ભારતીય ક્રિકેટ ટીમની ICC T20 વર્લ્ડ કપ-2021 (ICC T20 World Cup-2021) સારો રહ્યો નથી. ટીમને ટાઈટલની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી, પરંતુ ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકી નહોતી. સોમવારે ભારતે આ વર્લ્ડ કપની છેલ્લી મેચ નામિબિયા સામે રમી અને જીત સાથે વિદાય લીધી. તેને આ ટુર્નામેન્ટની શરૂઆતની બંને મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને સેમિફાઈનલમાં જવાનો તેનો રસ્તો લગભગ બંધ થઈ ગયો હતો.
પ્રથમ મેચમાં ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટીમનો પરાજય થયો હતો. આ પછી બીજી મેચમાં ન્યુઝીલેન્ડ સામે હાર થઇ હતી. આ પછી ટીમ ઇન્ડિયા બાકીની ત્રણેય મેચ જીતવામાં સફળ રહી હતી. પરંતુ બાકીની ટીમો પર નિર્ભર રહેવાને કારણે તે સેમિફાઈનલમાંથી બહાર થઈ ગઈ હતી.
વર્લ્ડકપ પહેલા ઘણા લોકોએ ટીમ ઈન્ડિયા (Team India) ને ખિતાબની પ્રબળ દાવેદાર ગણાવી હતી, પરંતુ સેમિફાઈનલ સુધી પહોંચવામાં તેની નિષ્ફળતાએ ઘણાને આશ્ચર્યચકિત કર્યા છે. આ લોકોમાંથી એક છે દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નો મહત્વનો હિસ્સો ફાફ ડુ પ્લેસિસ (Faf Du Plesis). તેણે કહ્યું છે કે સેમિફાઇનલ પહેલા ભારત ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળે તેવી તેને આશા નહોતી.
ડુ પ્લેસિસે અબુ ધાબી T10 લીગ દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં કહ્યું, ચોક્કસપણે નહીં. મારા માટે, ભારતીય ટીમ મારી ફેવરિટ હતી… તે આ ટૂર્નામેન્ટ જીતવાની પ્રબળ દાવેદાર હતી, પરંતુ આ T20 વર્લ્ડ કપ ઘણો મુશ્કેલ રહ્યો છે. ત્યાં ઘણી ટીમો હતી અને પછી તેમને સીધા સેમિફાઇનલમાં જવાનું હતું. જો તમે એક પણ મેચ ગુમાવો છો, તો તમે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશો. તેથી અંતિમ-4માં સ્થાન મેળવવું ઘણું મુશ્કેલ હતું. પરંતુ હું ભારત અને વેસ્ટ ઈન્ડિઝને સેમિફાઈનલમાં જોવા માંગતો હતો.
વિરાટ કોહલીએ પહેલા જ કહી દીધું હતું કે તે આ વર્લ્ડ કપ પછી ટી-20માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડી દેશે. ડુ પ્લેસિસે વિરાટ કોહલીના વખાણ કર્યા છે અને કહ્યું છે કે તેણે કેપ્ટન તરીકે જે મેળવ્યું છે તે લાંબા સમય સુધી યાદ રહેશે.
ડુ પ્લેસિસે કહ્યું, તે લાંબા સમયથી કેપ્ટન છે. આ એક મોટી સિદ્ધિ છે. લાંબા સમયથી આ કામમાં હોવાના કારણે તેના રેકોર્ડ્સ ખૂબ જ શાનદાર છે. તેણે ટીમનું શાનદાર નેતૃત્વ કર્યું છે. મને લાગે છે કે વિરાટ આ ટીમને કંઈક અલગ આપે છે, જે તેનો વારસો રહેશે. તે લડવાની ભાવના, તે જુસ્સો, તે તેને સારી રીતે સંભાળે છે. આ તેની સૌથી મોટી સંપત્તિ છે.