Chris Gayle: વેસ્ટ ઇન્ડિઝનો ધૂરંધર બેટ્સમેન આગામી વર્ષની શરુઆતે લેશે સંન્યાસ! ક્રિકેટ બોર્ડે ક્રિસ ગેઇલની વિદાયની શરુ કરી તૈયારી
ક્રિસ ગેઇલે (Chris Gayle) ICC T20 વર્લ્ડ કપ-2021 માં પોતાની છેલ્લી મેચ પોતાના ઘરે ઘરેલુ દર્શકો સામે રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
વિશ્વના તોફાની બેટ્સમેનોમાં જેની ગણતરી થાય છે તે વેસ્ટ ઈન્ડિઝ (West Indies) ના મહાન બેટ્સમેન ક્રિસ ગેઇલે (Chris Gayle)તાજેતરમાં જ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે તેની છેલ્લી મેચ તેના ઘરે રમવા માંગે છે. 42 વર્ષના ગેઈલની આ ઈચ્છા પૂરી થતી દેખાઈ રહી છે. ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ (Cricket West Indies) વિચારવા માટે તૈયાર છે કે તેણે ગેઇલને તેના ઘરે વિદાય આપવી જોઈએ.
એક મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. અહેવાલમાં કેરેબિયન બોર્ડના ચેરમેન રિકી સ્કેરિટને ટાંકીને કહ્યું, અમને તે કરવાનું ગમશે. તે એક સારો વિચાર છે. સમય અને ફોર્મેટ પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. CWI CEO જોની ગ્રેવે સંકેત આપ્યો છે કે ગેલની છેલ્લી મેચ જાન્યુઆરીમાં આયર્લેન્ડ સામેની T20 મેચ હોઈ શકે છે.
ગ્રેવે તાજેતરમાં રેડિયો સ્ટેશનને જણાવ્યું હતું કે, અમે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આયર્લેન્ડ સામે ત્રણ વનડે રમીશું. આ પછી એક T20 મેચ છે જે સબીના પાર્કમાં યોજાવાની છે, મને લાગે છે કે આ મેચ, જો પ્રેક્ષકોને સબીના પાર્કમાં આવવા દેવામાં આવે તો આ મેચ ગેલને તેના ઘરે વિદાય આપવાની શ્રેષ્ઠ તક હોઈ શકે છે.
જોકે રિકીએ સ્પષ્ટ કર્યું કે આયર્લેન્ડ સામેની મેચ ગેલની છેલ્લી હોઈ શકે કે કેમ તે અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે કહ્યું, મીડિયા સીઈઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનનું ખોટું અર્થઘટન કરી રહ્યું છે.
ગેઈલે કહી હતી આ વાત
વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન ક્રિસ ગેઈલે ICC T20 વર્લ્ડ કપ-2021માં ઘરઆંગણે છેલ્લી મેચ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, મેં મારી નિવૃત્તિની જાહેરાત કરી નથી. પરંતુ જો તે મને જમૈકામાં મારા ઘરના લોકોની સામે રમવાની તક આપે છે, તો હું તમારો આભાર કહી શકું છું. ગેલે વેસ્ટ ઈન્ડિઝ માટે 103 ટેસ્ટ, 301 વનડે અને 79 ટી-20 મેચ રમી છે. ગેલે ટેસ્ટમાં 7214 રન બનાવ્યા છે. તેણે વનડેમાં 10.480 રન બનાવ્યા છે. તેણે T20માં 1899 રન બનાવ્યા છે.
ગેઈલે 2019માં ODI વર્લ્ડ કપ પછી કહ્યું હતું કે આ તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે પરંતુ પછી તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો. તેણે તેની છેલ્લી ODI મેચ 14 ઓગસ્ટ 2019ના રોજ પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. તેણે ટેસ્ટમાં તેની છેલ્લી મેચ 5 સપ્ટેમ્બર 2014ના રોજ કિંગ્સટાઉનમાં બાંગ્લાદેશ સામે રમી હતી. ત્યારથી તેણે ટેસ્ટ મેચ રમી નથી.