AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mythology : શું તમને ખબર છે, કૌરવોની વિધવા પત્નીઓનું મહાભારતના યુદ્ધ બાદ શું થયું ? જાણો રસપ્રદ કથા 

Hasmukh Ramani
| Edited By: | Updated on: Jun 10, 2021 | 8:49 AM
Share

Mythology : મહાભારત યુદ્ધ પૌરાણિક યુદ્ધમાં લડાયેલું સૌથી મોટું યુદ્ધ હતું, જેમાં લાખો યોદ્ધાઓએ વીરગતિ પ્રાપ્ત કરી હતી. તમે ક્યારેય વિચાર્યું છે કે, યુદ્ધ પછી વીરગતિ મેળવનારા તે યોદ્ધાઓની વિધવા પત્નીઓનું શું થયું હતું?

મહાભારત યુદ્ધ પૌરાણિક યુદ્ધમાં લડાયેલું સૌથી મોટું યુદ્ધ હતું, જેમાં લાખો યોદ્ધાઓએ વીરગતિ પ્રાપ્ત કરી હતી. તમે ક્યારેય વિચાર્યું છે કે, યુદ્ધ પછી વીરગતિ મેળવનારા તે યોદ્ધાઓની વિધવા પત્નીઓનું શું થયું હતું?

આ કથાનું વર્ણન મહાભારત ગ્રંથના આશ્રમવાસી પર્વના 33 માં અધ્યાયમાં જોવા મળે છે. કથા અનુસાર મહાભારત યુદ્ધ પછી, પાંડવ પુત્ર યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા હતા. ત્યારબાદ પાંચ પાંડવો તેમના મોટા પિતા ધૃતરાષ્ટ્ર અને મોટા માતા ગાંધારી અને માતા કુંતીની સેવા કરતા હતા. પાંડવોની સેવાથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ધીમે ધીમે તેમના પુત્રોના મૃત્યુના શોકમાંથી બહાર આવવા લાગ્યા અને આમ પંદર વર્ષ વીતી ગયા.

એક દિવસ ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિરને કહ્યું કે, હે યુધિષ્ઠિર, અમારે હવે બાકીનું જીવન જંગલમાં વનવાસી તરીકે વિતાવવું છે, તેથી અમને આજ્ઞા આપો. મોટા પિતાની વાત સાંભળી યુધિષ્ઠિરને દુ:ખ થયું, પરંતુ વિદુરના સમજાવ્યા બાદ યુધિષ્ઠિરે તેઓને વનમાં મોકલવાની તૈયારી કરી.

બીજા દિવસે ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતી, વિદુર અને સંજયએ સંન્યાસીનો વેશ ધારણ કરી વનમાં ચાલ્યા ગયા. પાંચ પાંડવો પણ તેમની સાથે વનમાં ગયા અને આશ્રમમાં તેમના માટે તમામ જરૂરી સુવિધા સુનિશ્વિત કરી તેઓ હસ્તિનાપુર પરત ફર્યા.

પાંચ પાંડવોએ પ્રજાની સેવા માટે જીવન સમર્પિત કર્યું. હસ્તિનાપુરના લોકો પાંડવોથી ખુશ હતા, પરંતુ મહાભારત યુદ્ધ બાદ વિધવા થયેલી સ્ત્રીઓ શોકમાં રડતી રહેતી હતી. આ વિધવા સ્ત્રીઓમાં દુર્યોધન અને કર્ણ જેવા યોદ્ધાઓની પત્નીઓ પણ હતી. કર્ણની પત્ની પાંડવોનો ખૂબ આદર કરતી હતી અને કર્ણનો પુત્ર પાંડવોને ખાસ પ્રિય હતો.

અર્જુને તેમને ધનુર વિદ્યા પણ શીખવી હતી. દુર્યોધનની પત્ની વિશે એવું કહેવાય છે કે તે, આસામની રાજકુમારી હતી જ્યાં યુદ્ધમાં રાજાને કર્ણએ પરાજિત કર્યા હતા. ત્યારબાદ તેની પુત્રીના લગ્ન દુર્યોધન સાથે થયાં હતા. દુર્યોધનને એક પુત્ર લક્ષ્મણ અને એક પુત્રી લક્ષ્મણા હતી.

એક દિવસ પાંડવોમાં સૌથી નાના સહદેવને માતા કુંતીને મળવાની ઇચ્છા થઈ. સહદેવની વાત સાંભળી પાંચ પાંડવો અને દ્રૌપદીએ વન તરફ પ્રસ્થાન કર્યું. આ જોઈ હસ્તિનાપુરવાસીઓ પણ તેમની સાથે ચાલ્યા, જેમાં વિધવા સ્ત્રીઓ પણ હતી કે,

જેમના પતિએ મહાભારતના યુદ્ધમાં વીરગતિ પ્રાપ્ત કરી હતી. વનમાં પાંચ પાંડવો તે આશ્રમમાં રહ્યા, જ્યાં ધૃતરાષ્ટ્ર સહિત બધા રહેતા હતા. હસ્તિનાપુરવાસીઓએ પણ તે જ આશ્રમની આસપાસ તેમના રહેવાની વ્યવસ્થા કરી.

થોડા દિવસ બાદ મહર્ષિ વેદ વ્યાસ પાંડવોને આશ્રમમાં મળવા આવ્યા. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી તેમના પુત્રોના વિયોગમાં દુખી હતા, તો વિધવા સ્ત્રીઓ પણ વિલાપ કરી રહી હતી. આ જોઈ મહર્ષિ વેદ વ્યાસે એક દિવસ બધાને ભેગા કર્યા અને તેમને કહ્યું કે, તમે બધા જ લોકો દુ:ખી ના થાઓ,

કારણ કે જે યોદ્ધાઓ વિરગતીને પામ્યા છે, તે બધા સ્વર્ગમાં કે અન્ય લોકમાં સુખેથી નિવાસ કરી રહ્યા છે. તેઓ બધાં તેમના લોકમાં ખૂબ જ ખુશ છે. પરંતુ મહર્ષિ વેદ વ્યાસના આ નિવેદનથી લોકોનું દુ:ખ ઓછું ના થયું. ત્યારબાદ મહર્ષિ વેદ વ્યાસે બધાને કહ્યું કે, જો તમને મારી વાત પર વિશ્વાસ નથી, તો આજે રાત્રે હું બધાને તેમના પરિજનો સાથે મુલાકાત કરાવીશ.

બધા લોકો જે આશ્રમ પાસે રહેતા હતા તે ગંગા નદીના તટ પાસે હતો. સૂર્યાસ્ત પહેલાં મહર્ષિ વેદ વ્યાસ બધાને ગંગા કાંઠે લઈ ગયા અને પછી સૂર્યાસ્ત બાદ વ્યાસજીએ પોતાની તપસ્વી શક્તિઓથી એક રાત માટે કુરુક્ષેત્રના તમામ મૃત યોદ્ધાઓને સજીવન કર્યા.

મહર્ષિના આહવાનથી બધા યોદ્ધાઓ એક પછી એક ગંગાના જળમાંથી બહાર આવવા લાગ્યા અને આ રીતે બધા લોકો તેમના પરિજનોને મળ્યા. પરિજનોને મળી પાંડવો સહિત હસ્તિનાપુરવાસીઓ ખુશ થયા.

બધા લોકોએ તેમના પરિજનો સાથે વાત કરી અને પછી તેમને વિશ્વાસ થયો કે તમામ યોદ્ધાઓ મૃત્યુ લોકની વેદનાઓથી છુટકારો મેળવી અને તેમના લોકમાં ખુશ છે. થોડા સમય બાદ આ તમામ યોદ્ધાઓ એક પછી એક ગંગામાં ડૂબકી લગાવતા ગયા અને અદૃશ્ય થઈ ગયા.

આ જોઈ મહર્ષિ વેદ વ્યાસે વિધવા સ્ત્રીઓને કહ્યું કે, જે સ્ત્રીઓ તેમના પતિ સાથે તેમના લોકમાં જવા ઇચ્છે છે, તે ગંગાના આ પવિત્ર જળમાં પોતાનું જીવન સમર્પિત કરી શકે છે. મહર્ષિની વાત સાંભળી બધી જ વિધવા સ્ત્રીઓએ ગંગાના જળમાં ડૂબકી લગાવી અને પોતાનો જીવનો ત્યાગ કર્યો.

બધી જ સ્ત્રીઓ તેમના પતિ સાથે તેમના લોકમાં ગયા. આ રીતે મહાભારતના યુદ્ધમાં વિધવા થયેલી સ્ત્રીઓ પૃથ્વી લોકના કષ્ટોથી મુક્ત થઈ સ્વર્ગ લોકમાં પહોચી.

પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

આ કથા પણ વાંચો : ભગવાન શ્રીકૃષ્ણનાં બડે ભૈયા બલરામજી વિશે આ તમને ખબર છે ? જાણો રસપ્રદ કથા

Published on: Jun 10, 2021 08:47 AM
g clip-path="url(#clip0_868_265)">