથી નારાજ થઈને આ સ્થાન પર બિરાજ્યા હતાં. પણ, કહે છે કે તપસ્યા બાદ તેમનો બધો રોષ શાંત થઈ ગયો. અને ત્યારબાદ તો તેમણે બધાં ભક્તો પર સદૈવ રાજીપો જ વર્તાવ્યો છે. અહીં સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘાયુષ્ય માટે માતા સાવિત્રીની પૂજા કરે છે. અને મા તેમના મનોરથોને સિદ્ધ પણ કરે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : દસ મહાવિદ્યાના આ મંત્રનો કરશો જાપ, તો જીવનના સઘળા કષ્ટ થઈ જશે સમાપ્ત !
આ પણ વાંચો : કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવે છે દસ મહાવિદ્યાની ઉપાસના ? જાણો મહાવિદ્યાની સાધનાનો મહિમા