IND vs BAN : ભારત સામે મેચ પહેલા બાંગ્લાદેશનો કેપ્ટન થયો ઈજાગ્રસ્ત, મેચમાં રમવા અંગે સસ્પેન્સ
વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાની સફર શાનદાર રીતે શરૂ થઈ છે અને ત્રણ જીત સાથે ટીમ ટોપ પર છે, એવામાં ગુરવારે ભારતના વિજય રથને કેવી રીતે રોકવું એ બાંગ્લાદેશ માટે મોટો સવાલ છે, કારણ કે બાંગ્લાદેશ બે મેચ હારી ચૂક્યું છે અને તેમના માટે જીત જરૂરી છે. જોકે ભારતને હરાવવા કરતા પહેલા તેમના માટે વધુ એક સવાલ જે સામે આવ્યો છે, એ છે તેમના કેપ્ટનની ઈજા.
વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ટીમ ઈન્ડિયાએ ત્રણ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોપનું સ્થાન હાંસલ કરી લીધું છે, જ્યારે બીજી તરફ બાંગ્લાદેશ (Bangladesh) ની ટીમ બે હાર અને એક જીત સાથે સાતમાં ક્રમે છે. આ બંને ટીમો વચ્ચે ગુરવારે મેચ પહેલા બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન (Shakib Al Hasan) ઈજાગ્રસ્ત થતાં તેમની ચિંતા વધી ગઈ છે.
બાંગ્લાદેશનું વધ્યું ટેન્શન
ભારતીય ટીમે અત્યાર સુધી વર્લ્ડ કપ 2023માં રમાયેલી ત્રણેય મેચ જીતી છે અને ત્રણેય મેચમાં જીતના હીરો અલગ-અલગ ખેલાડીઓ રહ્યા છે. જેના કારણે ભારતને હરાવવા માટે રણનીતિ તૈયાર કરવું પહેલા જ બાંગ્લાદેશ માટે મુશ્કેલ હતું, એવામાં તેમાં કેપ્ટન શાકિબ અલ હસન ઈજાગ્રસ્ત થતાં તેમની ચિતામાં વધારો થયો છે.
પુણેમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે થશે મુકાબલો
ચેન્નાઈમાં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં થયેલી ઈજા બાદ બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનનું ભારત સામે રમવું મુશ્કેલ લાગી રહ્યું છે અને આ સસ્પેન્સે બાંગ્લાદેશ ટીમની ચિંતા વધારી દીધી છે. શાકિબ ન્યુઝીલેન્ડ સામે રન લેતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે ઈજા બાદ પણ તેણે બેટિંગ ચાલુ રાખી હતી.
તેણે પોતાનો 10 ઓવરના ક્વોટાનો બોલિંગ પણ ફેંકી હતી. મેચ દરમિયાન તેતે ઈજાથી પરેશાન દેખાયો હતો. મેચ બાદ શાકિબ અલ હસનનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં તેની ઈજાની ગંભીરતા સામે આવી હતી.
ભારત સામેની મેચ પહેલા બાંગ્લાદેશની ચિંતા
19 ઓક્ટોબરે બાંગ્લાદેશ તેની આગામી મેચ ટીમ ઈન્ડિયા સામે પુણેમાં રમવાની છે. બાંગ્લાદેશ ટીમના ડાયરેક્ટર ખાલિદ મહમૂદનું કહેવું છે કે અત્યાર સુધી એવું લાગી રહ્યું છે કે શાકિબ સારું અનુભવી રહ્યો છે. પરંતુ પુણેમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન તેની ફિટનેસ અને ઈજા કેવી છે તેના પર અમારી નજર રહેશે.
આ પણ વાંચો : AUS vs SL : લખનૌમાં ડેવિડ વોર્નરે ગ્રાઉન્ડ સ્ટાફની મદદ કરી દિલ જીતી લીધા, જુઓ Video
શાકિબ અલ હસનને લઈ બાંગ્લાદેશ ચિંતિત
બાંગ્લાદેશ ટીમના નિર્દેશકે કહ્યું હતું કે શાકિબ અલ હસન ભારત સામે રમવા માંગે છે. જો સ્થિતિ એવી છે કે તે 85 થી 90 ટકા જ ફિટ છે, એવામાં તેના ફિટ થવાની અમને આશા છે. જો કે, તે 100 ટકા ફિટ છે કે નહીં તેના પર બધું નિર્ભર રહેશે. અમે કોઈ જોખમ લેવા માંગતા નથી. વર્લ્ડ કપ 2023માં અમારી હજુ 6 મેચ બાકી છે. શાકિબના ભારત સામે રમવા અંગે અંતિમ નિર્ણય ફિઝિયો અને ડોક્ટર લેશે.