Novak Djokovic: રસી વિના કોરોનાનો ઈલાજ શોધવામાં નોવાક જોકોવિચ વ્યસ્ત, ફાર્મા કંપનીમાં કર્યું મોટું રોકાણ
નોવાક જોકોવિચ (Novak Djokovic) કોરોના રસી સામેના તેના વલણને કારણે ચર્ચામાં છે અને તેના માટે ટીકાઓનો સામનો કરવો પડ્યો છે, તેમ છતાં તેણે ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયન ઓપન રમ્યા વિના પરત ફરવું પડ્યું હતું.
વિશ્વના નંબર વન પુરૂષ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ (Novak Djokovic) કોરોના વાયરસનો સામનો કરવા માટે બનાવવામાં આવેલી રસી સામે પોતાના વલણને લઇને ખૂબ ચર્ચામાં રહ્યો છે. આ વલણના કારણે તેણે વર્ષની ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open) રમ્યા વિના જ પરત ફરવું પડ્યું હતું. આ વિવાદ એવા અહેવાલો વચ્ચે આવ્યો છે કે સર્બિયન જાયન્ટે ડેનિશ બાયોટેક ફર્મ (Danis Bio Tech Firm) માં 80 ટકા હિસ્સો ખરીદ્યો છે. તે કંપની રસી-મુક્ત સારવાર શોધવા પર કામ કરી રહી છે.
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ડેનિશ કંપની ક્વાંન્ટબાયોરેસ (QuantBioRes) માં જોકોવિચની 80 ટકા ભાગીદારી છે. રિપોર્ટમાં કંપનીના સીઈઓ ઈવાન લોન્કેરેવિચને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જોકોવિચે આ કંપનીમાં જૂન 2020માં જ રોકાણ કર્યું હતું. જોકે, જોકોવિચના પ્રવક્તાએ આ સમાચાર પર કોઈ ટિપ્પણી કરી ન હતી.
કંપનીના સીઈઓ લોંકરવીના જણાવ્યા અનુસાર, ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા અને સ્લોવેનિયામાં ફર્મના 11 સંશોધકો રસી વિના કોવિડનો ઈલાજ શોધવા માટે સંશોધનમાં લાગેલા છે. કંપની આ વર્ષે યુકેમાં તેની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની આશા રાખે છે.
ઓસ્ટ્રેલિયા ઓપન રમ્યા વિના પરત ફરવુ પડ્યુ
નવ વખતના ઓસ્ટ્રેલિયન ઓપન અને 20 ગ્રાન્ડ સ્લેમ વિજેતા જોકોવિચને તાજેતરમાં રસી અને વિઝા વિવાદને કારણે ઓસ્ટ્રેલિયા ઓપન રમ્યા વિના મેલબોર્નથી પરત ફરવું પડ્યું હતું. જોકોવિચે રસીકરણ કર્યું નથી, જે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ માટે ફરજિયાત છે. જોકોવિચે તબીબી રજા લીધી હોવા છતાં, આ સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા તેના વિઝા બે વાર રદ કરવામાં આવ્યા હતા, જેના કારણે સર્બિયન દિગ્ગજને રેકોર્ડ 10મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન અને રેકોર્ડ 21મો ગ્રાન્ડ સ્લેમ જીતવા માટે વધુ રાહ જોવી પડી હતી.
કાનૂની લડાઇમાં પણ ઓસ્ટ્રેલિયા સામે હાર્યો હતો
જોકોવિચનો ઓસ્ટ્રેલિયામાં બે વખત વિઝા રદ કરવામાં આવ્યો હતો. કારણ કે તેણે કોરોના રસીકરણના કડક નિયમોમાં તબીબી મુક્તિ માટે જરૂરી માપદંડોને પૂર્ણ કર્યા ન હતા. તેણે પ્રથમ વખત વિઝા કેન્સલેશન સામે કાનૂની લડાઈ જીતી હતી પરંતુ બીજી વખત હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયન ઓપનમાં એ જ ખેલાડીઓ, અધિકારીઓ અને દર્શકોને એન્ટ્રી મળી છે જેમને કોરોના વાયરસની બંને રસી મળી છે.
ટેનિસ સ્ટાર ત્યાર બાદ તે મેલબોર્ન થી દુબઇ સાડા તેર કલાકની હવાઇ સફર કરીને પહોંચ્યો હતો. જ્યાંથી તેણે સાર્બિયાની રાજધાનીની ફ્લાઇટ પકડી હતી. આમ વિવાદો બાદ તે પરત ફર્યો હતો. હવે તેને ફ્રાન્સ ઓપનમાં પણ રમવાને લઇને મુશ્કેલીઓ દેખાઇ રહી છે.