Paris Olympics 2024 ની ઓપનિંગ સેરેમનીમાં બબાલ ! આ ખેલાડીઓને પરેડમાં ન મળી એન્ટ્રી, બોટમાં ચઢતા અટકાવ્યા
પેરિસ ઓલિમ્પિક્સ 2024નો ઉદ્ઘાટન સમારોહ ખૂબ ઐતિહાસિક હતો. પ્રથમ વખત સ્ટેડિયમની બહાર આ ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં 206 દેશોના 6500થી વધુ ખેલાડીઓએ 94 બોટ પર પરેડ કરી હતી.

પેરિસ ઓલિમ્પિક્સ 2024ની શરૂઆત સીન નદી પર આયોજિત ઐતિહાસિક ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ છે. આ પહેલો પ્રસંગ હતો જ્યારે ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ મેદાનની બહાર યોજાયો હતો. ચાર કલાક સુધી ચાલેલા આ સમારોહમાં ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો.
લેડી ગાગા, આયા નાકામુકા જેવા સુપર સ્ટાર્સનું પરફોર્મન્સ
પોપ સ્ટાર લેડી ગાગા, આયા નાકામુકા જેવા સુપર સ્ટાર્સ પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. તો 6 કિલોમીટર લાંબી પરેડ ઓફ નેશન્સમાં 206 દેશોના 6500 થી વધુ ખેલાડીઓએ 94 બોટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન કેટલાક ખેલાડીઓને બોટમાં ચઢતા અટકાવવામાં આવ્યા હતા.
નાઇજિરિયન ટીમ ચર્ચામાં રહી
પરેડમાં ગ્રીક ટુકડી પ્રથમ આવી, કારણ કે આ દેશમાં આધુનિક ઓલિમ્પિક રમતોની શરૂઆત થઈ હતી. ફ્રાન્સ છેલ્લું આવ્યું કારણ કે તે યજમાન છે. આ સમયગાળા દરમિયાન, નાઇજિરિયન ટીમ ચર્ચામાં રહી હતી, અહેવાલો અનુસાર, નાઇજિરિયન મહિલા બાસ્કેટબોલ ટીમને પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહ માટે ડેલિગેશન બોટમાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
નાઇજિરિયન અધિકારીઓએ બોટમાં ચઢતા અટકાવી
અહેવાલો અનુસાર, નાઇજિરિયન મહિલા બાસ્કેટબોલ ટીમને નાઇજિરિયન અધિકારીઓએ બોટમાં ચઢતા અટકાવી હતી. તેની પાછળનું કારણ પણ સામે આવ્યું છે. વાસ્તવમાં, બોટમાં ઘણા બધા ખેલાડીઓ હોવાને કારણે, નાઈજીરિયાની મહિલા બાસ્કેટબોલ ટીમ અને તેમના કોચને બોટમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આ પછી ટીમને એથ્લેટ્સ વિલેજ પરત જવું પડ્યું. તે જ સમયે, નાઇજિરિયન પ્રતિનિધિમંડળના બાકીના સભ્યોએ નાઇજર અને નોર્વે સાથે બોટ શેર કરી હતી. જો કે આ મુદ્દે નાઈજીરિયન પ્રતિનિધિમંડળ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
ખૂબ જ ખાસ હતી આ ઓપનિંગ સેરેમની
1896 માં પ્રથમ ઓલિમ્પિકથી 2020 સુધી, ઉદ્ઘાટન સમારોહ સ્ટેડિયમની અંદર યોજાયો હતો. ઈતિહાસમાં પ્રથમ વખત, સમારોહ પેરિસની મધ્યમાં આવેલી પ્રખ્યાત સીન નદીમાંથી શરૂ થયો, જે તદ્દન ઐતિહાસિક હતો. આ દરમિયાન નદીના બંને કાંઠે ચાહકો બેઠેલા જોવા મળ્યા હતા.
3 થી 4 લાખ ચાહકોની હતી હાજરી
ઓલિમ્પિકના ઈતિહાસમાં આ સૌથી મોટો ઉદ્ઘાટન સમારોહ પણ માનવામાં આવે છે, જેમાં 3 થી 4 લાખ ચાહકો હાજરી આપે તેવી અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે, પેરિસ ઓલિમ્પિકમાં 206 દેશોના કુલ 10714 એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે અને આ વખતે 32 રમતોમાંથી 329 ગોલ્ડ મેડલ દાવ પર છે.