Ashes 2021: ટિમ પેને ઓસ્ટ્રેલિયન ક્રિકેટના કેપ્ટન પદને છોડ્યા બાદ હવે માનસિક સ્વાસ્થ્યના કારણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો બ્રેક
ટિમ પેન (Tim Paine) પર એક મહિલાને અશ્લીલ ફોટા અને સંદેશા મોકલવાનો આરોપ હતો, જેની તેણે કબૂલાત કરી હતી અને થોડા દિવસો પહેલા ટેસ્ટ ટીમની કેપ્ટનશિપથી રાજીનામું આપી દીધું હતુ.
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના પૂર્વ કેપ્ટન ટિમ પેને (Tim Paine) માનસિક સ્વાસ્થ્યના કારણે ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લીધો છે. મતલબ કે તે એશિઝ શ્રેણી (Ashes Series) ની શરૂઆતમાં જોવા નહીં મળે. પેનને બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયન ટીમ (Australian Cricket Team) માં જોડાતા પહેલા માર્શ કપમાં તાસ્માનિયા તરફથી રમવાનું હતું, પરંતુ શુક્રવારે સવારે તે ખસી ગયો હતો.
પેનના મેનેજર જેમ્સ હેન્ડરસનને ટાંકીને મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, એ વાત ચોક્કસર છે કે ટિમ પેન માનસિક સ્વાસ્થ્યને કારણે ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે વિરામ લઈ રહ્યો છે. અમે તેના અને બોનીના સ્વાસ્થ્ય વિશે અને આ વિશે ખૂબ જ ચિંતિત છીએ. વધુ ટિપ્પણી કરવા માંગતા નથી.
ટિમ પેન પર એક મહિલાને અશ્લીલ ફોટા અને સંદેશા મોકલવાનો આરોપ હતો, જેની તેણે કબૂલાત કરી અને થોડા દિવસો પહેલા ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું. દરમિયાન ક્રિકેટ તસ્માનિયાએ પણ એક નિવેદન જાહેર કર્યું છે અને કહ્યું છે કે, છેલ્લા 24 કલાકની ચર્ચા પછી, ટિમ પેને ક્રિકેટ તસ્માનિયાને કહ્યું છે કે તે ક્રિકેટના તમામ ફોર્મેટ માંથી બ્રેક લઈ રહ્યો છે. ક્રિકેટ તસ્માનિયા પ્રોફેશનલ્સ અને વ્યક્તિગત રીતે ટિમ પેન અને તેના પરિવારને સમર્થન આપવાનું ચાલુ રાખશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સપોર્ટ કરશે
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. CA ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નિક હોકલેએ કહ્યું, અમે જાણીએ છીએ કે ટિમ અને તેના પરિવાર માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે અને અમે તેમને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે બ્રેક લેવાના ટિમના નિર્ણયને સમજીએ છીએ અને માન આપીએ છીએ, જેથી તે પોતાની જાત પર અને તેના પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
આ ખેલાડીઓને તક મળી શકે છે
પેનના એશિઝ શ્રેણીમાંથી બહાર થવાનો અર્થ એ છે કે વિકેટકીપર એલેક્સ કેરીને બ્રિસ્બેનમાં ગાબા ખાતે પ્રથમ ટેસ્ટમાં ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. જોશ ઈંગ્લિશ તેને આ મામલે પડકાર આપી શકે છે. હોકલે એ આના પર કહ્યું, રાષ્ટ્રીય પસંદગી સમિતિ આગામી દિવસોમાં ચર્ચા કરશે અને પ્રથમ એશિઝ ટેસ્ટ માટે પોતાની અંતિમ ટીમ પસંદ કરશે.
મુશ્કેલ સમયમાં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો
ટિમ પેને એવા સમયે ઓસ્ટ્રેલિયાની કપ્તાની સંભાળી જ્યારે આ ટીમ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. તત્કાલિન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઇસ-કેપ્ટન ડેવિડ વોર્નર પર 2018માં દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં બોલ ટેમ્પરિંગનો આરોપ લાગ્યો હતો. તે સમયે ટીમ પેનને ટીમની કેપ્ટનશીપ આપવામાં આવી હતી. તેની કપ્તાની હેઠળ, ટીમ 2019 માં ઇંગ્લેન્ડ ગઈ હતી અને એશિઝ શ્રેણી પોતાની સાથે જાળવી રાખી હતી.