FIFA World Cup 2022: બીજી કવાર્ટર ફાઈનલમાં મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના સામે ટકરાશે નેધરલેન્ડ, જાણો બંને ટીમોના રસપ્રદ રેકોર્ડ
10 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 12.30 કલાકે કતારના લુસેલ સ્ટેડિયમમાં નેધરલેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે આ બીજી કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. ચાલો જાણીએ આ બંને ટીમોના રસપ્રદ રેકોર્ડ વિશે.
ફિફા વર્લ્ડકપ 2022માં આજથી કવાર્ટર ફાઈનલ મેચની શરુઆત થઈ રહી છે. આજે કવાર્ટર ફાઈનલની પહેલી જ મેચ 5 વારની ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ બ્રાઝિલ અને 2018ની રનર અપ ટીમ ક્રોએશિયા વચ્ચે છે. જ્યારે બીજી મેચ આર્જેન્ટિના અને નેધરલેન્ડની ટીમ વચ્ચે છે. આ મેચમાં મહાન ફૂટબોલર મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિનાની ટીમ જીતની સૌથી મોટી દાવેદાર માનવામાં આવી રહી છે. વર્લ્ડ રેંકિગની વાત કરીએ તો આર્જેન્ટિનાની ટીમ 1773.88 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે. નેધરલેન્ડની ટીમ 1666.57 પોઈન્ટ સાથે 10માં સ્થાને છે.
10 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 12.30 કલાકે કતારના લુસેલ સ્ટેડિયમમાં નેધરલેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે આ બીજી કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. ચાલો જાણીએ આ બંને ટીમોના રસપ્રદ રેકોર્ડ વિશે.
નેધરલેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે બીજી કવાર્ટર ફાઈનલ મેચ
નોકઆઉટ મેચમાં બંને ટીમોનું પ્રદર્શન : આર્જેન્ટિના ટીમ ફિફા વર્લ્ડકપમાં 2 વાર ચેમ્પિયન રહી છે. આર્જેન્ટિના ટીમે ફિફા વર્લ્ડકપમાં કુલ 25 નોકઆઉટ મેચ રમી છે. જેમાંથી તેને 15 મેચમાં જીત, જ્યારે 10 મેચમાં હારનો સામનો કરવો પડયો છે. નેધરલેન્ડની ટીમ ફિફા વર્લ્ડકપમાં કુલ 3 ફાઈનલ મેચ રમી ચૂકી છે પણ તમામમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ફિફા વર્લ્ડકપની 18 નોકઆઉટ મેચમાંથી 8 મેચમાં નેધરલેન્ડની ટીમે જીત મેળવી છે.
હેડ ટુ હેડ મેચ રેકોર્ડ – બંને ટીમો વચ્ચે 5 મેચ રમાઈ છે. જેમાંથી બંને ટીમો 2-2 મેચ જીત્યુ છે અને 1 મેચ ડ્રો રહી છે.
આર્જેન્ટિના ફૂટબોલ ટીમ
આર્જેન્ટિના ફૂટબોલ ટીમ 18 વાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ છે. ફિફા વર્લ્ડકપની 85 મેચમાંથી 46 મેચમાં આ ટીમે જીત મેળવી છે. ફિફા વર્લ્ડકપમાં આર્જેન્ટિનાની ટીમે કુલ ગોલ 144 ગોલ કર્યા છે. આર્જેન્ટિનાની ટીમ 2 વાર વર્લ્ડ ચેમ્પિયન ટીમ (1978, 1986) રહી છે. જ્યારે 3 વાર રનર અપ ટીમ (1930, 1990, 2014) રહી છે. ફિફા વર્લ્ડકપ 2022ની છેલ્લી 5 મેચોમાંથી ફ્કત એક મેચમાં આર્જેન્ટિનાની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
નેધરલેન્ડ ફૂટબોલ ટીમ
નેધરલેન્ડની ટીમ ફિફા વર્લ્ડકપ માટે 11 વાર ક્વોલિફાય થઈ છે. ફિફા વર્લ્ડકપની 54 મેચમાંથી 30 મેચમાં આ ટીમે જીત મેળવી છે. ફિફા વર્લ્ડકપમાં નેધરલેન્ડની ટીમે કુલ 94 ગોલ કર્યા છે. આ ટીમ 3 વાર રનર અપ ટીમ (1974, 1978, 2010) રહી છે. જ્યારે 1-1 વાર ચોથા સ્થાને અને ત્રીજા સ્થાને રહી છે. ફિફા વર્લ્ડકપ 2022ની નેધરલેન્ડની છેલ્લી 5 મેચોમાંથી ફ્કત એક મેચમાં ડ્રો રહી છે જ્યારે બાકીની 4 મેચમાં નેધરલેન્ડની ટીમને જીત મળી છે.