પ્રાઈવસી ખતરામાં, 99 રૂપિયામાં વેચાઈ રહી છે તમારી અંગત વિગતો !
એપનો ઉપયોગ કરતી વખતે ગોપનીયતા અને સલામતી સેટિંગ્સ સુધાર્યા પછી, શું તમને લાગે છે કે તમે ડિજિટલ દુનિયામાં સુરક્ષિત છો? તો તમે ભૂલમાં છો, કારણ કે તાજેતરના એક રિપોર્ટમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે તમારા પગ નીચેથી જમીન સરકી જશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકોનો અંગત ડેટા ખૂબ જ ઓછી કિંમતે વેચાઈ રહ્યો છે.

આપણે અનેક પ્રકારની એપ્સ વાપરિયે છીએ એપ્સવાલા વપરાશકર્તાઓની સલામતી અને ગોપનીયતા વિશે મોટા દાવા કરે છે પરંતુ શું તેમના બધા દાવા ખરેખર સાચા છે? લોકોની સલામતી માટે, એપમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન ફીચર આપવામાં આવ્યું છે, પરંતુ શું તમે આ ફીચર ચાલુ કર્યા પછી ડિજિટલ દુનિયામાં સુરક્ષિત છો? એવા અનેક સવાલ ઉઠે છે.
તાજેતરનો રિપોર્ટમાં ડેટા લીક વિશે માહિતી આપતા, એવું કહેવામાં આવ્યું છે કે ટેલિગ્રામ બોટ લોકોની અંગત માહિતી વેચી રહ્યું છે, આ ચોંકાવનારા ખુલાસાએ એપનો ઉપયોગ કરતા લોકોની ગોપનીયતા વિશે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. આ રિપોર્ટ વિચારવા મજબૂર કરે છે કે શું એપ બનાવતી કંપની પાસે ડેટા ખરેખર સુરક્ષિત છે કે નહીં?
આ મહત્વપૂર્ણ માહિતી વેચાઈ રહી છે
ડિજિટને આ ટેલિગ્રામ બોટ વિશે જાણવા મળ્યું છે, રિપોર્ટમાં બોટના નામ વિશે માહિતી આપવામાં આવી નથી પરંતુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમને એક ટિપ દ્વારા બોટ વિશે જાણવા મળ્યું છે. બોટ એ ટેલિગ્રામની એક મુખ્ય વિશેષતા છે, કોઈપણ બોટ બનાવી શકે છે. આ બોટનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે થાય છે.
રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ટેલિગ્રામમાં એક બોટ છે જે ભારતીય વપરાશકર્તાઓનો સંવેદનશીલ વ્યક્તિગત ડેટા ખરીદદારોને વેચી રહ્યો છે. આ બોટ વપરાશકર્તાનું નામ, પિતાનું નામ, સરનામું, આધાર નંબર, પાન કાર્ડ નંબર અને મતદાર ID નંબર જેવી માહિતી લીક કરી રહ્યો છે.
આ બધી જરૂરી માહિતી આપતા પહેલા, બોટ પ્લાન ખરીદવાનું કહે છે અને પ્લાનની કિંમત 99 રૂપિયાથી લઈને 4999 રૂપિયા સુધીની હોય છે.
2 સેકન્ડમાં સંપૂર્ણ માહિતી આપે છે
પ્લાન ખરીદ્યા પછી, આ બોટ ખરીદનારને 10-અંકનો મોબાઇલ નંબર મોકલવાનું કહે છે અને પછી બે સેકન્ડમાં આ બોટ નંબર સાથે સંકળાયેલ વ્યક્તિની સંપૂર્ણ પ્રોફાઇલ પ્રદાન કરે છે જેમાં નામ, વૈકલ્પિક ફોન નંબર, સરનામું અને તમામ દસ્તાવેજોની વિગતો શામેલ છે.