BAN vs WI: ઇતિહાસના પન્ને લખાશે ‘વેસ્ટ ઈન્ડિઝ’નું નામ! ક્રિકેટ જગતમાં પહેલાં ક્યારેય ન જોયેલી સિદ્ધિ હાંસલ કરી, ભારતના નામે પણ આ રેકોર્ડ નથી
શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામેની બીજી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝે એક આશ્ચર્યજનક નિર્ણય લીધો. વિન્ડીઝ ટીમે ODI ક્રિકેટમાં પહેલાં ક્યારેય ન જોયેલી સિદ્ધિ હાંસલ કરી છે.

વેસ્ટ ઈન્ડિઝની ટીમ હાલમાં બાંગ્લાદેશના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની બીજી મેચમાં બંને ટીમો શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં આમને-સામને હતી. જો કે, આ મેચમાં કેરેબિયન ટીમે એક એવો નિર્ણય લીધો કે, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
વેસ્ટ ઈન્ડિઝે એવું તો શું કર્યું?
બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝે પિચની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેની સ્પિન બોલિંગ પર વધારે ધ્યાન આપ્યું હતું. 50 ઓવરની મેચમાં કેરેબિયન ટીમે પહેલી ઓવરથી લઈને 50મી ઓવર સુધી દરેક ઓવર સ્પિનર્સ સાથે જ કરાવી હતી. તેમણે કુલ 5 બોલરોનો ઉપયોગ કર્યો અને તે બધા સ્પિનર હતા. ટૂંકમાં કહીએ તો, વેસ્ટ ઈન્ડિઝે 50 માંથી 50 ઓવર સ્પિનર્સ સાથે કરાવી.
વિશ્વની પ્રથમ ટીમ બની ‘વિન્ડીઝ’
આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝ એક ODI મેચમાં 50 ઓવર (સ્પિનર્સ સાથે) ફેંકનાર વિશ્વની પ્રથમ ટીમ બની છે. ODI ક્રિકેટના ઇતિહાસમાં આ સિદ્ધિ પહેલાં ક્યારેય જોવા મળી નહોતી. અગાઉ શ્રીલંકાએ એક ODI માં સ્પિનરો દ્વારા ફેંકવામાં આવતી સૌથી વધુ ઓવર ફેંકવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
પહેલા શ્રીલંકાએ 44 ઓવર ફેંકી હતી. જણાવી દઈએ કે, શ્રીલંકાએ વર્ષ 1996 માં વેસ્ટ ઈન્ડિઝ સામે, વર્ષ 1998 માં ન્યુઝીલેન્ડ સામે અને વર્ષ 2004 માં ઓસ્ટ્રેલિયા સામે આવું કારનામું કરેલું છે. વેસ્ટ ઈન્ડિઝના સ્પિનરોએ કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કર્યો અને બાંગ્લાદેશને 50 ઓવરમાં 7 વિકેટે 213 રન પર રોકી દીધું.
તમામ બોલર્સે શાનદાર બોલિંગ કરી
અકીલ હુસૈન, રોસ્ટન ચેઝ, ખારી પિયર, ગુડાકેશ મોતી અને એલિક અથાનાઝે શાનદાર બોલિંગ કરી હતી. ગુડાકેશ મોતીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. વધુમાં અકીલ હુસૈન અને એલિક અથાનાઝે બે-બે વિકેટ ખેરવી. રોસ્ટન ચેઝ અને ખારી પિયરે વિકેટ લીધી નહોતી પરંતુ બંને બોલરોની ઈકોનોમી સારી રહી હતી.
