શું તમે પણ વાપરો છો સ્માર્ટ રેફ્રિજરેટર્સ તો ચેતી જજો, ડિજીટલ ગેજેટ્સ અને સાધનોને સુરક્ષિત રાખવા અપનાવો આ ટિપ્સ!
ફ્રાન્સમાં જૂના સોફ્ટવેરની ખામીનો ફાયદો ઉઠાવી હેકર્સે રેફ્રિજરેટર્સનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી લાખોનો સામાન બગાડી નાખ્યો. સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક સાધનોને આવા સાયબર હુમલાથી સુરક્ષિત રાખવા શું કરવું, જાણો મહત્વપૂર્ણ ટિપ્સ.

ફ્રાન્સમાં સાયબર એટેકની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં હેકર્સે અનેક સુપરમાર્કેટ્સના ડીપ ફ્રીઝર અને કનેક્ટેડ રેફ્રિજરેટર સિસ્ટમને નિશાન બનાવ્યા હતા. સિસ્ટમ હેક કર્યા બાદ ફ્રીઝરનું તાપમાન વધારીને 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચાડી દેવામાં આવ્યું હતું, જેના કારણે કાળઝાળ ગરમીથી સવાર સુધીમાં લાખો રૂપિયાનો ખાદ્યપદાર્થોનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા ફ્રિજને નિશાન બનાવીને હેકર્સે તેને ઓવનની જેમ ગરમ કરી દીધા હતા. હવે સવાલ એ થાય છે કે હેકર્સ આવી ડિવાઇસને કેવી રીતે શિકાર બનાવે છે અને પોતાના ગેજેટ્સને કેવી રીતે સુરક્ષિત રાખવા?
ફ્રિજ, ટીવી, કોમ્પ્યુટર અને સ્માર્ટફોન જેવા મોટાભાગના ઇલેક્ટ્રોનિક સાધનો કોઈને કોઈ ઓપરેટિંગ સિસ્ટમ (OS) પર કામ કરે છે. સ્માર્ટફોન માટે એન્ડ્રોઇડ અને iOS છે, જ્યારે અલગ-અલગ કન્ઝ્યુમર બ્રાન્ડ્સ પોતાના હોમ એપ્લાયન્સિસ માટે કસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવતી હોય છે. કંપનીઓ સાયબર જોખમો સામે રક્ષણ મેળવવા માટે સમય-સમય પર સિક્યોરિટી અપડેટ્સ બહાર પાડતી રહે છે જેથી જૂની ખામીઓને દૂર કરી શકાય.
નવા અપડેટને અવગણવું ભારે પડી શકે છે
મોટાભાગના યૂઝર્સ સિસ્ટમ અપડેટ્સને નજરઅંદાજ કરી દેતા હોય છે. આવી સ્થિતિમાં હેકર્સ જૂની ઓપરેટિંગ સિસ્ટમની સુરક્ષા ખામીઓનો લાભ લઈને પ્રોડક્ટના કંટ્રોલ સિસ્ટમ સુધી પહોંચી જાય છે. ત્યારપછી તેઓ કાં તો આખી સિસ્ટમ પોતાના નિયંત્રણમાં લઈ લે છે અથવા તેની કામગીરી સંપૂર્ણપણે ખોરવી નાખે છે.
ઇલેક્ટ્રોનિક સાધનો કેમ હેક થાય છે?
સ્માર્ટફોનથી લઈને સ્માર્ટ રેફ્રિજરેટર હેક થવા પાછળ મુખ્યત્વે નીચે મુજબના કારણો જવાબદાર હોય છે:
- જૂનું સોફ્ટવેર: ઇન્ટરનેટ સાથે કનેક્ટ થતા કોઈપણ ઇલેક્ટ્રોનિક ગેજેટનું સોફ્ટવેર જૂનું હોય અને તેમાં બગ કે સુરક્ષા ખામી હોય, તો હેકર્સ રિમોટલી તેનો કંટ્રોલ મેળવી શકે છે.
- નબળો પાસવર્ડ: હેકિંગનું બીજું મુખ્ય કારણ નબળો અથવા ડિફોલ્ટ પાસવર્ડ છે. સ્માર્ટફોન, ક્લાઉડ સ્ટોરેજ કે ઈમેલ એકાઉન્ટ્સ પર સરળ પાસવર્ડ રાખવાથી ડેટા ચોરી થઈ શકે છે. તેથી હંમેશા મજબૂત (Strong) પાસવર્ડ વાપરવો જોઈએ.
- અસુરક્ષિત Wi-Fi: જો સ્માર્ટફોન કે સ્માર્ટ હોમ એપ્લાયન્સિસને કોઈ અજાણ્યા કે અસુરક્ષિત પબ્લિક Wi-Fi સાથે કનેક્ટ કરવામાં આવે, તો હેકર્સ તે નેટવર્ક દ્વારા ડિવાઇસમાં ઘૂસણખોરી કરીને ડેટા ચોરી અથવા કંટ્રોલ હસ્તગત કરી શકે છે.
સુરક્ષા એજન્સીની તપાસમાં ખુલાસો
આ સમગ્ર મામલે ફ્રાન્સની નેશનલ સાયબર સિક્યોરિટી એજન્સી (ANSSI) એ વિસ્તૃત તપાસ હાથ ધરી છે. પ્રાથમિક અહેવાલો મુજબ, ડેનફોસ (Danfoss) દ્વારા ઇન્સ્ટોલ કરાયેલા રેફ્રિજરેશન કંટ્રોલરના જૂના અને આઉટડેટેડ સોફ્ટવેરમાં રહેલી ખામીનો હેકર્સે ફાયદો ઉઠાવ્યો હતો. હેકર્સે રિમોટ એક્સેસ મેળવીને તાપમાન વધારી 50 ડિગ્રી સેલ્સિયસ કરી દીધું હતું. તંત્રએ લોકોને પોતાના તમામ સ્માર્ટ ઉપકરણોને નિયમિતપણે અપડેટ રાખવા તાકીદ કરી છે.
