સ્મૃતિ મંધાના અને પલાશના લગ્ન કેમ મુલતવી રાખવામાં આવ્યા, સોશિયલ મીડિયા પર કર્યો ખુલાસો
ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુછલના ૨૩ નવેમ્બરના લગ્ન મુલતવી રખાયા છે. સ્મૃતિના પિતાને હાર્ટ એટેક આવતા તેમની તબિયત લથડી છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુછલના લગ્ન છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહ્યા છે. બંનેના લગ્ન 23 નવેમ્બરે થવાના હતા, પરંતુ તાજેતરમાં આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. આ બાબતને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો અને ચર્ચાઓ ચાલી રહી હતી.
સ્મૃતિ મંધાનાના પિતાને હાર્ટ એટેક આવવાથી તેમની તબિયત બગડેલી હોય, લગ્નની તારીખ હાલ પૂરતી આગળ ધપાવવામાં આવી છે. આ માહિતીની પુષ્ટિ પલાશ મુછલની બહેન અને જાણીતી ગાયિકા પલક મુછલે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા કરી છે. પલકે તેના સ્ટોરીમાં લખ્યું છે કે, “સ્મૃતિના પિતાના સ્વાસ્થ્યને કારણે પલાશના લગ્ન હાલ માટે મુલતવી રાખવામાં આવ્યા છે. અમારી વિનંતી છે કે આ મુશ્કેલ સમયમાં પરિવારની ગોપનીયતાનો આદર કરો.”
મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ
સ્મૃતિ અને પલાશની લવ સ્ટોરી પણ ખાસ ચર્ચામાં રહી છે. બંને એક કાર્યક્રમ દરમિયાન મળ્યા હતા અને ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ. થોડા સમય પહેલા, પલાશે ક્રિકેટ ગ્રાઉન્ડ પર સ્મૃતિને એક ખાસ અંદાજમાં પ્રપોઝ કર્યું હતું. તેનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને ફેન્સે આ કપલને ‘કપલ ગોલ્સ’ તરીકે પણ વખાણ્યા હતા.
લગ્ન મુલતવી રાખવાનું એકમાત્ર કારણ
જોકે, લગ્ન મુલતવી રાખાયા બાદ જેટલા પ્રશ્નો લોકોના મનમાં ઊભા થયા હતા, તેવા અનેક અફવાઓ પણ ફેલાઈ. ખાસ કરીને ત્યારે, જ્યારે સ્મૃતિએ પોતાના સોશિયલ મીડિયા પરથી લગ્ન સંબંધિત કેટલાક ફોટા દૂર કરી દીધા હતા. હવે, પલક મુછલની સ્પષ્ટતા બાદ ચાહકોને સમજ પડી છે કે લગ્ન મુલતવી રાખવાનું એકમાત્ર કારણ સ્મૃતિના પિતાની તબિયત છે.
હાલ માટે, નવી લગ્નતારીખ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ચાહકો આશા રાખી રહ્યા છે કે સ્મૃતિના પિતાની તબિયત જલદી સુધરે અને બંને પરિવાર આનંદપૂર્વક લગ્ન સમારોહની નવી તારીખ જાહેર કરે.
પિતાની તબિયત બગડ્યા બાદ સ્મૃતિ મંધાનાએ એક ચોંકાવનારું પગલું ભર્યું, ઇન્સ્ટાગ્રામ પરથી આ પોસ્ટ હટાવી
