ઉંમર માત્ર એક આંકડો છે, નોન-વેજ વગર 90 વર્ષની વયે બનાવી દમદાર બોડી, બોડીબિલ્ડરે જીત્યો 19મો નેશનલ ખિતાબ
90 વર્ષની ઉંમરે સામાન્ય રીતે લોકો આરામ કરવાનું પસંદ કરે છે, પરંતુ જાપાનના તોશિસુકે કાનાઝાવાએ 85+ કેટેગરીમાં 19મો નેશનલ બોડીબિલ્ડિંગ ખિતાબ જીતીને સૌને ચોંકાવી દીધા છે. છેલ્લા 40 વર્ષથી નોન-વેજને અડ્યા વગર દેશી શાકાહારી ખોરાકના દમ પર તેમણે આ ફિટનેસ જાળવી રાખી છે. વાંચો તેમની પ્રેરણાદાયી સફર અને દિનચર્યા.

90 વર્ષની ઉંમરે મોટાભાગના લોકો પોતાની રોજિંદી જિંદગીને આરામદાયક બનાવવામાં વ્યસ્ત હોય છે, ત્યારે જાપાનના તોશિસુકે કાનાઝાવા (Toshisuke Kanazawa) આજે પણ બોડીબિલ્ડિંગના સ્ટેજ પર પોતાનો પરચમ લહેરાવી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે 85 વર્ષથી વધુ ઉંમરની શ્રેણીમાં ‘ઓલ જાપાન માસ્ટર્સ ફિટનેસ ચેમ્પિયનશિપ’નો ખિતાબ જીતી લીધો છે. આ તેમનો 19મો નેશનલ ટાઈટલ છે. તેમના ફિટનેસની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે તેઓ ઘણા દાયકાઓથી સંપૂર્ણ શાકાહારી છે અને માંસ કે માછલી ખાતા નથી. તેથી સમગ્ર વિશ્વમાં લોકો તેમના ડાયેટ અને દિનચર્યા વિશે જાણવા ઉત્સુક બન્યા છે.
24 વર્ષની ઉંમરે બન્યા હતા ‘મિસ્ટર જાપાન’
કાનાઝાવાનો બોડીબિલ્ડિંગ સાથેનો સંબંધ નવો નથી. તેમણે યુવાનીમાં જ આ ક્ષેત્ર પસંદ કર્યું હતું અને 24 વર્ષની વયે ‘મિસ્ટર જાપાન’નો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ તેમણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ 1967માં તેમણે મિસ્ટર યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યાં તેમની મુલાકાત તે જમાનાના મહાન બોડીબિલ્ડર્સ આર્નોલ્ડ શ્વાર્ઝનેગર અને સર્જિયો ઓલિવિયા સાથે થઈ હતી.
50 વર્ષની ઉંમરે ફરી શરૂ કર્યું બોડીબિલ્ડિંગ
30 વર્ષની વય પછી તેમણે સ્પર્ધાઓમાંથી સંન્યાસ લઈ લીધો હતો. જોકે, આશરે 50 વર્ષની ઉંમરે તેમણે ફરી એકવાર જીમમાં પરસેવો પાડવાનું શરૂ કર્યું. તેનું એક મોટું કારણ તેમની પત્ની હતી, જે તે સમયે બીમાર રહેતી હતી. કાનાઝાવા ઇચ્છતા હતા કે તેમની પત્ની તેમને ફરીથી સ્ટેજ પર ફિટ અને સ્પર્ધા કરતા જોઈ શકે. પત્નીના અવસાન પછી પણ તેમણે આ ફિટનેસ સફરને કાયમ રાખી.
90 વર્ષના આ બોડીબિલ્ડર રોજ શું ખાય છે?
કાનાઝાવાનો ડાયેટ સાંભળવામાં સાવ સાદો લાગી શકે છે. તેમણે જણાવ્યું કે 50 વર્ષની વયે કમબેક કર્યા બાદ તેમણે માંસ અને માછલી ખાવાનું સંપૂર્ણ બંધ કરી દીધું હતું.
- સવારનો નાસ્તો: સામાન્ય રીતે બ્રાઉન રાઇસ, નાટ્ટો (Natto) અને મિસો સૂપ (Miso soup). નાટ્ટો એ આથો લાવેલા (fermented) સોયાબીનમાંથી બનતી જાપાની વાનગી છે. મિસો પણ સોયાબીન આધારિત પરંપરાગત ખોરાક છે.
- બપોર અને સાંજનું ભોજન: બંને ટાઈમ બ્રાઉન રાઈસ તેમની થાળીનો મુખ્ય ભાગ હોય છે, જેમાં તેઓ ફુરિકાકે (પરંપરાગત જાપાનીઝ સીઝનિંગ) ઉમેરે છે.
- પ્રોટીન: આ ઉપરાંત શરીરની પોષક જરૂરિયાત પૂરી કરવા તેઓ દિવસમાં ત્રણ વખત પ્રોટીન ડ્રિંક લે છે.
View this post on Instagram
વર્કઆઉટ, પૂરતી ઊંઘ અને કડક શિસ્ત
તેઓ માત્ર આહાર પર જ નિર્ભર નથી રહેતા, પરંતુ નિયમિત ટ્રેનિંગ પણ કરે છે. ઉંમર વધવાની સાથે તેમણે પોતાની એક્સરસાઇઝમાં ફેરફાર કર્યો છે. હવે તેઓ ભારે સ્ક્વોટ્સ કે બેન્ચ પ્રેસ કરવાને બદલે જિમ મશીનનો વધુ ઉપયોગ કરે છે. તેઓ અઠવાડિયામાં 6 દિવસ જિમ જાય છે અને દરરોજ આશરે બે કલાક ટ્રેનિંગ લે છે.
ઉંમરના આ તબક્કે બોડીને રિકવર થવામાં વધુ સમય લાગતો હોવાથી તેઓ બે સેટ વચ્ચે પૂરતો આરામ લે છે અને દરરોજ રાત્રે ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ લે છે. તેમણે જીવનભર સિગારેટ અને આલ્કોહોલથી અંતર જાળવી રાખ્યું છે.
