IND VS SA: કેપ્ટનશીપ થી હટ્યા બાદ પણ નથી બદલાયો વિરાટ કોહલી, મેદાનમાં ‘બાખ઼ડી’ પડ્યો, જુઓ Video
ભારતની બોલિંગ દરમિયાન વિરાટ કોહલી (Virat Kohli) અને ટેમ્બા બાવુમા વચ્ચે બોલાચાલી થઈ હતી, બંને ખેલાડીઓ થ્રો અંગે એકબીજાને કંઈક કહેતા જોવા મળ્યા હતા.
જ્યારે વિરાટ કોહલી (Virat Kohli) પાર્લના બોલેન્ડ પાર્કમાં પ્રથમ ODI મેચ (India vs South Africa, 1st ODI) રમવા આવ્યો ત્યારે તેના માટે એક અલગ જ અહેસાસ હતો. કારણ કે તે ચાર વર્ષ બાદ ખેલાડી તરીકે મેદાનમાં આવ્યો હતો. ભારતના સૌથી સફળ કેપ્ટન રહેલો વિરાટ કોહલી બુધવારે કેએલ રાહુલની કેપ્ટનશીપમાં રમવા આવ્યો હતો. ઘણા લોકોના મનમાં સવાલ હતો કે શું કેપ્ટન્સી છોડ્યા બાદ વિરાટ કોહલીનો ઉત્સાહ અને જુસ્સો ઓછો થઈ જશે? શું તેના આક્રમક વલણમાં ફેરફાર થશે? વિરાટ કોહલી પહેલા વનડે મેચમાં આ સવાલોના જવાબ આપી ચૂક્યો છે.
હંમેશની જેમ, વિરાટ કોહલી ફરી એકવાર તે જ સ્ટાઈલમાં દેખાયો જેવો તે કેપ્ટન તરીકે જોવા મળતો હતો. વિરાટ કોહલી મેદાન પર એટલો આક્રમક હતો કે તે તેના હરીફ કેપ્ટન ટેમ્બા બાવુમા (Temba Bavuma) સાથે દલીલમાં ઉતરી ગયો હતો.
ટેમ્બા બાવુમા અને વિરાટ કોહલી વચ્ચે શું થયું કે બંને ખેલાડીઓ એકબીજાને આંખો દેખાડવા લાગ્યા? વાત જાણે એમ હતી કે બોલ થ્રો કરવાના મુદ્દે બંને વચ્ચે આ ઘર્ષણ થયુ હતુ. 36મી ઓવર હતી, યુઝવેન્દ્ર ચહલ બોલિંગ પર હતો. તેના ચોથા બોલ પર, બાવુમાએ કવરની દિશામાં શોટ રમ્યો જ્યાં વિરાટ કોહલી ઊભો હતો. વિરાટ કોહલીએ તરત જ બોલ ઉપાડ્યો અને વિકેટકીપર ઋષભ પંત તરફ ફેંક્યો. વિરાટનો થ્રો ટેમ્બા બાવુમા પાસેથી પસાર થયો અને તે સહેજમાં બચી ગયો.
આ પછી બાવુમાએ વિરાટ કોહલીને કંઈક કહ્યું અને આ અનુભવી ખેલાડી તેને આક્રમક રીતે જવાબ આપતો જોવા મળ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Words exchange between Virat and Temba Bavuma pic.twitter.com/YpOCJFzIEC
— Rajwardhan (@im_Rajwardhan) January 19, 2022
બાવુમાએ સદી ફટકારી
જોકે, વિરાટ કોહલી સાથેની ચર્ચા બાદ બાવુમાને બહુ ફરક પડ્યો ન હતો. તે ક્રિઝ પર રહ્યો અને તેની ODI કારકિર્દીની બીજી સદી ફટકારી. બાવુમાએ 143 બોલમાં 110 રન બનાવ્યા હતા અને તેણે રાસી સાથે ચોથી વિકેટ માટે 204 રનની ભાગીદારી કરી હતી. તમને જણાવી દઈએ કે રાસી વાન ડેર ડુસૈએ પણ 96 બોલમાં અણનમ 129 રન બનાવ્યા હતા.
તેની ઝડપી બેટિંગના દમ પર દક્ષિણ આફ્રિકાની ટીમ 300ની નજીક પહોંચી શકી હતી. રાસીએ 85 બોલમાં સદી ફટકારી હતી અને તેણે પોતાની ઇનિંગમાં 4 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમ 296 રન બનાવી શકી હતી.