Brazil vs Croatia : ક્રોએશિયાની ઐતિહાસિક જીત, પેનલટી શૂટઆઉટમાં વર્લ્ડ નંબર 1 ટીમ બ્રાઝિલને હરાવી સેમી ફાઈનલમાં પહોંચી
FIFA WC 2022 Quarter Final Brazil vs Croatia match Result : ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો બ્રાઝિલની ટીમ આ યાદીમાં પ્રથમ સ્થાને છે, જ્યારે ક્રોએશિયાની ટીમ આ યાદીમાં 12માં સ્થાને છે.
કતારના એજ્યુકેશન સિટી સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર આજે 9 ડિસેમ્બરના રાત્રે 8.30 કલાકે બ્રાઝિલ અને ક્રોએશિયા વચ્ચે આ પ્રથમ કવાર્ટર ફાઈનલ મેચ શરુ થઈ હતી. આ મેચ 5 વારની ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ બ્રાઝિલ અને 2018ની રનર અપ ટીમ ક્રોએશિયા વચ્ચે હતી. આ મેચ માટે બ્રાઝિલની ટીમ જીતની દાવેદાર માનવામાં આવી રહી હતી. પણ પેનલટી શૂટઆઉટમાં 4 ગોલ કરીને ક્રોએશિયાની ટીમે ઐતિહાસિક જીત મેળવી હતી. બ્રાઝિલની ટીમને હરાવી ક્રોએશિયાની ટીમે ફિફા વર્લ્ડકપ 2022નો સૌથી મોટો અપર્સેટ પણ સર્જયો હતો.
પેનલટી શૂટઆઉટમાં ક્રોએશિયાનો ગોલકીપર હીરો બન્યો હતો. તેના શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે ક્રોએશિયાની ટીમે વર્લ્ડ નંબર 1 ટીમ બ્રાઝિલને હરાવી હતી. ક્રોએશિયાની ટીમ ફિફા વર્લ્ડકપ 2022ની સેમીફાઈનલમાં પહોંચવાવાળી પહેલી ટીમ બની છે. આ દરમિયાન હારને કારણે બ્રાઝિલને ટીમ મેદાન પર રડતી જોવા મળી હતી. પોતાના દેશ માટે સર્વાધિક 77 ગોલ કરનાર નેમાર પણ મેચના અંતે રડતો જોવા મળ્યો હતો. નેમારની આ છેલ્લી વર્લ્ડકપ ટુર્નામેન્ટ માનવામાં આવી રહી છે.
આ રોમાંચક મેચમાં પ્રથમ હાફમાં બંને ટીમો દ્વારા ગોલ કરવાના ઘણા પ્રયત્નો થયા પણ એક પણ ગોલ ન થતા પ્રથમ હાફનો સ્કોર 0-0 રહ્યો હતો. ગોલકીપર ડોમિનિક લિવાકોવિક ક્રોએશિયાની ટીમ માટે એક અભેદ કિલ્લો બની ગયો હતો. તેણે બ્રાઝિલના સ્ટ્રાઈકર દ્વારા મારવામાં આવેલા એક શોર્ટને ગોલ પોસ્ટમાં જવા દીધો ન હતો. ક્રોએશિયાના લુકા મોડ્રિક અને બ્રાઝિલના કાસેમિરોએ હાફ ટાઇમમાં ખેલ ભાવનાના પ્રતીકરુપે શર્ટની અદલાબદલી કરી હતી.
બીજા હાફમાં પણ બ્રાઝિલની ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. ક્રોએશિયાના ડિફેન્ડસના ખેલાડીઓએ બ્રાઝિલના ખેલાડીઓને જકડી રાખ્યા હતા. ગોલકીપર ડોમિનિક લિવાકોવિક ક્રોએશિયા આ મેચમાં 11 વાર પોતાની ટીમ માટે ગોલ બચાવ્યા હતા. અંતે આ મેચમાં 4 મીનિટનો ટાઈમ જોડવામાં આવ્યો હતો. મેચ દરમિયાન કોઈ ઈજા કે અન્ય ઘટનાને કારણે મેચનો ટાઈમ વ્યર્થ જાય છે તે સમયને નોંધીને બીજા હાફના અંત બાદ મેચના સમયમાં ઉમેરવામાં આવે છે. જણાવી દઈએ કે 90+4 મીનિટની રમતમાં ક્રોએશિયાની ટીમ એક પણ વાર ગોલ પોસ્ટ પર શોર્ટ મારી શકી ન હતી.
90+4 મીનિટની રમત બાદ પણ સ્કોર 0-0 રહેતા મેચમાં 30 મીનિટ વધારે ઉમેરવામાં આવી હતી. આ 30 મીનિટમાં 15-15 મીનિટના હાફ હોય છે. આ સમયમાં ક્રોએશિયાની ટીમે મેચમાં પહેલીવાર ગોલ પોસ્ટ તરફ શોર્ટ માર્યો હતો. પણ ગોલ કરી શક્યા ન હતા. પણ આજ સમયમાં એકસ્ટ્રા ટાઈમના પહેલા હાફમાં ક્રોએશિયાની ડિફેન્સ દિવાલને ભેદીને બ્રાઝિલના લોકપ્રિય ખેલાડી નેમારે 105મી મીનિટે ગોલ કરીને મેચનો રોમાંચ વધાર્યો હતો. ક્રોએશિયાના ગોલકીપર ડોમિનિક લિવાકોવિક બ્રાઝિલ દ્વારા મારવામાં આવેલા 10માં ગોલ ઓન ટાર્ગેટ પર બીટ થયો હતો.
ક્રોએશિયાના બ્રુનો પેટકોવિકે 116મી મીનિટે ગોલ કરીને મેચમાં 1-1થી બરાબરી કરતા મેચમાંનો નિર્ણય પેનલટી શૂટઆઉટ તરફ ગયો હતો. ફિફા વર્લ્ડકપ 2022ની આ ત્રીજી મેચ છે જેમાં પેનલટી શૂટઆઉટથી મેચના પરિણામ નક્કી કરવામાં આવ્યા હતા. આ પહેલા પ્રી કવાર્ટર ફાઈનલની 2 મેચમાં પેનલટી શૂટઆઉટ થયુ હતુ.
પેનલટી શૂટઆઉટમાં ફરી ક્રોએશિયાની ટીમે બાજી મારી
ક્રોએશિયાની ટીમે ફરી પેનલટી શૂટઆઉટમાં 4-2ના સ્કોરથી મોટી જીત મેળવી હતી. આ ટીમે પ્રી કવાર્ટર ફાઈનલમાં પણ પેનલટી શૂટઆઉટમાં બાજી મારી હતી. ક્રોએશિયાના ગોલકીપર ડોમિનિક લિવાકોવિક આ મેચનો હીરો રહ્યો હતો. ક્રોએશિયાની ટીમે 4 વાર પેનલટીનો સામનો કર્યો છે. જેમાંથી તમામ 4 વાર તેમણે જીત મેળવી હતી. 2018 અને 2022માં બંને વર્ષ 2-2 પેનલટી શૂટઆઉટ મેચનો ભાગ ક્રોએશિયાની ટીમ રહી હતી.
ફિફા વર્લ્ડકપમાં ક્રોએશિયા અને બ્રાઝિલની ટીમના રેકોર્ડ
#HRV v #BRA pic.twitter.com/XPfGJyN2zJ
— FIFA World Cup (@FIFAWorldCup) December 9, 2022
બ્રાઝિલની ફૂટબોલ ટીમ 22 વાર ફિફા વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ છે. ફિફા વર્લ્ડકપની 110 મેચમાંથી 74 મેચમાં બ્રાઝિલની ટીમે જીત મેળવી છે. ફિફા વર્લ્ડકપમાં બ્રાઝિલની ટીમે કુલ ગોલ 236 ગોલ કર્યા છે. બ્રાઝિલની ટીમ 5 વાર ફિફા વર્લ્ડકપ ચેમ્પિયન (1958, 1962, 1970, 1994, 2002) બન્યુ છે. આ ટીમ ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં 2 વાર ચોથા સ્થાને, 2 વાર ત્રીજા સ્થાને અને 2 વાર બીજા સ્થાને રહી છે. આ ટીમ વર્લ્ડકપ ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. ફિફા વર્લ્ડકપ 2022ની છેલ્લી 5 મેચોમાંથી 4 મેચમાં બ્રાઝિલની ટીમે જીત મેળવી છે. જ્યારે 1 મેચમાં હારનો સામનો કરવો પડયો છે.
ક્રોએશિયાની ટીમ 6 વાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ હતી. ફિફા વર્લ્ડકપની 27 મેચમાંથી 12 મેચમાં જીત મેળવી છે. આ ટીમે વર્લ્ડકપમાં કુલ 40 ગોલ કર્યા છે. આ ટીમ ફિફા વર્લ્ડકપમાં એક વાર વર્ષ 2018માં રનર અપ ટીમ રહી છે. જ્યારે 1 વાર ત્રીજા સ્થાને રહી છે. ફિફા વર્લ્ડકપ 2022ની છેલ્લી 5 મેચમાંથી 3 મેચમાં ક્રોએશિયાની ટીમની જીત થઈ હતી. જ્યારે 1 મેચ ડ્રો રહી હતી.
આ હતી ક્રોએશિયા અને બ્રાઝિલની ટીમ
📋 Here’s how #HRV and #BRA line-up today!#FIFAWorldCup | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 9, 2022
Ready for action 👊#FIFAWorldCup | #HRV #BRA
— FIFA World Cup (@FIFAWorldCup) December 9, 2022
હેડ ટુ હેડ મેચ રેકોર્ડ – બંને ટીમો વચ્ચે 3 મેચ રમાઈ છે. જેમાંથી તમામ 3 મેચમાં બ્રાઝિલની ટીમની જીત થઈ છે.
નોકઆઉટ મેચમાં બંને ટીમોનું પ્રદર્શન : બ્રાઝિલની ટીમે સૌથી વધારે 40 નોકઆઉટ મેચ રમી છે. આ નોકઆઉટ મેચમાં તે 28 મેચ જીત્યુ છે. જ્યારે 12 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ક્રોએશિયાની ટીમે વર્લ્ડકપ ઈતિહાસમાં 7 મેચ રમી છે. જેમાં તેને 5 મેચમાં જીત મળી છે. તેને વર્ષ 1998માં સેમીફાઈનલ મેચ અને વર્ષ 2018ની વર્લ્ડકપ ફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડયો હતો.
ફિફા વર્લ્ડકપ 2022ની ક્વાર્ટર ફાઇનલ મેચ
બીજી કવાર્ટર ફાઈનલ મેચ નેધરલેન્ડ અને આર્જેન્ટિનાની ટીમ વચ્ચે ભારતીય સમય અનુસાર 10 ડિસેમ્બરે મધરાત્રે 12.30 કલાકે શરુ થશે. ત્રીજી કવાર્ટર ફાઈનલ મેચ મોરક્કો અને પોર્ટુગલની ટીમ વચ્ચે 10 ડિસેમ્બરના રોજ રાત્રે 8.30 કલાકે શરુ થશે. જ્યારે અંતિમ કવાર્ટર ફાઈનલ મેચ ફ્રાન્સ અને ઈંગ્લેન્ડની વચ્ચે 11 ડિસેમ્બરના રોજ મધરાત્રે 12.30 કલાકે શરુ થશે.
વર્લ્ડકપ ટ્રોફી સુધીનો રસ્તો
ફિફા વર્લ્ડકપ 2022 માટે કતારના 8 સ્ટેડિયમ
1. અલ બાયત સ્ટેડિયમ 2. લુસેલ સ્ટેડિયમ 3. અહમદ બિન અલી સ્ટેડિયમ 4. અલ જાનુબ સ્ટેડિયમ 5. અલ થુમામા સ્ટેડિયમ 6. એજ્યુકેશન સિટી સ્ટેડિયમ 7. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ 8. સ્ટેડિયમ 974