Yash Dayal, IPL 2022 Auction: મુંબઇ એ પરખવામાં થાપ ખાધી અને ગુજરાત ટાઇટન્સે ઝડપી બોલર યશ દયાળને 3.20 કરોડમાં ખરીદી લીધો, જાણો કોણ છે
Yash Dayal Auction Price: ગુજરાત ટાઇટન્સે ખરીદેલ યશ દયાળ ડાબોડી ફાસ્ટ બોલર છે અને તે પ્રથમ વખત IPL રમશે.
આઇપીએલ ઓક્શન (IPL 2022 Mega Auction) માં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) દ્વારા ખેલાડીઓના ટલેન્ટને આધારે ટીમની સાથે જોડવા માટે શનિવાર અને રવિવારે પ્રયાસ કર્યો છે. આ દરમિયાન યુવા ખેલાડીઓને તેણે પોતાની સાથે કરી લીધા છે, સાથે જ તેમને યોગ્ય સેલરી પણ આપી છે. કર્ણાટકના અભિનવ બાદ આવો જ એક ખેલાડી છે યશ દયાળ (Yash Dayal). જેને ગુજરાતે 3.20 કરોડ રુપિયામાં પોતાની સાથે જોડ્યો છે. તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રુપિયા હતી. તેને ખરીદવા માટે આરસીબી પણ મેદાને રહી હતી.
યશ દયાળનુ નામ લોકો ઓછુ જાણતા હશે. જોકે આઇપીએલની ટીમો પાસે તો તેના ટેલેન્ટની જાણકારી હોય સ્વાભાવિક છે. ખેલાડી વિશેની રજ રજ ની માહિતી ટીમો પાસે હોય છે અને ત્યાર બાદ તેની ખરીદી કરતા હોય છે. આ માટે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે યશ દયાળને ખરીદવા માટે બોલી જામી હતી. આમ તો ઓછા જાણીતા નામ માટે બોલી ઉંચકાતા સૌ કોઇને આશ્વર્ય લાગી રહ્યુ હતુ. આરસીબીએ 1.10 કરોડ અને ગુજરાતે 1.20 કરોડની બોલી બોલ્યા બાદ તે આગળ ચાલવા લાગી હતી અને આંકડા 2 અને 3 કરોડને પાર કરી ગયો હતો. અંતમાં ગુજરાતે 3.20 કરોડ બોલીને દયાળને પોતાની સાથે જોડી લીધો હતો.
દયાલ ડાબોડી ફાસ્ટ બોલર છે અને તે યુપીના પ્રયાગરાજનો વતની છે. યશ દયાલે ગયા વર્ષે યોજાયેલી વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને 7 મેચમાં 14 વિકેટ ઝડપી હતી. તે ટૂર્નામેન્ટના ટોપ 5 બોલરોમાં સામેલ હતો.
અમદાવાદમાં ટીમ ઇન્ડિયા સાથે હતો
યશ દયાલની પ્રતિભાને ભારતીય ટીમ પણ ઓળખે છે અને તેથી જ તે અમદાવાદમાં ટીમ ઈન્ડિયા સાથે બાયો-બબલમાં હતો. જોકે, બાદમાં તેને રણજી ટ્રોફી માટે છોડવામાં આવ્યો હતો. યશ દયાલની વાત કરીએ તો તેની પાસે પેસ અને સ્વિંગ બંને છે. તે શરૂઆતની ઓવરોમાં વિકેટ લેવા માટે જાણીતો છે. તેમની સ્વિંગ શરૂઆતના બેટ્સમેનોને ખૂબ જ મુશ્કેલી સર્જે છે.
મુંબઇ ને ટ્રાયલ આપ્યો હતો
છેલ્લા 3 વર્ષથી યશ દયાલ IPLમાં રમવા માટે ટ્રાયલ આપી રહ્યો હતો. પહેલા તેણે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ થવા માટે ટ્રાયલ આપ્યો પરંતુ આ બોલરને સફળતા ન મળી. જો કે, હવે યશ દયાલની પ્રતિભાને ઓળખવામાં આવી છે અને હવે તે ગુજરાત ટાઇટન્સનો એક હિસ્સો બન્યો છે.
ડોમેસ્ટિક ક્રિકેટ રેકોર્ડ પણ યશ દયાલનો સારો છે. દયાલે 12 ફર્સ્ટ ક્લાસ મેચમાં 45 વિકેટ લીધી છે. લિસ્ટ Aમાં તેણે 14 મેચમાં 23 વિકેટ ઝડપી છે. T20માં યશ દયાલે 15 મેચમાં 15 વિકેટ લીધી છે અને તેનો ઈકોનોમી રેટ માત્ર 7.21 છે.