Chandrayaan 3 Update: પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડ પર મોકલવામાં આવ્યું, લેન્ડિંગના 11 દિવસ બાદ તમામ કામ કર્યું પૂર્ણ
ઈસરોએ 23 ઓગસ્ટે સાંજે 5.44 કલાકે ઓટોમેટિક લેન્ડિંગ પ્રક્રિયા શરૂ કરી અને આગામી 20 મિનિટમાં સફર પૂર્ણ કરી. ભારતે સાંજે 6.04 કલાકે ઈતિહાસ રચ્યો હતો. ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. આ સાથે ભારત આ રેકોર્ડ બનાવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.
Chandrayaan 3 Update: ભારતે 23 ઓગસ્ટે ચંદ્રયાન-3 (Chandrayaan 3 ) મિશન દ્વારા ઈતિહાસ રચ્યો હતો. ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ કર્યું હતું. 11 દિવસના સોફ્ટ-લેન્ડિંગ બાદ પ્રજ્ઞાન રોવરે તેનું કામ પૂર્ણ કર્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શનિવારે આ જાણકારી આપી. ઈસરોએ કહ્યું કે રોવરને સ્લીપ મોડ પર મોકલી દેવામાં આવ્યું છે. તેનો સૂર્યોદય 22મી સપ્ટેમ્બરે થશે એટલે કે આ દિવસથી તે ફરી કામ કરવાનું શરૂ કરશે. હાલમાં તે સ્લીપ મોડમાં છે. તેણે તેના બધા કામ પૂર્ણ કર્યા છે.
આ પણ વાંચો: Chandrayaan -3 બાદ હવે Sun Mission ભારતીય અર્થતંત્રને વેગ આપશે, Aditya L1 ચીનને પછાડવા તૈયાર
ઈસરોએ ટ્વીટ કર્યું કે પ્રજ્ઞાન રોવરે તેનું કામ પૂર્ણ કરી લીધું છે. તે હવે સુરક્ષિત રીતે પાર્ક કરેલ છે અને સ્લીપ મોડ પર સેટ છે. તેના APXS અને LIBS પેલોડ્સ બંધ છે. આ પેલોડ્સમાંથી ડેટા લેન્ડર દ્વારા પૃથ્વી પર મોકલવામાં આવ્યો છે. હાલમાં, બેટરી સંપૂર્ણ ચાર્જ છે. ઈસરોએ વધુમાં જણાવ્યું કે પ્રજ્ઞાન રોવરને એવી રીતે મૂકવામાં આવ્યું હતું કે જ્યારે આગામી 22 સપ્ટેમ્બર, 2023ના રોજ સૂર્યોદય થશે ત્યારે સૂર્યપ્રકાશ સૌર પેનલ પર પડશે. રીસીવરને ચાલુ રાખવામાં આવ્યું છે. આ પહેલા ઈસરોએ જણાવ્યું હતું કે રોવરે શિવશક્તિ લેન્ડિંગ પોઈન્ટથી 100 મીટરનું અંતર કાપ્યું છે.
રોવરે પૂર્ણ કર્યું અસાઈનમેન્ટ
મહત્વનું છે કે, ISRO દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં પ્રજ્ઞાન રોવર દ્વારા લેન્ડિંગ પોઈન્ટ ‘શિવશક્તિ’થી કાપવામાં આવેલું અંતર બતાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે પ્રજ્ઞાન રોવરનું વજન 26 કિલો છે. તેમાં છ પૈડાં છે. ગુરુવારે સવારે લેન્ડિંગના લગભગ 14 કલાક બાદ ઈસરોએ રોવરના બહાર નિકળ્યાની જાણકારી આપી હતી. ચંદ્રયાન-3 મિશન દ્વારા વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને ચંદ્ર પર મોકલવામાં આવ્યા હતા. પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્રની સપાટી પર અનેક પ્રકારના પ્રયોગો કરવામાં આવી રહ્યા છે.
ભારતે 23મી ઓગસ્ટે ઈતિહાસ રચ્યો હતો
ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટે સાંજે 6: 04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે, ભારત દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો કારણ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી હજી સુધી કોઈ પહોંચ્યું ન હતું. આ પહેલા રશિયા, અમેરિકા અને ચીને ચંદ્ર પર પગ મૂક્યો હતો, પરંતુ તેઓ દક્ષિણ ધ્રુવ પર ઉતર્યા નહોતા. જણાવી દઈએ કે ચંદ્રયાન-3ના લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ 4 તબક્કામાં થયું હતું.