AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હૃદયની જેમ હવે મગજમાં પણ પેસમેકર… દિલ્હીની RML હોસ્પિટલમાં પહેલીવાર થઈ ડીપ બ્રેઇન સર્જરી

દિલ્હીની રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાં સૌપ્રથમ વખત અત્યાધુનિક ડીપ બ્રેઇન સ્ટીમ્યુલેશન (DBS) સર્જરી કરવામાં આવી છે. પાર્કિન્સનથી પીડિત નેપાળની 55 વર્ષીય મહિલા દર્દીના મગજમાં 'બ્રેઇન પેસમેકર' પ્રત્યારોપિત કરીને આ જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.

હૃદયની જેમ હવે મગજમાં પણ પેસમેકર… દિલ્હીની RML હોસ્પિટલમાં પહેલીવાર થઈ ડીપ બ્રેઇન સર્જરી
| Updated on: Oct 18, 2026 | 6:30 PM
Share

સામાન્ય રીતે પાર્કિન્સન જેવી ગંભીર ન્યુરોલોજિકલ બીમારીથી પીડાતા દર્દીઓ માટે એક ઉંમર પછી રોજિંદા કામકાજ કરવા પણ અત્યંત મુશ્કેલ બની જતા હોય છે. આવી સ્થિતિમાં દર્દીઓને રાહત આપવા માટે અત્યંત જટિલ બ્રેઇન સર્જરીનો સહારો લેવો પડે છે. દિલ્હી સ્થિત કેન્દ્ર સરકાર સંચાલિત રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાં તબીબી ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરતાં પહેલીવાર ‘ડીપ બ્રેઇન સ્ટીમ્યુલેશન’ (Deep Brain Stimulation – DBS) સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. RML હોસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગના વડાની દેખરેખ હેઠળ આ સમગ્ર સર્જરી પાર પાડવામાં આવી હતી.

તબીબોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં આ પ્રકારની આ પ્રથમ સર્જરી હતી, જે નેપાળની એક મહિલા સરકારી અધિકારી પર કરવામાં આવી છે અને ઓપરેશન બાદ દર્દીની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર છે.

નેપાળની મહિલા દર્દીને મળી મોટી રાહત

હૃદયમાં પેસમેકર બેસાડવું સામાન્ય બાબત છે, પરંતુ તબીબી વિજ્ઞાને એટલી પ્રગતિ કરી છે કે હવે મગજમાં પણ પેસમેકર લગાવી શકાય છે. નેપાળની રહેવાસી 55 વર્ષીય મહિલા અધિકારી પાર્કિન્સનને લીધે હાથ-પગમાં અતિશય ધ્રૂજારી, ચાલવા-ફરવામાં મુશ્કેલી અને સંતુલન ગુમાવવા જેવી ગંભીર સમસ્યાઓથી પીડાઈ રહી હતી, જેના કારણે તે છેલ્લા છ મહિનાથી મેડિકલ રજા પર હતી.

8 કલાકથી વધુ સમય ચાલી જટિલ સર્જરી

આ સર્જરી પ્રક્રિયા અત્યંત પડકારજનક અને નાજુક હતી. સવારે 9 વાગ્યે શરૂ થયેલી આ મેગા સર્જરી સાંજે લગભગ 5:30 વાગ્યે પૂર્ણ થઈ હતી. આ જટિલ ઓપરેશનમાં ન્યુરોસર્જરી ટીમ ઉપરાંત એનેસ્થેસિયા સહિત અન્ય સંબંધિત વિભાગોના નિષ્ણાત તબીબોએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

શું છે ડીપ બ્રેઇન સ્ટીમ્યુલેશન (DBS) સર્જરી?

DBS એ એક અત્યાધુનિક ન્યુરોસર્જિકલ પ્રક્રિયા છે જેમાં મગજના ચોક્કસ ભાગોમાં અત્યંત ઝીણા ઇલેક્ટ્રોડ્સ (વાયર) પ્રત્યારોપિત કરવામાં આવે છે. મગજની હલનચલન અને ગતિવિધિઓને નિયંત્રિત કરતા કેન્દ્રોમાં આ વાયર મૂકવામાં આવે છે. ત્યારબાદ છાતી કે પેટની ચામડી નીચે પેસમેકર જેવું એક નાનું બેટરી સંચાલિત ઉપકરણ (જેને પલ્સ જનરેટર કહેવાય છે) લગાવવામાં આવે છે. આ ઉપકરણ વાયર મારફતે મગજને નિયંત્રિત ઇલેક્ટ્રિકલ સિગ્નલ મોકલે છે, જેનાથી મગજની અસામાન્ય ગતિવિધિઓ અને ધ્રૂજારી જેવાં લક્ષણો નિયંત્રિત થાય છે.

ખાનગી હોસ્પિટલોમાં ₹30 લાખનો ખર્ચ, સરકારી હોસ્પિટલમાં મોટી રાહત

ખાનગી હોસ્પિટલોમાં DBS સર્જરી કરાવવાનો અંદાજિત ખર્ચ ₹30 લાખ જેટલો મોટો થાય છે, જ્યારે RML જેવી સરકારી હોસ્પિટલમાં આ આધુનિક સારવાર ઘણા ઓછા ખર્ચે ઉપલબ્ધ બની છે. આ સર્જરીની સૌથી મોટી વિશેષતા એ છે કે ઓપરેશન બાદ દર્દીની પાર્કિન્સનની ભારે દવાઓ પરની નિર્ભરતા ઘણી હદે ઘટી જાય છે અને સામાન્ય રીતે એકથી છ મહિનાની અંદર દર્દીના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે.

Breaking: સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, ‘ચૂંટણી એફિડેવિટમાં ખોટી માહિતી આપવા બદલ જનતા ફરિયાદ કરી શકે છે’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">