World Cup 2023: ટીમ ઈન્ડિયા 9 શહેરોમાં રમશે વિશ્વકપની લીગ મેચ, જાણો કયા મેદાનમાં કેવો ધરાવે છે રેકોર્ડ
ODI World Cup 2023: ભારતીય ટીમ 42 દિવસ વિશ્વ ચેમ્પિયન બનવા ટક્કર આપશે. ભારતીય ટીમને દેશ અને વિદેશના મેદાન પર પૂરો અનુભવ છે, ઘર આંગણે મેચને લઈ ભારતીય ટીમના 9 શહેરોના મેદાનના રેકોર્ડ પર એક નજર કરીએ.
World Cup 2023 ના શેડ્યૂલનુ એલાન થઈ ચુક્યુ છે. હવે ભારતીય ટીમને લઈ ભારતીય ક્રિકેટ ચાહકો ઉત્સાહમાં છે. ભારતીય ચાહકો ફરી એકવાર ટીમ ઈન્ડિયાના હાથમાં વિશ્વ કપ જોવા ઈચ્છે છે. આ માટે થઈને સૌથી પહેલા ભારતીય ટીમનો રેકોર્ડ એ મેદાન પર કેવો છે, જ્યાં વિશ્વ કપની લીગ મેચ રમવાની છે. ભારતીય ટીમ દેશના 9 સ્થાન પર લીગ તબક્કામાં જુદી જુદી ટીમો સામે ટકરાશે. ભારતીય ટીમ પોતાનુ અભિયાન 8 ઓક્ટોબરથી શરુ કરશે.
ટીમ ઈન્ડિયાનુ અભિયાન 42 દિવસ ચાલશે. આ દરમિયાન અલગ અલગ 9 લીગ મેચ જુદા જુદા શહેરમાં રમવાની છે. રોહિત શર્માની આગેવાની ધરાવતી ભારતીય ટીમ ઘર આંગણે ચેમ્પિયન બનવા માટેનો મજબૂત ઈરાદો ધરાવે છે. આ માટે આ 9 સ્થળો પર ભારતીય ટીમનો રેકોર્ડ કેવો છે એ જાણવો જરુરી છે. અહીં એક નજર કરીશુ આ સ્થળો પર.
ચેન્નાઈ-ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર
ભારતીય ટીમનુ અભિયાન 8 ઓક્ટોબરથી શરુ થનારુ છે. ભારતીય ટીમ વિશ્વ કપમાં પોતાના અભિયાનની શરુઆત ઓસ્ટ્રેલિયા સામે મેદાને ઉતરીને કરશે. આ મેચ ચેન્નાઈમાં રમાનારી છે. ચેન્નાઈમાં ભારતીય ટીમનો રેકોર્ડ ખાસ નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ચેપોક સ્ટેડિયમમાં 3 વનડે મેચ રમાઈ છે. જેમાં ભારતે માત્ર 1 જ વાર જીત મેળવી છે. આમ ઓસ્ટ્રેલિયા 2 વાર ચેપોકમાં જીતનો અનુભવ ધરાવે છે. ભારતીય ટીમ ચેપોકમાં રેકોર્ડ સુધારતી રમત દર્શાવવી જરુરી બની રહેશે.
દિલ્હી-ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર
બીજી મેચ ભારતીય ટીમ 11 ઓક્ટોબરે દિલ્હીમાં રમનાર છે. જ્યાં ભારત અને અફઘાનિસ્તાન સામે ટક્કર થનારી છે. આ મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. અહીં બંને ટીમો વચ્ચે પ્રથમ વાર ટક્કર થવા જઈ રહી છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારતીય ટીમ 21 વનડે મેચ અત્યાર સુધી રમી ચુકી છે. જેમાં 13 મેચમાં જીત ભારતની રહી છે. આમ માત્ર 7 મેચમાં હાર ભારતને મળી છે. એક મેચ અનિર્ણીત રહી હતી.
અમદાવાદ-ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ
જેની સૌથી વધારે રાહ જોવાઈ રહી છે, એ ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈવોલ્ટેજ જંગની છે. બંને દેશ જ નહીં વિશ્વ ભરના ક્રિકેટ ચાહકો આ દિવસની રાહ જોવા લાગ્યા હશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે. હાઈવોલ્ટેજ મેચ 15 ઓક્ટોબરે રમાશે. અહીં પ્રથમ વાર બંને ટીમો એક બીજા સામે વનડે મેચમાં ટકરાશે. આ પહેલા ભારતીય ટીમ 18 વનડે મેચ રમીને 10 મેચમાં જીત મેળવી ચુક્યુ છે. અહીં ભારતે 8 વાર હારનો સામનો કર્યો છે.
પુણે-ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ
ટીમ ઈન્ડિયાની ચોથી લીગ મેચ પુણેમાં રમાનારી છે. ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે 19 ઓક્ટોબરે રમશે. પુણેમાં બાંગ્લાદેશ પહેલા ક્યારેય મેચ રમ્યુ નથી. ભારત આ મેદાન પર 7 મેચ રમીને 4 મેચમાં જીત મેળવી ચુક્યુ છે. અહીં ભારતે 3 મેચ ગુમાવી હતી.
ધર્મશાળા-ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ
ભારતીય ટીમ પાંચમી લીગ મેચ ધર્મશાળામાં રમશે. જ્યાં ભારતની ટક્કર ન્યુઝીલેન્ડ સામે થનારી છે. બંને ટીમો અહીં બીજી વાર એક બીજા સામે ટકરાશે. આ પહેલા બંને વચ્ચે થયેલી ટક્કરમાં ભારતે જીત મેળવી હતી. ધર્મશાળામાં ભારતીય ટીમે 4 વનડે મેચ અત્યાર સુધીમાં રમી છે. જેમાંથી 2 મેચમાં જીત મેળવી છે. જ્યારે 2 મેચમાં હારનો સામનો ભારતે કર્યો છે.
લખનૌ-ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર લખનૌના ઈકાનામાં 29 ઓક્ટોબરે થનારી છે. ભારતીય ટીમની આ છઠ્ઠી લીગ મેચ છે. અહીં ભારતીય ટીમ પ્રથમ વાર ઈંગ્લેન્ડ સામે ટકરાઈ રહી છે. આ પહેલા ભારતે અહીં એક માત્ર વનડે મેચ રમી હતી. જેમાં ભારતને જીત નસીબ થઈ નહોતી.
મુંબઈ-ભારત ક્વોલિફાયર ટીમ સામે ઉતરશે
2 નવેમ્બરે રોહિત સેના મુંબઈ પહોંચી હશે. જ્યાં ભારતીય ટીમ ક્વોલિફાયર ટિકિટ મેળવીને આવેલ ટીમ સામે મેદાને ઉતરશે. ક્વોલિફાયર તબક્કામાં જીત મેળવીને વિશ્વકપ રમવા માટે નક્કી થનારી 2 ટીમ ટૂર્નામેન્ટમાં ઉતરશે. જે લીગ તબક્કામાં ભારત સામે પણ ટકરાશે. મુંબઈમાં ભારતને 20 વનડે મેચ રમવાનો અનુભવ છે. અહીં ભારતીય ટીમ 11 મેચમાં જીત અને 9 મેચમાં હાર સહન કરી ચૂક્યુ છે.
કોલકાતા-ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર
મુંબઈ બાદ ભારતીય ટીમ 5 નવેમ્બરે કોલાકાતાના ઈડન ગાર્ડન્સ પહોંચશે. જ્યાં દક્ષિણ આફ્રિકા સામે મેદાને ઉતરશે. કોલકાતામાં ભારત અને દક્ષિણ આફ્રિકા અત્યાર સુધીમાં 3 વાર ટકરાઈ ચુક્યા છે. ભારતીય ટીમ અહીં અગાઉ દક્ષિણ આફ્રિકા સામે 2 વાર જીત્યુ છે, જ્યારે એક મેચ ગુમાવી છે. ભારત અહીં 22 વનડે મેચ રમવાનો અનુભવ ધરાવે છે. જેમાં 13 વનડે મેચ જીત્યુ છે અને 8 મેચમાં હાર મેળવી છે.
બેંગલુરુ-ભારત સામે ક્વોલિફાયર સામે ઉતરશે
ટીમ ઈન્ડિયા ક્વોલિફાયર ટીમ સામે મેદાને ઉતરશે. 11 નવેમ્બરે લીગ મેચમાં આ ટક્કર થશે. બેંગલુરુમાં ટીમ ઈન્ડિયા ક્વોલિફાયર સામે ટકરાશે. ભારતીય ટીમ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 21 મેચ રમ્યુ છે. જેમાંથી ભારતીય ટીમે 14 મેચમાં જીત મેળવી છે. જ્યારે અહીં 5 મેચમાં ભારતે હારનો સામનો કર્યો છે. આ મેદાન પર 2 મેચ અનિર્ણિત રહી છે.