ઐતિહાસિક સિડનીના મેદાન પર શરુ થઈ પિંક ટેસ્ટ, જાણો કઈ રીતે શરુ થઈ આ પરંપરાગત ટેસ્ટ
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી શરુ થઈ છે. ઐતિહાસિક સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરુ થયેલી આ મેચને પિંક ટેસ્ટ કહેવામાં આવે છે.આ ટેસ્ટ મેચમાં ક્રિકેટનું મેદાન અને પ્લેયર્સ અલગ અંદાજમાં જોવા મળે છે.તો ચાલો જાણીએ આ પિંક ટેસ્ટ પાછળનો ઈતિહાસ.

ક્રિકેટમાં તમે પિંક બોલ ટેસ્ટ વિશે સાંભળ્યું જ હશે, પણ શું તમે ક્યારે પિંક ટેસ્ટ વિશે સાંભળ્યું છે ? 2024ની શરુઆતમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચને પિંક ટેસ્ટ કહેવામાં આવી રહી છે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સ આ મેચમાં પિંક રંગની ટોપીમાં જોવા મળ્યા. પિંક ટેસ્ટનો અર્થ એ નથી થતો કે ટેસ્ટ મેચ પિંક બોલથી રમાશે. પિંક બોલ ટેસ્ટ અને પિંક ટેસ્ટમાં મોટું અંતર છે.
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર વર્ષની શરુઆતમાં રમાતી ટેસ્ટ મેચને પિંક ટેસ્ટ કહેવામાં આવે છે. આ ટેસ્ટ મેચ દરમિયાન સ્ટમ્પ, પ્લેયર્સની ટોપી સહિત વેન્યૂની ચારે તરફના સ્ટેન્ડને ગુલાબી રંગમાં જોવા મળે છે. આ પિંક ટેસ્ટ પાછળનું કારણ સ્તન કેન્સર અંગે જાગરુકતા ફેલાવવાનું છે.
કેવી રીતે થઈ પિંક ટેસ્ટની શરુઆત ?

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેક્ગ્રાએ પોતાની પત્નીને સ્તન કેન્સરને કારણે ગુમાવવી પડી હતી. મેક્ગ્રાએ પોતાની પત્નીના સ્તન કેન્સર અંગેની જાણ બાદ 2005માં મેક્ગ્રા ફાઉન્ડેશનની શરુઆત કરી હતી. મેક્ગ્રા ફાઉન્ડેશને આ સમસ્યા અંગે જાગરુકતા ફેલાવવાનું અને દર્દીઓ માટે ફંડ ભેગું કરવા ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ સાથે ભાગીદારી કરી હતી.વર્ષ 2009માં ગ્લેન મેક્ગ્રાની પત્ની જેનના નિધનના એક વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રીકા વચ્ચે પ્રથમ પિંક ટેસ્ટ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની આ ત્રીજી ટેસ્ટ મેચ પિંક ટેસ્ટની 16મી સિઝન હશે. અત્યાર સુધી રમાયેલી આ પ્રકારની પિંક ટેસ્ટ થકી 2.2 કરોડ ડોલરનું દાન એકત્ર થયું છે.
પિંક ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ કેવો રહ્યો ?
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે હમણા સુધીની 15 પિંક ટેસ્ટમાંથી 8માં જીત મેળવી છે. 6 પિંક ટેસ્ટ ડ્રો રહી અને ઓસ્ટ્રેલિયાની ટીમે એક પિંક ટેસ્ટમાં હારનો સામનો કરવો પડયો. 2011માં ઈંગ્લેન્ડની ટીમે 83 રનથી પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ટીમને પિંક ટેસ્ટમાં હાર આપી હતી.
શું છે પિંક બોલ ટેસ્ટ ?
ક્રિકેટમાં ડે નાઈટ ટેસ્ટને પિંક બોલ ટેસ્ટ કહેવામાં આવે છે. સામાન્ય ટેસ્ટ મેચમાં લાગ રંગના લેધરના બોલનો ઉપયોગ થાય છે, જ્યારે ડે નાઈટ ટેસ્ટ મેચમાં ગુલાબી રંગના લેધર બોલનો ઉપયોગ થાય છે. પિંક ટેસ્ટની જેમ પિંક બોલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. પિંક બોલ ટેસ્ટમાં કાંગારુ ટીમ એકપણ ટેસ્ટ મેચ નથી હારી.
આ પણ વાંચો : આફ્રિકામાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવા મામલે આ ખેલાડી છે નંબર-1, ટોપ-5માં એક ગુજ્જુ પણ સામેલ
