Breaking News : આજે સવારથી જ ઠપ થઈ ગઈ Outlook અને Teams ની સર્વિસ! જાણો માઈક્રોસોફ્ટના ક્લાઉડ સર્વરમાં અચાનક કેમ સર્જાઈ મોટી ખામી
જ્યારે અચાનક Outlook કામ કરવાનું બંધ કરી દે છે અથવા Microsoft Teams પર મીટિંગ થઈ શકતી નથી, ત્યારે યુઝર્સને લાગે છે કે કદાચ કોઈ મોટું સર્વર બંધ થઈ ગયું હશે અથવા વીજળી જતી રહી હશે. પરંતુ હકીકત આના કરતાં ઘણી અલગ હોય છે.

શું આજે સવારથી તમને પણ ઓફિસનું કામ કરવામાં મુશ્કેલી પડી રહી છે? Outlook પર ઈમેઇલ ખૂલતા નથી અને Microsoft Teams પર મીટિંગ પણ થઈ શકતી નથી? જો જવાબ હા હોય, તો આવી સમસ્યા માત્ર તમારી સાથે જ નથી થઈ રહી. સમસ્યા તમારા ડિવાઇસ કે ઇન્ટરનેટ કનેક્શનમાં નહીં, પરંતુ ટેક જાયન્ટ Microsoftની સર્વિસમાં આવેલી ટેક્નિકલ ખામીને કારણે હોઈ શકે છે. Microsoft માં આવેલી ટેક્નિકલ ખામીને કારણે આજે 13 નવેમ્બર શુક્રવારે અચાનક દુનિયાભરમાં તેની ઘણી સર્વિસ પ્રભાવિત થઈ છે. આઉટેજને કારણે Outlook થી લઈને Microsoft 365, Teams અને OneDrive સુધીની સર્વિસમાં યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
Microsoft જેવી મોટી કંપનીની સર્વિસમાં વારંવાર ખામી કેમ આવે છે?
Microsoft જેવી મોટી ટેક કંપનીની ક્લાઉડ સર્વિસમાં નાની એવી ટેક્નિકલ ખામી પણ લાખો યુઝર્સના કામને અસર કરી શકે છે. ઘણી વખત સર્વરમાં ખરાબી હોતી નથી, પરંતુ નેટવર્ક, સોફ્ટવેર અપડેટ અથવા લોગિન સિસ્ટમમાં આવેલી ખામી સમસ્યાનું કારણ બને છે. આ જ કારણ છે કે Outlook, Teams અને Azure જેવી અનેક સર્વિસ એકસાથે પ્રભાવિત થઈ શકે છે. પરંતુ સવાલ એ છે કે Microsoft જેવી મોટી કંપનીની સર્વિસમાં વારંવાર ખામી કેમ આવે છે? શું તેની પાછળ માત્ર સર્વરની સમસ્યા છે કે પછી ક્લાઉડ સિસ્ટમની કેટલીક એવી નબળાઈઓ છે, જેના કારણે એક નાની ભૂલ દુનિયાભરના યુઝર્સને પરેશાન કરી શકે છે? ચાલો સમજીએ ક્લાઉડ આઉટેજ પાછળનાં 7 મોટાં કારણો.
- ખોટા કન્ફિગરેશનથી ખોરવાય છે સિસ્ટમ: ઘણી વખત કોઈ સર્વિસમાં સમસ્યાનું કારણ માત્ર એક ખોટી સેટિંગ હોય છે. મોટી કંપનીઓ હજારો સર્વરને ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા નિયંત્રિત કરે છે. એન્જિનિયરો દ્વારા કરવામાં આવેલો નાનો ફેરફાર પણ અનેક સર્વિસ સુધી પહોંચી શકે છે. જો સેટિંગમાં કોઈ ભૂલ હોય, તો તેની અસર મોટા પ્રમાણમાં જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં કંપનીઓ જૂની સેટિંગ ફરીથી લાગુ કરીને સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરે છે. જોકે, આ પ્રક્રિયામાં સમય લાગી શકે છે.
- સોફ્ટવેર અપડેટમાં છુપાયેલી ખામી: Microsoft જેવી કંપનીઓ યુઝર્સનો અનુભવ સુધારવા માટે સોફ્ટવેરમાં સતત નવા અપડેટ અને ફીચર્સ લાવતી રહે છે. પરંતુ ઘણી વખત અપડેટમાં રહેલી નાની ટેક્નિકલ ખામી ટેસ્ટિંગ દરમિયાન પકડાતી નથી. આવી સમસ્યા ત્યારે સામે આવે છે, જ્યારે લાખો લોકો એકસાથે તે સર્વિસનો ઉપયોગ કરવા લાગે છે. આ જોખમ ઘટાડવા માટે કંપનીઓ પહેલાં થોડા સર્વર પર અપડેટ લાગુ કરે છે. બધું યોગ્ય રીતે કામ કરે ત્યારબાદ જ તેને અન્ય સિસ્ટમ સુધી પહોંચાડવામાં આવે છે.
- DNSમાં ખામી આવે તો વેબસાઇટ ખુલતી નથી: DNSને ઇન્ટરનેટની દુનિયાની ફોનબુક કહેવામાં આવે છે. જ્યારે કોઈ યુઝર Outlook.com જેવી વેબસાઇટ ખોલવાનો પ્રયાસ કરે છે. ત્યારે DNS કમ્પ્યુટરને જણાવે છે કે તે વેબસાઇટનું સર્વર ક્યાં આવેલું છે. જો DNSમાં કોઈ ખામી આવે, તો સર્વર ચાલુ હોવા છતાં વેબસાઇટ ખૂલી શકતી નથી. ખોટી સેટિંગ, વધુ ટ્રાફિક અથવા DNS સર્વરની સમસ્યા તેના પાછળનું કારણ હોઈ શકે છે. ઘણી વખત સમસ્યા ઉકેલાઈ ગયા પછી પણ જૂના કેશ્ડ ડેટાને કારણે કેટલાક યુઝર્સને મુશ્કેલી પડી શકે છે.
- Entra IDમાં સમસ્યા આવે તો લોગિન ફેલ થઈ શકે છે: Microsoft Entra ID કંપનીની ઓળખ અને લોગિન સાથે જોડાયેલી સર્વિસ છે. અગાઉ તેને Azure Active Directory તરીકે ઓળખવામાં આવતી હતી. Outlook, Teams અને SharePoint જેવી સર્વિસમાં લોગિન કરવા માટે Entra IDની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. જો તેમાં કોઈ સમસ્યા આવે, તો યુઝર્સ સાચો પાસવર્ડ નાખ્યા પછી પણ લોગિન કરી શકતા નથી. આવી સ્થિતિમાં ઘણા યુઝર્સને લાગે છે કે Microsoftની તમામ સર્વિસ બંધ થઈ ગઈ છે, જ્યારે હકીકતમાં સમસ્યા લોગિન સિસ્ટમમાં હોય છે.
- ડેટા સેન્ટરમાં ટેક્નિકલ સમસ્યા: Microsoftની ક્લાઉડ સર્વિસ હોય કે અન્ય ડિજિટલ સર્વિસ, તેને ચલાવવા માટે મોટા ડેટા સેન્ટરની જરૂર પડે છે. અહીં હજારો સર્વર 24 કલાક કામ કરતા હોય છે. આ સર્વરને ચાલુ રાખવા માટે સતત વીજળી અને ઠંડા રાખવા માટે કૂલિંગ સિસ્ટમની જરૂર પડે છે. જો વીજળીનો પુરવઠો ખોરવાય, બેકઅપ જનરેટરમાં ખામી આવે અથવા કૂલિંગ સિસ્ટમ બંધ થઈ જાય, તો સર્વિસ બંધ થવાનો ખતરો રહે છે. Microsoft અલગ-અલગ સ્થળોએ ડેટા સેન્ટર અને બેકઅપની વ્યવસ્થા રાખે છે. તેમ છતાં મોટી ટેક્નિકલ સમસ્યાની અસર યુઝર્સ અને સર્વિસ પર જોવા મળી શકે છે.
- નેટવર્કની ખામી અને DDoS એટેક: ઘણી વખત સર્વર યોગ્ય રીતે કામ કરતા હોય છે, પરંતુ નેટવર્કની સમસ્યાને કારણે યુઝર્સ તેના સુધી પહોંચી શકતા નથી. ઇન્ટરનેટ પર ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે અનેક નેટવર્ક એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ નેટવર્કના રસ્તામાં ખામી આવે તો કનેક્શન તૂટી શકે છે. આ ઉપરાંત DDoS એટેક પણ સમસ્યા વધારી શકે છે. આ પ્રકારના સાયબર એટેકમાં એકસાથે મોટી સંખ્યામાં બિનજરૂરી રિક્વેસ્ટ મોકલીને સર્વિસ પર દબાણ ઊભું કરવામાં આવે છે. પરિણામે સામાન્ય યુઝર્સને વેબસાઇટ અથવા એપનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડે છે.
- એક જ સિસ્ટમ પર અનેક સર્વિસની નિર્ભરતા: ક્લાઉડ કંપનીઓની ઘણી સર્વિસ એકબીજા સાથે જોડાયેલી હોય છે. ઉદાહરણ તરીકે, અલગ-અલગ એપ્સ એક જ સ્ટોરેજ, ડેટાબેઝ અથવા લોગિન સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે. આવી સ્થિતિમાં કોઈ એક કોમન સિસ્ટમમાં ખામી આવે તો અનેક સર્વિસ એકસાથે પ્રભાવિત થઈ શકે છે. આ પ્રક્રિયાને ‘કાસ્કેડિંગ ફેલ્યોર’ (Cascading Failure) કહેવામાં આવે છે. સમસ્યા દૂર થયા પછી પણ મુશ્કેલી વધી શકે છે, કારણ કે લાખો ડિવાઇસ એકસાથે ફરીથી કનેક્ટ થવાનો પ્રયાસ કરે છે. તેના કારણે સર્વર પર વધારાનું દબાણ આવી શકે છે.
કંપનીઓ માટે બેકઅપ રાખવો કેમ જરૂરી છે?
ક્લાઉડ ટેક્નોલોજીએ ટેક કંપનીઓનું કામ સરળ બનાવ્યું છે, પરંતુ તેની સાથે સર્વિસ આઉટેજનું જોખમ પણ વધ્યું છે. આથી કંપનીઓ માટે પોતાના ડેટાનો નિયમિત બેકઅપ રાખવો અને માત્ર એક જ પ્લેટફોર્મ પર સંપૂર્ણપણે નિર્ભર ન રહેવું જરૂરી છે. જરૂરિયાત ઊભી થાય ત્યારે બીજા ડેટા સેન્ટર અથવા અન્ય ક્લાઉડ સર્વિસનો ઉપયોગ કરી શકાય તેવી વૈકલ્પિક વ્યવસ્થા પણ હોવી જોઈએ.
