T20 World Cup 2021: વિરાટ કોહલીએ રોહિત શર્માની ઓપનીંગ છોડાવી દીધી, રોહિત-ઇશાનને ક્રમ બદલવાનો દાવ પડ્યો ઉલટો!
ન્યુઝીલેન્ડ સામે રોહિત શર્માના સ્થાને ઇશાન કિશન (Ishan Kishan) ને ઉતારવામાં આવ્યો હતો. ઇશાન ઓપનીંગમાં અને રોહિત શર્મા (Rohit Sharma) ત્રીજા ક્રમે ફ્લોપ રહ્યો.

ટી-20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં જ્યારે ભારતીય ટીમે (Team India) ન્યૂઝીલેન્ડ સામે ઓપનિંગમાં ફેરફાર કર્યો ત્યારે બધા દંગ રહી ગયા. ન્યુઝીલેન્ડે ભારતીય ટીમને દુબઈમાં પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતુ. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. ભારતીય ટીમમાં ઈશાન કિશન અને શાર્દુલ ઠાકુરને તક આપવામાં આવી હતી અને તેની સાથે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ પણ ટીમની ઓપનિંગ બદલી દીધી હતી. પરંતુ તે ફેરફારનો દાવ સદંતર નિષ્ફળ રહ્યો હતો. ના ઇશાન કિશન (Ishan Kishan) સફળ રહ્યો કે ના તો રોહિત શર્મા (Rohit Sharma) તેના નવા ક્રમ પર સફળ રહ્યો.
ન્યુઝીલેન્ડ સામે, રોહિત શર્માની જગ્યાએ કેએલ રાહુલ સાથે ઈશાન કિશનને ઓપનિંગમાં મોકલવામાં આવ્યો હતો. જોકે, ભારતીય ટીમની આ રણનીતિ અસરકારક સાબિત થઈ ન હતી અને ઈશાન કિશન ત્રીજી ઓવરમાં માત્ર 4 રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. જ્યારે રોહિત શર્માએ માત્ર 14 રન કરી શક્યો હતો અને એ પણ 14 બોલનો સામનો કરીને. તેણે જોકે આ દરમ્યાન એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. જોકે ફરી એકવાર ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે અને ઝડપ થી તેના મહત્વના ચાર બેટ્સમેનો એ વિકેટ ગુમાવી દીધી હતી.
પરંતુ સવાલ એ છે કે રોહિત શર્મા જેવા વિસ્ફોટક બેટ્સમેનને ઓપનિંગમાંથી કેમ દૂર કરવામાં આવ્યો? રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 4 સદી ફટકારનાર ખેલાડી છે અને તેણે ઓપનર તરીકે આ બધી સદી ફટકારી છે. પરંતુ તેમ છતાં તેને ઓપનિંગ કરવાને બદલે 3 નંબર પર મોકલવામાં આવ્યો હતો. શું ભારતીય ટીમે પાકિસ્તાનની મેચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો?
તમને જણાવી દઈએ કે રોહિત શર્મા પાકિસ્તાન વિરૂદ્ધ પહેલા જ બોલ પર આઉટ થયો હતો. શાહીન આફ્રિદી રોહિત શર્માના બોલ પર ઈન સ્વિંગ પર LBW આઉટ થયો હતો. ટ્રેન્ટ બોલ્ટ પણ અંદરની તરફ સ્વિંગ કરે છે, તો શું ટીમ ઇન્ડિયાએ રોહિત શર્માને નંબર 3 પર કેમ આ માટે જ ઉતાર્યો હતો.
રોહિત શર્મા ગયા વર્ષે પણ ત્રીજા નંબરે આવ્યો હતો
તમને જણાવી દઈએ કે રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામે પહેલા નંબર પર બેટિંગ કરી ચૂક્યો છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે રોહિત શર્માએ ત્રીજા નંબર પર ઉતરીને અડધી સદી ફટકારી હતી. તેણે 41 બોલમાં અણનમ 60 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે વર્ષ 2012 પછી માત્ર 4 વખત રોહિત શર્માએ ઓપનિંગમાં બેટિંગ કરી નથી.
રોહિત શર્માને પ્રથમ બોલ પર જ જીવનદાન મળ્યું હતું
તમને જણાવી દઈએ કે રોહિત શર્માને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પહેલા જ બોલ પર જીવનદાન મળ્યું હતું. ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ બોલ રોહિતને શોર્ટ નાખ્યો અને બોલ તેના બેટની ઉપરની ધારને ફાઈન લેગ તરફ લઈ ગયો. પરંતુ ત્યાં બાઉન્ડ્રી પર ઉભેલા એડમ મિલ્ને તેનો આસાન કેચ છોડ્યો હતો. ભારતીય ટીમની વાત કરીએ તો તેની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ઇશાન કિશન માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો અને પાવર પ્લેની છેલ્લી ઓવરમાં કેએલ રાહુલ પણ 18 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.