ભારતે ‘વર્લ્ડ રેકોર્ડ’ તોડ્યો ! આજ સુધી ન જોયેલું કારનામું કરી બતાવ્યું, વેસ્ટ ઈન્ડિઝને પાછળ છોડીને રચ્યો ‘ઇતિહાસ’
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બેટ્સમેનોના પ્રદર્શન થકી ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને પાછળ છોડીને 'ઇતિહાસ' રચી દીધો છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં ન્યુઝીલેન્ડ દ્વારા ભારત સામે 154 રનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. ભારતીય ટીમે આ લક્ષ્યાંક માત્ર 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
કયો ‘વર્લ્ડ રેકોર્ડ’ તોડ્યો?
ટીમ ઈન્ડિયાએ 60 બોલ બાકી રહેતા આ મેચ પોતાના નામે કરી અને આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝનો એક વર્લ્ડ રેકોર્ડ પણ તોડી નાખ્યો. બોલની દ્રષ્ટિએ T20 ઇન્ટરનેશનલમાં 150 થી વધુ રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે કોઈપણ ટીમ (ફુલ મેમ્બર) માટે આ સૌથી મોટી જીત છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ભારતીય ટીમે એક એવો ચમત્કાર કર્યો કે, જે આજ સુધી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ પણ પૂર્ણ સભ્ય (ફુલ મેમ્બર) ટીમ કરી શકી નથી. 154 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 60 બોલ બાકી (10 ઓવર) રાખીને જ જીત મેળવી લીધી.
વર્ષ 2024માં નોંધાયેલ રેકોર્ડ તૂટયો
આ સાથે જ T20I માં 150 થી વધુ રનના લક્ષ્યાંકનો પીછો કરતા સૌથી વધુ બોલ બાકી રાખીને જીત નોંધાવવાનો રેકોર્ડ હવે ટીમ ઈન્ડિયાના નામે થઈ ગયો છે. ભારતે આ બાબતમાં વેસ્ટ ઈન્ડિઝનો રેકોર્ડ તોડ્યો છે. વિન્ડીઝ ટીમે આ રેકોર્ડ વર્ષ 2024માં દક્ષિણ આફ્રિકા સામે બનાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે તે મેચમાં 37 બોલ બાકી રહેતા જીત મેળવી હતી.
ઈન્ડિયાએ તમામ ટીમોને પાછળ છોડી
T20I માં 150 થી વધુ રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે સૌથી વધુ બોલ બાકી રાખીને જીત મેળવવાના મામલે ત્રીજા નંબરે ઇંગ્લેન્ડની ટીમ છે. ઇંગ્લેન્ડે વર્ષ 2022 માં પાકિસ્તાન સામે 33 બોલ બાકી રહેતા મેચ પોતાના નામે કરી હતી.
આનાથી પહેલા વર્ષ 2016 માં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડ સામે 32 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. આ તમામ ટીમોને પાછળ છોડીને હવે આ રેકોર્ડ ટીમ ઈન્ડિયાએ પોતાના નામે કરી લીધો છે.
અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવે ટીમની સ્થિતિ સંભાળી
આ મેચમાં ટીમ ઈન્ડિયાના આ રેકોર્ડ રન ચેઝમાં અભિષેક શર્મા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી હતી. 154 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત સારી રહી નહોતી અને ટીમે મેચના પહેલા જ બોલ પર ઓપનિંગ બેટ્સમેન સંજુ સેમસનની વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યારબાદ ઈશાન કિશને 13 બોલમાં 28 રન બનાવ્યા હતા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 26 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 57 રનની ઇનિંગ રમી હતી. અભિષેક શર્માએ 20 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. T20માં ભારતની આ સતત 10મી જીત છે.
