Jofra Archer, IPL 2022 Auction: આ સિઝનમાં નહી રમે છતાંય 8 કરોડ રુપિયામાં વેચાયો ઇંગ્લેન્ડનો આ સ્ટાર બોલર, મુંબઇ ઇન્ડિયન્સે જોફ્રા આર્ચરને ખરીદ્યો
Jofra Archer Auction Price: જોફ્રા આર્ચરને મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો, ઈજાના કારણે આ વર્ષે ટૂર્નામેન્ટ નહીં રમે, છતાં મળ્યા 8 કરોડ રૂપિયા
ઈંગ્લેન્ડના જમણા હાથના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર (Jofra Archer) ઈજાના કારણે આ વર્ષે IPL નહીં રમે, તેમ છતાં તેને હરાજીમાં (IPL 2022 Mega Auction) ખરીદનાર મળ્યો છે. જોફ્રા આર્ચરને મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોફ્રા આર્ચર ગયા વર્ષે પણ IPLમાં રમ્યો ન હતો, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી પણ દૂર રહ્યો હતો. જોકે જોફ્રા આર્ચરનો આઈપીએલમાં શાનદાર રેકોર્ડ છે, તેથી તેના પર દાવ લગાવવામાં આવ્યો છે. આર્ચરે 35 IPL મેચમાં 46 વિકેટ લીધી છે. તેનો ઈકોનોમી રેટ માત્ર 7.13 રન પ્રતિ ઓવર છે.
જોફ્રા આર્ચરે વર્ષ 2018માં પહેલીવાર IPLની હરાજીમાં પ્રવેશ કર્યો હતો. આર્ચરની બેઝ પ્રાઈસ માત્ર 40 લાખ રૂપિયા હતી અને દિલ્હી, ચેન્નાઈએ તેને ખરીદવામાં ભારે રસ દાખવ્યો હતો. જ્યારે આ બોલી 3.40 કરોડ સુધી પહોંચી, તો પંજાબ કિંગ્સ પણ તેમને ખરીદવા કૂદ્યુ હતુ. સનરાઈઝર્સ હૈદરાબાદ પણ જોફ્રા આર્ચરને 5 કરોડમાં ખરીદવા માંગતા હતા પરંતુ રાજસ્થાન રોયલ્સે તેના પર વધુ કિંમત લગાવી હતી. અંતે રાજસ્થાને તેને 7.20 કરોડમાં ખરીદ્યો હતો.
જોફ્રા આર્ચરનો IPL રેકોર્ડ
પહેલી જ સિઝનમાં જોફ્રા આર્ચરે સારું પ્રદર્શન કર્યું હતું અને 10 મેચમાં 15 વિકેટ લીધી હતી. 2019 માં, આર્ચરે 11 મેચમાં 11 વિકેટ લીધી હતી અને તેનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર 6.76 રન હતો. 2020 માં, આર્ચરે 14 મેચમાં 20 વિકેટ લીધી હતી અને તેનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર 6.55 રન હતો. જોફ્રા આર્ચર પાસે T20 ફોર્મેટમાં 121 મેચનો અનુભવ છે જેમાં તેના નામે 153 વિકેટ છે.
આર્ચરનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 18 રનમાં 4 વિકેટ છે. તેનો ઈકોનોમી રેટ માત્ર 7.65 રન પ્રતિ ઓવર છે. મોટી વાત એ છે કે પાવરપ્લે સિવાય આર્ચર ડેથ ઓવરોમાં પણ અદભૂત બોલિંગ કરે છે. તેનો યોર્કર અને શોર્ટ બોલ અદ્દભુત છે. આ સાથે, તે નીચલા ક્રમમાં મોટી હિટ ફટકારવાની શક્તિ પણ ધરાવે છે. આર્ચરના આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ટીમો તેને ખરીદવા માટે કેમ હરીફાઈ કરી રહી હતી.