Shravan 2021: પુષ્પથી પ્રસન્ન થશે પાર્વતી પતિ ! જાણો આ શ્રાવણમાં કઈ કામના માટે શિવજીને કયું ફૂલ કરશો અર્પણ ?
કહે છે કે જ્યારે કોઈ ખાસ ફળની પ્રાપ્તિ કરવી હોય, મનોકામનાની પૂર્તિ માટેના આશીર્વાદ મેળવવા હોય, ત્યારે શિવજીને તે મુજબ ફૂલ પણ અર્પણ કરવા પડે. આ ફૂલના ગુણ અને ભક્તના ભાવથી પ્રસન્ન થઈ મહાદેવ, તે મુજબ ફળની પ્રાપ્તિ કરનાવનાર મનાય છે.
ભોળાનાથ શિવ (Shiv) આમ તો શ્રદ્ધાના જળ માત્રથી જ રીઝી જાય છે. પરંતુ શ્રાવણ માસ એ તો શિવ ભક્તિનો માસ છે. શ્રાવણ માસ તો ભક્તોને ભોળાના અદ્વિતીય આશિષની પ્રાપ્તિ કરાવનારો અવસર છે. એ જ કારણ છે કે આ મહિનામાં ભક્તો વિવિધ ઉપચાર દ્વારા મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ શું તમને ખબર છે કે આ પાર્વતી પતિને તો પુષ્પ પણ ખૂબ જ પ્રિય છે ? એટલું જ નહીં, ભક્તે અર્પણ કરેલાં વિવિધ પુષ્પથી પ્રસન્ન થઈ મહાદેવ તો તે અનુસાર ફળની પ્રાપ્તિ પણ કરાવે છે. આવો, આજે તે વિશે જ માહિતી મેળવીએ.
ભોળાનાથને આમ તો બીલીપત્ર અર્પણ કરવાનો વિશેષ મહિમા છે. શિવજી તો ધતૂરા જેવાં જંગલી પુષ્પથી પણ પ્રસન્ન થઈ જાય છે. પણ, કહે છે કે જ્યારે કોઈ ખાસ ફળની પ્રાપ્તિ કરવી હોય, મનોકામનાની પૂર્તિ માટેના આશીર્વાદ મેળવવા હોય, ત્યારે શિવજીને તે મુજબ ફૂલ પણ અર્પણ કરવા પડે.
આ ફૂલના ગુણ અને ભક્તના ભાવથી પ્રસન્ન થઈ મહાદેવ, તે મુજબ ફળની પ્રાપ્તિ કરનાવનાર મનાય છે. એમાં પણ પવિત્ર શ્રાવણ માસમાં પુષ્પથી શિવજીના પૂજનનો વિશેષ મહિમા છે. ત્યારે, આવો જાણીએ, કે કઈ મનશાને પરિપૂર્ણ કરવા મહાદેવને કયુ ફૂલ અર્પણ કરવું જોઈએ.
સુખ પ્રાપ્તિ અર્થે શિવજીનો અર્થ જ થાય છે કલ્યાણ. કલ્યાણના આ દેવતા જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે જીવનમાંથી બધાં સંકટોનું શમન કરી ભક્તને સુખી જીવનના આશીર્વાદ પ્રદાન કરે છે. ત્યારે, સુખી જીવનની આ કામનાને પૂર્ણ કરવા શ્રાવણમાં જૂઈ કે ચમેલીના ફૂલથી મહાદેવની પૂજા કરવી.
સંપત્તિ અર્થે જે વ્યક્તિને ધન અને વૈભવની કામના છે તેણે, શ્રાવણ માસમાં શિવજીને કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ. કહે છે કે ભગવાન શિવના મહામાયાધર રૂપનું પૂજન કમળના પુષ્પથી જ કરવામાં આવે છે. આ રીતે પૂજા કરવાથી મા લક્ષ્મીની કૃપા અકબંધ રહે છે અને વ્યક્તિને ધન સંપત્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
વિવાહ અર્થે જે લોકોના લગ્નમાં વિઘ્ન આવતા હોય અથવા લગ્ન જીવનમાં કોઈ મુશ્કેલી પડતી હોય, તેવી વ્યક્તિએ શ્રાવણ માસમાં ભગવાન શિવને મોગરાના સુંગધિત પુષ્પ અર્પણ કરવા જોઈએ. માન્યતા અનુસાર મોગરાના ફૂલ અર્પણ કરવાથી વિવાહ આડેના વિઘ્નો દૂર થાય છે. તો જેમના લગ્ન જીવનમાં કલેહ ચાલતો હોય, તેમના જીવનમાં પણ સુખ સ્થાયી બને છે.
સ્વાસ્થ્ય અર્થે શિવજીને આંકડો અને ધતૂરો ચઢે છે એ તો સૌ કોઈ જાણે છે. પણ, ઘણાં ઓછાં ભક્તોને ખ્યાલ હશે કે આ પુષ્પ સારાં સ્વાસ્થ્યની કામનાને પણ પૂર્ણ કરે છે. આ બંન્ને પુષ્પ વૈરાગી શિવના પ્રિય પુષ્પ છે. કહે છે કે આંકડો અર્પણ કરવાથી વ્યક્તિ આંખો સંબંધી સમસ્યાઓથી દૂર રહે છે. તો, ધતૂરો અર્પણ કરનાર વ્યક્તિને સાપ, વિંછી કે જીવલેણ સરિસૃપોનો ડર રહેતો નથી.
દીર્ઘ આયુષ્ય અર્થે વિવિધ પુષ્પ ઉપરાંત મહાદેવને દૂર્વા જેવી ઘાસ પણ અર્પણ કરી શકાય છે. દૂર્વા આમ તો ગજાનનને સવિશેષ પ્રિય છે. પણ, માન્યતા અનુસાર આ જ દૂર્વા આસ્થા સાથે મહેશ્વરને અર્પણ કરનાર વ્યક્તિને નિરોગી અને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે.
ઉલ્લેખનીય છે કે આ બધાં જ ઉપચાર લૌકિક માન્યતાઓ પર આધારિત છે. પણ, ઘણાં શ્રદ્ધાળુઓ શ્રાવણમાં તેનો પ્રયોગ કરી પુણ્યનું ભાથું બાંધે છે.
આ પણ વાંચોઃ ક્યાં બિરાજમાન થયું છે દેવાધિદેવ મહાદેવનું સૌથી દુર્લભ મૂર્તિ રૂપ ? જાણો ‘સમાધિશ્વર’નું રહસ્ય
આ પણ વાંચોઃ શ્રાવણમાં શિવજીને જળ અર્પણ કરવાનો વિશેષ મહિમા, જાણો કેવી રીતે શરૂ થઈ આ પ્રથા ?