Syed Modi Tournament: પીવી સિંધુએ ખિતાબ જીત્યો, માલવિકા ઉલટફેર કરવામાં નિષ્ફળ રહી
પીવી સિંધુ (PV Sindhu) એ સૈયદ મોદી ટૂર્નામેન્ટની ફાઇનલમાં સીધી ગેમમાં જીત મેળવી હતી. તેણે માલવિકાને પરાજીત કરી હતી.
ભારતની બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ (PV Sindhu) એ BWF સુપર 350 સૈયદ મોદી ટુર્નામેન્ટ (Syed Modi Tournament) જીતી હતી. વિમેન્સ સિંગલ્સની ફાઈનલ મેચમાં સિંધુએ યુવા સ્ટાર માલવિકા બંસોડ (Malvika Bansod) ને માત્ર 35 મિનિટમાં પરાજય આપ્યો હતો. સિંધુએ સીધી ગેમમાં 21-13, 21-16થી જીત મેળવી હતી.પૂર્વ વિશ્વ ચેમ્પિયન સિંધુનું આ બીજું સૈયદ મોદીનું ટાઈટલ છે. અગાઉ 2017માં પણ તેણે આ BWF વર્લ્ડ ટૂર સુપર 300 ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું હતું.
અગાઉ માલવિકાએ ત્રણ ગેમની સેમિફાઇનલમાં અનુપમા ઉપાધ્યાયને 19-21 21-19 21-7થી હરાવ્યો હતો. બીજી તરફ, પીવી સિંધુ સેમિફાઇનલમાં પાંચમી ક્રમાંકિત રશિયન હરીફ એવજેનિયા કોસેત્સ્કાયા રિટાયર્ડ હર્ટ બાદ સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી હતી. ટોચની ક્રમાંકિત સિંધુએ પ્રથમ ગેમ 21-11થી સરળતાથી જીતી લીધા બાદ, કોસેત્સ્કાયાએ રિટાયર્ડ હર્ટ સાથે બીજી મહિલા સિંગલ્સ સેમિફાઇનલ મેચમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો.
ઈશાન ભટનાગર અને તનિષાએ મહિલા ડબલ્સ જીતી હતી
ઈશાન ભટનાગર અને તનિષા ક્રાસ્ટોની ભારતીય જોડીએ રવિવારે દેશબંધુ ટી હેમા નાગેન્દ્ર બાબુ અને શ્રીવેદ્ય ગુરાઝાદાને સીધી ગેમમાં હરાવીને સૈયદ મોદી ઈન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટનું મિક્સ્ડ ડબલ્સ ટાઈટલ જીત્યું. ઈશાન અને તનિષાએ બિનક્રમાંકિત ભારતીય જોડી સામે માત્ર 29 મિનિટમાં 21-16, 21-12થી જીત નોંધાવી હતી.
કોરોનાને કારણે પુરુષોની ડબલ્સ રમાઈ નથી
અગાઉ, અર્નોડ મર્કલે અને લુકાસ ક્લેયરબાઉટ વચ્ચેની પુરૂષ સિંગલ્સ ટાઇટલ મેચને ‘નો મેચ’ (મેચ નહોતી થઇ) જાહેર કરવામાં આવી હતી. કારણ કે ફાઇનલિસ્ટમાંથી એકનો COVID-19 પરીક્ષણ પોઝિટિવ હોવાનુ જણાયુ હતુ. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને એક નિવેદનમાં કહ્યું, “સૈયદ મોદી ઈન્ડિયા ઈન્ટરનેશનલ 2022ની મેન્સ સિંગલ ફાઈનલને ‘નો મેચ’ જાહેર કરવામાં આવી છે. BWF પુષ્ટિ કરે છે કે ફાઇનલમાં પહોંચેલા ખેલાડીએ આજે સવારે COVID-19 માટે સકારાત્મક પરીક્ષણ કર્યું છે.
બીજા ફાઇનલિસ્ટ પણ તેનો નજીકનો સંપર્ક હતો અને તેને પણ દૂર કરવામાં આવ્યો હતો, એમ તેણે જણાવ્યું હતું. વિજેતાની માહિતી, વિશ્વ રેન્કિંગ પોઈન્ટ અને ઈનામની રકમ ભવિષ્યમાં જાહેર કરવામાં આવશે. આજે અન્ય ચાર ફાઈનલ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચાલશે.