WPL 2023 Points Table: ગુજરાત જાયન્ટ્સે દિલ્હીને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પાછળ છોડ્યુ, જાણો પોઈન્ટ્સ ટેબલની સ્થિતી
Women's Premier League 2023: ગુજરાત જાયન્ટ્સ ટીમે ટૂર્નામેન્ટમાં બીજી મેચમાં જીત મેળવીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પોઈન્ટ્સ ટેબલમાં પાછળ છોડી દીધુ છે. ટૂર્નામેન્ટમાં હજુ 2 મેચ ગુજરાતની ટીમે રમવાની બાકી છે.
WPL 2023 ની 14 મી મેચ મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતની ટીમે રોમાંચક પળો વચ્ચે દિલ્હીને 11 રનથી પરાજય આપ્યો હતો. દિલ્હીની સુકાની મેગ લિનિંગે ટોસ જીતીને ગુજરાતને પ્રથમ બેટિંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. ગુજરાતની ટીમે નિર્ધારીત 20 ઓવરના અંતે 147 રન 4 વિકેટના નુક્શાને બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 19મી ઓવરમાં 136 રન નોંધાવીને સમેટાઈ ગઈ હતી. દિલ્હીની ટીમે ટૂર્નામેન્ટમાં આ બીજી હારનો સામનો કર્યો છે.
પ્લેઓફમાં સ્થાન પાક્કુ કરવા માટે હજુ પણ દિલ્હીની ટીમે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને રહેતા રાહ જોવી પડે એમ છે. દિલ્હીની ટીમ ટૂર્નામેન્ટની મજબૂત ટીમ તરીકે જોવામાં આવી રહી છે. દિલ્હીની ટીમની શરુઆત સારી રહી છે. તેણે પહેલા મુંબઈ ઈન્ડિયન્સ અને હવે ગુજરાત જાયન્ટ્સ એમ બે જ ટીમો સામે હારનો સામનો કર્યો છે.
ગુજરાત એક સ્થાન આગળ વધ્યુ
ગુરુવારે રમાયેલી દિલ્હી સામેની મેચમાં ગુજરાત માટે જીત મેળવવી જરુરી હતી. ગુજરાતની ટીમે ટૂર્નામેન્ટમાં બીજી જીત મેળવી છે અને હજુ બે મેચ રમવાની બાકી છે. ગુજરાતની ટીમને પોઈન્ટ્સ ટેબલમાં આ જીત સાથે ફાયદો થયો છે. દિલ્હીને હરાવતા જ ગુજરાતની ટીમ પાંચમાં ક્રમેથી એક સ્થાન આગળ વધીને ચોથા સ્થાન પર પહોંચી છે. આમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને ગુજરાતે પાછળ છોડી દીધી છે. આરસીબી અગાઉ પાંચમા ક્રમના સ્થાન પર રહી ચૂકી છે અને હવે ફરીથી એ સ્થાન પર પહોંચી ગઈ છે.
દિલ્હીની ટીમને પ્લેઓફમાં પહોંચવાની ગુરુવારે તક હતી. જોકે આ મેચમાં ગુજરાતની ટીમે તેની આ આશાઓને પૂર્ણ થવા દીધી નહોતી. ગુજરાતી બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જેને લઈ દિલ્હીની ટીમ પત્તાના મહેલની માફક જ ધરાશાયી થઈ ગઈ હતી. દિલ્હીની ટીમને રોમાંચક મેચમાં ગુજરાતે લક્ષ્યથી 11 રન દૂર રાખીને જ ઓલઆઉટ કરી લીધી હતી.
પોઈન્ટ ટેબલની સ્થિતી
મુંબઈ ઈન્ડિન્યસ ટૂર્નામેન્ટમાં એક પણ મેચમાં હારનો સામનો કર્યો નથી. મુંબઈની ટીમ પોતાની 5 મેચો રમીને પાંચેયમાં જીત મેળવી છે. આમ હારનો સ્વાદ હજુ ચાખ્યો નથી. આમ ટૂર્નામેન્ટની સૌથી મજબૂત ટીમ ઉભરવા સાથે પ્રથમ સિઝનના ટાઈટલ માટે પ્રબળ દાવેદાર ટીમ બની ચુકી છે. દિલ્હી કેપિટલ્સ બીજી સૌથી મજબૂત ટીમ મનાય છે. આ ટીમ પોતાની 6 મેચો ટૂર્નામેન્ટમાં રમીને 4 મેચમાં જીત મેળવી છે. યૂપી વોરિયર્સે 5 મેચ રમીને 2 મેચમાં જીત મેળવી છે. યૂપીએ ત્રણ મેચમાં હારનો સામનો કર્યો છે.
WPL 2023 પોઈન્ટ્સ ટેબલ | |||||
ટીમ | મેચ | જીત | હાર | નેટ રનરેટ | પોઈન્ટ |
મુંબઈ ઈન્ડિયન્સ | 5 | 5 | 0 | +3.325 | 10 |
દિલ્હી કેપિટલ્સ | 6 | 4 | 2 | +1.431 | 08 |
યુપી વોરિયર્સ | 5 | 2 | 3 | -0.196 | 04 |
ગુજરાત જાયન્ટ્સ | 6 | 2 | 4 | -2.523 | 04 |
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 6 | 1 | 5 | -1.550 | 02 |