હાર્દિક પંડયાને લઈ બદલાયો આ દિગ્ગજ ગુજ્જુ ક્રિકેટરનો સૂર, પહેલા ઉઠાવ્યા સવાલ, હવે પોતાની ભૂલ સ્વીકારી
IPL 2024 સિઝન દરમિયાન સતત ટ્રોલિંગનો સામનો કરવા છતાં હાર ન માની, અને આજે પોતાને વર્લ્ડનો બેસ્ટ ઓલરાઉન્ડર સાબિત કરનાર હાર્દિક પંડયાને લઈ બધાના સૂર બદલાયા છે, જેનું મુખ્ય કારણ T20 વર્લ્ડ કપ 2024માં હાર્દિક પંડયાનું જોરદાર વિજયી પ્રદર્શન છે. જેમણે હાર્દિકની ટીકા કરી હતી, તે આજે તેના વખાણ કરી રહ્યા છે. આ લિસ્ટમાં ગુજરાતના પૂર્વ સ્ટાર ક્રિકેટરનો પણ સમાવેશ થાય છે.
કોઈને ખોટું સાબિત કરવું બહુ મુશ્કેલ નથી. તમારી ભૂલ સ્વીકારવી વધુ મુશ્કેલ છે. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ આવા ઘણા લોકો પોતાની ભૂલો સ્વીકારી રહ્યા છે. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ આખી ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની જીતના હીરોમાંનો એક હતો, જેણે ફાઈનલમાં ન માત્ર પોતાની પ્રતિભા દેખાડી, પરંતુ તે પહેલા પણ શાનદાર પ્રદર્શન કર્યું. હવે તેને ટ્રોલ કરનારા ચાહકો સમર્થનમાં આવ્યા છે, પરંતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે પણ હવે સ્વીકાર્યું છે કે હાર્દિકે તેને ખોટા સાબિત કર્યો છે.
IPLમાં દરેક લોકો ટીકા કરી રહ્યા હતા
IPL 2024 સિઝનનું આયોજન T20 વર્લ્ડ કપ 2024 પહેલા કરવામાં આવ્યું હતું. આ સિઝન હાર્દિક પંડ્યા અને તેની કેપ્ટન્સીવાળી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ માટે બિલકુલ સારી ન હતી. રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવવાના કારણે હાર્દિક પંડ્યા પહેલાથી જ મુંબઈ અને રોહિતના ચાહકોના નિશાના પર હતો. તેના ઉપર, ટીમનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું, જ્યારે હાર્દિકનું ખુદનું પ્રદર્શન અને તેની કેપ્ટનશીપ પણ સવાલોના ઘેરામાં રહી.
ઈરફાન પઠાણે હાર્દિકની ટીકા કરી હતી
આ તે સમય હતો જ્યારે દરેક વ્યક્તિ હાર્દિક પંડ્યા પર સવાલો અને ટીકા કરી રહ્યા હતા. આ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા ઈરફાન પઠાણે પણ હાર્દિકના નિર્ણયોને સતત ખોટા ગણાવ્યા અને તેની વિરુદ્ધ બોલતો રહ્યો. ખુદ ઈરફાનની પણ આ પ્રકારની વર્તણૂક માટે સોશિયલ મીડિયા પર ટીકા થવા લાગી હતી. પરંતુ હવે હાર્દિકે વર્લ્ડ કપમાં પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી બધાને ચૂપ કરી દીધા છે.
Irfan Pathan speaks on Hardik Pandya’s journey from a dismal IPL performance to a power-packed outing in the T20 World Cup.#HardikPandya | #TeamIndia pic.twitter.com/jFH9nufZOG
— OneCricket (@OneCricketApp) July 4, 2024
હવે ઈરફાને હાર્દિકના વખાણ કર્યા
ઈરફાન પઠાણ પણ તેમાંથી એક છે, જેઓ માને છે કે તેણે ઘણી ટીકાઓ સહન કરી પરંતુ હાર્દિકે જબરદસ્ત પુનરાગમન કર્યું. સ્ટાર સ્પોર્ટ્સ શો દરમિયાન ઈરફાને હાર્દિકની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે સ્ટાર ઓલરાઉન્ડરને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો અને તે (ઈરફાન) પોતે પણ તેની ટીકા કરી રહ્યો હતો. ઈરફાને કહ્યું કે આ બધા વચ્ચે હાર્દિકે જે રીતે પ્રદર્શન કર્યું અને ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું તે ખૂબ જ ખાસ હતું.
આ પણ વાંચો: વિક્ટરી પરેડમાં વિરાટ-રોહિતનો જોરદાર ડાન્સ, દ્રવિડ પણ કાબૂ ન રાખી શક્યા, જુઓ વીડિયો