ઓલમ્પિક મેડલ વિજેતા (Olympic medalist) પહેલવાન સુશિલ કુમાર (Wrestler Sushil Kumar)ને પોલીસે ધરપકડ કરી લીધી છે. સુશીલ કુમારને દિલ્હી પોલીસ (Delhi Police) એક પહેલવાનની હત્યાના મામલામાં શોધી રહી હતી.
દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારમાં આવેલા છત્રસાલ સ્ટેડિયમ (Chhatrasal Stadium)માં બે પહેલવાન જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. જેમાં પાંચ જેટલા પહેલવાનોને ઈજા પહોંચી હતી. જે દરમ્યાન સારવાર હેઠળ રહેલા જહાં સાગર નામના એક પહેલવાનનું મોત નિપજ્યુ હતુ.
દિલ્હી પોલીસે મોતના મામલાને લઈને ફરિયાદ દર્જ કરીને તપાસ હાથ ધરી હતી. આ જીવલેણ હુમલો પહેલવાર સુશિલ કુમાર, અજય સોનુ, સાગર, પ્રિન્સ અને અમિત સહિતના અનેક પહેલવાનો વચ્ચે થઈ હતી. જે દરમ્યાન પોલીસની પ્રાથમિક તપાસમાં સાક્ષીઓના નિવેદન બાદ એફઆઈઆરમાં પહેલવાન સુશીલ કુમારનું પણ નામ ઉમેરવામાં આવ્યુ હતુ. જેને લઈને તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
દિલ્હી પોલીસ દ્વારા સુશિલ કુમાર અને બાકીના આરોપીને શોધવા માટે અનેક સ્થળો પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા. પોલીસ મુજબ સુશિલના હાથ લાગ્યા બાદ હવે તપાસમાં આગળ ખુલાસા થઈ શકે એમ છે. હત્યામાં મૃતક સાગર નામનો પહેલવાન પોતાના મિત્રો સાથે છત્રસાલ સ્ટેડિયમની પાસે મોડલ ટાઉનમાં એક મકાનમાં જ રહેતો હતો.
ઘટના વખતે બંને જૂથો વચ્ચે ખૂબ મારપીટ પણ થઈ હતી અને ફાયરીંગ પણ કરવામાં આવ્યુ હતુ. પોલીસે ઘટના સ્થળેથી એક કાર અને એક લોડેડ ડબલ બેરલ બંદુક પણ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, પહેલવાનોના જૂથો પર પ્રોપર્ટીને લઈને આ પહેલા પણ ઘર્ષણ સર્જવાના આરોપ લાગી ચુક્યા છે.