WPL 2023, GG vs DC: ગુજરાત જાયન્ટ્સની ખરાબ રમત, દિલ્હી સામે રાખ્યુ 106 રનનુ લક્ષ્ય, મેરિઝાનની 5 વિકેટ
Gujarat Giants vs Delhi Capitals Match Innings Report: ગુજરાત જાયન્ટ્સ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. પરંતુ 28 રનના સ્કોરમાં જ અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી.

ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે નવી મુંબઈમાં આવેલ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. WPL 2023 ની આ 9મી મેચ છે. ગુજરાતની ટીમ સ્નેહ રાણાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. ગુજરાતની ટીમની શરુઆત ખરાબ રહી હતી. શરુઆતમાં જ વિકેટો ગુમાવવાનો સિલસિલો જારી રાખતા ગુજરાતની સ્થિતી મુશ્કેલ થઈ ચુકી હતી. મેરિઝાન કેપ્પે શરુઆતમાં જ પાંચ વિકેટો ઝડપી લેતા ગુજરાતની ટીમ માટે મેચમાં બની રહેવુ મુશ્કેલ બની ચુક્યુ હતુ. નિર્ધારીત ઓવરમાં 9 વિકેટ ગુમાવીને ગુજરાતે 105 રનનો સ્કોર ખડક્યો હતો. મેરિઝાને મેચમાં 5 વિકેટ ઝડપી હતી.
સ્નેહ રાણાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરતા મોટો સ્કોર ખડકીને તેને દિલ્હી જેવી મજબૂત ટીમ સામે સુરક્ષીત રાખીને જીતવાનો ઈરાદો જણાતો હતો. પરંતુ રમત શરુ થતા પાસુ અવળુ નજર આવ્યુ હતુ. સોફિયા ડંકલીને આજની મેચમાં બહાર રખાઈ હતી. તેને બહાર રાખવાનો નિર્ણય ગુજરાતને માટે ભારે પડી રહ્યો હોય એમ લાગી રહ્યુ હતુ. ડંકલી પ્રભાવિત કરનારી રમત રમી હતી. ગુજરાતે દિલ્હી સામેની શનિવારની મેચમાં 2 ફેરફાર કર્યા હતા.
ગુજરાતની ખરાબ શરુઆત
શનિવારેની દિલ્હી સામેની મેચમાં ગુજરાત જાયન્ટ્સની શરુઆત ખૂબ જ ખરાબ રહી હતી. ગુજરાતની ટીમની ઓપનીંગ જોડીના રુપમાં લૌરા વુલફોર્ટ અને એસ મેઘના આવ્યા હતા. જોકે ઓપનીંગ જોડી મેચના બીજા બોલ પર શૂન્ય રને જ તૂટી ગઈ હતી. એસ મેઘના ઈનીંગની પ્રથમ ઓવરના બીજા બોલ પર ક્લીન બોલ્ડ થઈને પરત ફરી હતી. શૂન્ય રનના ટીમના સ્કોર પર જ ગુજરાતે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ લૌરાએ ત્રીજી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી હતી. આ દરમિયાન ગુજરાતનો સ્કોર માત્ર 2 રન જ નોંધાયેલો સ્કોર બોર્ડ પર જોવા મળી રહ્યો હતો. લૌરા 1 રન નોંધાવી પરત ફરી હતી. તેના આગળના બોલ પર જ એશ્લે ગાર્ડનરે વિકેટ ગુમાવી હતી. તે શૂન્ય રને જ લેગબિફોર વિકેટ ગુમાવી બેઠી હતી. આ ત્રણેય વિકેટ મેરિઝાન કેપ્પે ઝડપી હતી.
કિમ ગાર્થની મુશ્કેલ સમયમાં શાનદાર રમત
ગાર્થે મુશ્કેલ સમયમાં પ્રભાવિત કરનારી અણનમ રમત રમી હતી. ગાર્થે સ્કોર બોર્ડને ધીમે ધીમે આગળ વધારવાની યોજના સાથે ટીમને 100 રનના આંકડાને પાર કરવવાની મુશ્કેલ ઈરાદાને પાર પાડ્યો હતો. આમ ગુજરાતે કંગાળ રમત બાદ ગાર્થની રમતને લઈ એક લડાયક સ્કોર બનાવ્યો હતો. 37 બોલમાં 32 રનની ઈનીંગ દિલ્હી સામે મુશ્કેલ સમયમાં નોંધાવી હતી. વેરહેમે પણ અગાઉ સારો પ્રયાસ કર્યો હતો.
હરલીન દેઓલે સ્થિતી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. તેણે 4 ચોગ્ગાની મદદ વડે 20 રન નોંધાવ્યા હતા. જોકે તે પણ મેરિઝાનના જાદુ સામે સફળ નિવડી શકી નહોતી અને લેગબિફોર શિકાર થઈ પરત ફરી હતી. ડી હેમલત્તાએ 5 રન નોંધાવીને વિકેટ ગુમાવી હતી. શિખા પાંડેએ તેને પોતાનો શિકાર બનાવી હતી. ગુજરાતે પાંચમી વિકેટ હરલીનના રુપમાં 28 રનના સ્કોરમાં ગુમાવી દીધી હતી. વેરહેમે 25 બોલમાં 22 રન મુશ્કેલ સમ.માં નિકાળ્યા હતા. સુષ્મા વર્માએ 2 રન નોંધાવ્યા હતા. તનુજા કંવરે 13 રન અને કેપ્ટન સ્નેહ રાણાએ 2 રન નોંધાવ્યા હતા.