AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 Jyotirlinga : કાલસર્પ દોષ નિવારણ માટે ઉત્તમ છે આ ભૂમિ ! અહીં સ્વયં શિવ-પાર્વતી બન્યા નાગેશ્વર-નાગેશ્વરી !

અહીં શિવલિંગ પર નાગ-નાગણીની પ્રતિકૃતિઓ જોડલામાં અર્પણ કરવાનું માહાત્મ્ય છે. તેનાથી ભક્તોના જીવનમાં સુખ-શાંતિ સ્થિર થવાની માન્યતા છે. તો, કાલસર્પ દોષ નિવારણની વિધિ માટે આ સ્થાન ધરતી પર સર્વોત્તમ મનાય છે.

12 Jyotirlinga : કાલસર્પ દોષ નિવારણ માટે ઉત્તમ છે આ ભૂમિ ! અહીં સ્વયં શિવ-પાર્વતી બન્યા નાગેશ્વર-નાગેશ્વરી !
નાગેશ્વર ધામમાં ભવ્ય શિવ પ્રતિમાના દર્શન
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 25, 2021 | 1:40 PM
Share

દ્વાદશ જ્યોતિર્લિંગમાં (12 Jyotirlinga) આઠમું સ્થાન ધરાવે છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. (Nageshwar Jyotirlinga) કેટલાંક લોકો ઉત્તરાખંડના અલમોડામાં આવેલાં જગતેશ્વરને મૂળ સ્થાનક માને છે. તો, કેટલાંક લોકો મહારાષ્ટ્રમાં આવેલાં ઔંધને. અલબત્ નાગેશ્વર જ્યોતિર્લિંગ સંબંધી ભક્તોની દ્રઢ માન્યતા અને આસ્થા તો જોડાયેલી છે ગુજરાતના નાગેશ્વર ધામ સાથે.

નાગેશ્વર ધામ એ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિત છે. શ્રીકૃષ્ણની નગરી દ્વારિકાથી તેનું અંતર લગભગ 16 કિ.મી. જેટલું છે. નાગેશ્વર ધામ જેટલું અહીંના મંદિર અને જ્યોતિર્લિંગ માટે પ્રસિદ્ધ છે, તેટલું જ પ્રસિદ્ધ છે ભવ્ય કદ ધરાવતી શિવ પ્રતિમા માટે. લગભગ સવાસો ફૂટ ઊંચી અને ચોવીસ ફૂટ પહોળી શિવ પ્રતિમા ભક્તોને જાણે સાક્ષાત શિવ દર્શનની અનુભૂતિ કરાવે છે અને તેના દર્શન બાદ જ ભક્તો મંદિરમાં પ્રવેશ કરે છે.

મંદિરના ગર્ભગૃહમાં અત્યંત સુંદર શિવલિંગ વિદ્યમાન થયું છે. ભક્તો આસ્થા સાથે આ શિવલિંગના દર્શન કરે છે. અને સાથે જ મહાદેવને નાગ-નાગણીની પ્રતિકૃતિઓ અર્પણ કરે છે. પ્રચલીત કથા અનુસાર દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતી આ પાવનધરા પર નાગ-નાગણીના રૂપે પ્રગટ થયા હતા અને પછી એ જ રૂપમાં અહીં સ્થિર રહેવાનું તેમણે તેમના ભક્તોને વચન આપ્યું હતું. એ જ કારણ છે કે જે શ્રદ્ધાળુઓ અહીં મહેશ્વરના દર્શનાર્થે આવે છે, તે અહીં નાગની પ્રતિકૃતિ શિવલિંગ પર અર્પણ કરે છે.

નાગ-નાગણીની પ્રતિકૃતિઓ જોડલામાં અર્પણ કરવાનું માહાત્મ્ય છે. તેનાથી ભક્તોના જીવનમાં સુખ-શાંતિ સ્થિર થવાની માન્યતા છે. તો, શ્રદ્ધાળુઓ અહીં કાલસર્પ દોષ નિવારણની વિધિ અર્થે પણ આવતા હોય છે. માન્યતા અનુસાર કાલસર્પ દોષ નિવારણની વિધિ માટે આ સ્થાન ધરતી પર સર્વોત્તમ છે. કારણ કે અહીં સ્વયં શિવ-પાર્વતી નાગ-નાગણીના રૂપમાં વિદ્યમાન થયા છે અને તેમના આ દિવ્ય રૂપના પ્રાગટ્ય સાથે અત્યંત રસપ્રદ ગાથા જોડાયેલી છે.

This land is excellent for Kalsarpa dosh nivarana Here Shiva-Parvati themself became Nageshwar-Nageshwari

અહીં નાગેશ્વર-નાગેશ્વરી રૂપે પ્રગટ્યા શિવ-પાર્વતી

પ્રચલિત કથા અનુસાર નાગેશ્વરની આ ભૂમિ પર પ્રાચીન સમયમાં ગાઢ વન હતું. દારુકા નામની રાક્ષસી અને તેના પતિ દારુકનું આ ભૂમિ પર આધિપત્ય હતું. રાક્ષસી દારુકા માતા પાર્વતીની ભક્ત હતી. દેવીએ પ્રસન્ન થઈ તેને જંગલને ગમે ત્યાં લઈ જવાનું વરદાન આપ્યું હતું. પત્નીને મળેલા વરદાનથી અસુર દારુક વધુ ઉદ્ધત બન્યો. તેણે લોકોને રંજાડવાનું શરૂ કર્યું. એકવાર તેણે શિવજીના જ પરમ ભક્ત સુપ્રિયને બંદી બનાવી દીધો.

સુપ્રિય તો શિવપૂજન સિવાય ભોજન પણ ગ્રહણ ન કરતો. કેદખાનામાં રહીને પણ તે શિવપૂજા કરવાનું ન ચૂક્યો. એટલું જ નહીં તેણે અન્ય બંદીઓને પણ શિવભક્તિ તરફ વાળ્યા. દારુકને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે અત્યંત ક્રોધે ભરાયો અને સુપ્રિયને મારવા દોડ્યો. સુપ્રિયએ આસ્થા સાથે શિવજીનું સ્મરણ કર્યું અને ભક્ત વત્સલ ભગવાન તરત દોડી આવ્યા. દંતકથા અનુસાર શિવ-પાર્વતી આ ભૂમિ પર નાગેશ્વર અને નાગેશ્વરી રૂપે પ્રગટ થયા. શિવજીએ સુપ્રિયને પોતાનું પાશુપતા શસ્ત્ર આપ્યુ અને સુપ્રિયએ તેનાથી દારુકનો વધ કર્યો.

કહે છે કે દારુકના વધ બાદ દારુકાએ દેવી પાર્વતીની ક્ષમા માંગી રાક્ષસ પુત્રો માટે જીવનદાન માંગ્યું. શિવ-પાર્વતીએ તેને અભયદાન આપ્યું. પણ, તે સાથે જ તેમના ભક્તોની રક્ષાર્થે જ્યોતિર્લિંગ સ્વરૂપે તે સદૈવને માટે આ ધરા પર જ સ્થિર થઈ ગયા. એક જ્યોતિર્લિંગ તરીકે તો નાગેશ્વર ધામની અદકેરી મહત્તા છે જ. પણ, સ્વયં શિવ-પાર્વતી આ ભૂમિ પર નાગેશ્વર અને નાગેશ્વરી રૂપે પ્રગટ થયા હોઈ, આ સ્થાન કાલસર્પ દોષ નિવારણની વિધિ માટે સર્વોત્તમ મનાય છે.

આ પણ વાંચોઃ આ જ્યોતિર્લિંગનું તો વર્ણન સાંભળવા માત્રથી થઈ જાય છે સમસ્ત પાપોનો નાશ ! શિવજીએ સ્વયં દીધું વરદાન

આ પણ વાંચોઃ શારીરિક અને આદ્યાત્મિક શુદ્ધિ સાથે અઢળક આશિષ આપશે મહાદેવનો આ ખાસ મંત્ર !

g clip-path="url(#clip0_868_265)">