Viral clip: એક્ઝોસ્ટ ફેન સામે લગાવી દીધી પવનચક્કી, મફતમાં બનવા લાગી 11,000 યુનિટ વીજળી, કેટલો કારગર છે આ દેશી જુગાડ? -જુઓ Video
ડેરી ફાર્મમાં લાગેલા મોટા એક્ઝોસ્ટ ફેનની હવાથી 1 kW ની પવનચક્કી ફેરવીને વર્ષે 11,000 યુનિટ મફત વીજળી પેદા કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જોકે, વૈજ્ઞાનિક અને ટેકનિકલ ગણતરી મુજબ આ દાવો પોકળ સાબિત થાય છે. બેકપ્રેશરના કારણે મોટર બળી જવાનું જોખમ અને થર્મોડાયનેમિક્સના નિયમો આ જુગાડને કેવી રીતે ખોટનો સોદો બનાવે છે?

વિચારો કે તમે પંખો કે એક્ઝોસ્ટ ફેન ચાલુ કરો અને તેનાથી વીજળી વપરાવાને બદલે નવી વીજળી પેદા થવા લાગે તો? સોશિયલ મીડિયા પર આવો જ એક દેશી જુગાડ વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક્ઝોસ્ટ ફેનમાંથી નીકળતી હવાથી વર્ષે 11 હજાર યુનિટ મફત વીજળી બનાવવામાં આવી રહી છે. પરંતુ શું ખરેખર આવું શક્ય છે કે પછી આ માત્ર એક સોશિયલ મીડિયા સ્ટંટ છે? આવો જાણીએ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ શું કહે છે.
એક્ઝોસ્ટ ફેનની હવાથી વીજળી બનાવવાનો જુગાડ
રિપોર્ટ્સ અનુસાર, એક શખ્સે પોતાના ડેરી ફાર્મમાં પશુઓને ઠંડક અને તાજી હવા મળે તે માટે મોટા-મોટા એક્ઝોસ્ટ ફેન લગાવ્યા હતા. આ ફેન સતત ચાલતા હોવાથી તેનું વીજળી બિલ પણ ખાસ્સું આવતું હતું. આ ખર્ચ ઘટાડવા માટે તેણે એક અનોખો જુગાડ અજમાવ્યો અને એક્ઝોસ્ટ ફેનમાંથી બહાર ફેંકાતી જોરદાર હવાની બરાબર સામે લોખંડના સ્ટેન્ડ પર 1 કિલોવોટ (1 kW) ક્ષમતા ધરાવતી હોરિઝોન્ટલ વિન્ડ ટર્બાઇન (પવનચક્કી) ગોઠવી દીધી. વીડિયોમાં દાવો કરાયો છે કે એક્ઝોસ્ટ ફેનના પ્રેશરથી આ પવનચક્કી ખૂબ જ ઝડપથી ફરે છે અને વર્ષે 11,000 યુનિટ જેટલી ફ્રી વીજળી આપે છે.
11 હજાર યુનિટના દાવામાં મોટો લોચો
- પવનચક્કી હવાથી ફરીને વીજળી બનાવે તે વાત સાચી છે, પરંતુ વાર્ષિક 11 હજાર યુનિટના દાવામાં મોટો ગરબડગોટાળો છે.
- ગણતરી મુજબ, 1 kW ની હોરિઝોન્ટલ પવનચક્કી જો સામાન્ય ઝડપે ચાલે તો દિવસના આશરે 10 થી 12 યુનિટ બનાવી શકે.
- જો તે વધુ ઝડપે ચાલે તો પણ દિવસના 15 થી 16 યુનિટથી વધુ પેદા ન થઈ શકે. આ હિસાબે વર્ષે માત્ર 5,500 થી 5,800 યુનિટ જ બને.
- સૌથી મહત્વની વાત એ છે કે, જો આ 1 kW ની પવનચક્કી દિવસના 24 કલાક પોતાની 100% ક્ષમતા (Full Capacity) પર સતત ચાલે, તો પણ દિવસના વધુમાં વધુ 24 યુનિટ બનાવી શકે. એટલે કે આખા વર્ષમાં વધુમાં વધુ 8,760 યુનિટ જ બની શકે. આવી સ્થિતિમાં 11,000 યુનિટનો દાવો તદ્દન પાયાવિહોણો સાબિત થાય છે.
ટેકનિકલ દ્રષ્ટિએ આ જુગાડ કેમ છે ખોટનો સોદો?
દેખાવમાં આ આઈડિયા ભલે હોશિયારીભર્યો લાગે, પરંતુ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ તેમાં ગંભીર ખામીઓ છે:
બેકપ્રેશર અને મોટર બળી જવાનું જોખમ: એક્ઝોસ્ટ ફેન સરખી રીતે કામ કરે તે માટે જરૂરી છે કે તે હવાને કોઈપણ અવરોધ વગર બહાર ફેંકી શકે. પંખાના મોં આગળ પવનચક્કી મુકવાથી હવાનો કુદરતી પ્રવાહ અવરોધાય છે, જેના કારણે ‘બેકપ્રેશર’ સર્જાય છે. આનાથી એક્ઝોસ્ટ ફેનની મોટર પર ભારે લોડ પડે છે. પરિણામે ફેન સામાન્ય કરતાં વધુ વીજળી ખેંચે છે અને મોટર બળી જવાનું જોખમ પણ વધી જાય છે.
ઉર્જા સંરક્ષણનો નિયમ (Thermodynamics): વિજ્ઞાનનો નિયમ છે કે કોઈપણ મોટર કે ટર્બાઇનની કાર્યક્ષમતા (Efficiency) ક્યારેય 100% હોતી નથી. હિલચાલ અને ગરમીના કારણે ઘણી ઉર્જા વેડફાઈ જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, એક્ઝોસ્ટ ફેન સામે અવરોધ ઊભો થવાથી તે જેટલી વધારે વીજળી વાપરશે, તેના પ્રમાણમાં પવનચક્કી ઘણી ઓછી વીજળી પાછી આપશે.
આમ, જેને ‘મફત વીજળી’ ગણાવવામાં આવી રહી છે, તે વાસ્તવમાં મોંઘી વીજળી અને મોટર ખરાબ કરવાનો સોદો છે.
જુઓ Video
Video From Instagram: bizzindia
