IND vs PAK: ભારતીય ફેન્સે પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીને ન્યૂયોર્કમાં ઘેરી લીધો, જાણો પછી શું થયું?
પ્રથમ મેચમાં યુએસએના હાથે શરમજનક હારનો સામનો કર્યા પછી પાકિસ્તાનની આગામી મેચ ટીમ ઈન્ડિયા સામે છે, જ્યાં તેમને કોઈપણ કિંમતે જીતવું જરૂરી છે. આ મોટી મેચના ટેન્શન પહેલા પાકિસ્તાની ક્રિકેટરોએ ન્યૂયોર્કમાં થોડો સમય વિતાવ્યો હતો, જ્યાં શાહીન આફ્રિદી ભારતીય પ્રશંસકોની સામે આવી ગયો હતો, અને તે બાદ જે થયું તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એક તરફ ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ મેચમાં આયર્લેન્ડને સરળતાથી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. બીજી તરફ પાકિસ્તાનને તેની પહેલી જ મેચમાં અમેરિકાના હાથે અપસેટનો સામનો કરવો પડ્યો હતો. પોતાની પ્રથમ મેચ રમ્યા બાદ હવે બંને ટીમો સામસામે ટકરાશે. વર્લ્ડ કપની સૌથી મોટી મેચ 9 જૂન, રવિવારે ન્યૂયોર્કમાં રમાવા જઈ રહી છે, જેમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે. જો કે આ મેચ પહેલા ખેલાડીઓ તૈયારી કરી રહ્યા છે, પરંતુ પાકિસ્તાનનો સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી ભારતીય પ્રશંસકોની સામે આવ્યો અને જે વીડિયો સામે આવ્યો તે ખૂબ જ ફની હતો.
ભારત-પાક મેચમાં શાહીન આફ્રિદી પર રહેશે નજર
ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટીમાં રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમો ટકરાશે. આ મેચ બંને ટીમો માટે મહત્વની છે. છેલ્લી મેચમાં બંનેનું પ્રદર્શન ભલે અલગ-અલગ રહ્યું હોય, પરંતુ જ્યારે ભારત-પાકિસ્તાન મેચની વાત આવે છે, તો કોઈ પણ વિરોધી ટીમને હળવાશથી લેતું નથી અને આ મેચમાં પણ એવું જ થશે. પાકિસ્તાન આ મેચમાં કેટલાક ખેલાડીઓ પર નજર રાખશે, જેમાંથી તેનો લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર શાહીન સૌથી મહત્વનો છે.
ભારતીય ચાહકોએ શાહીનને ઘેરી લીધો
આ મેચ પહેલા પાકિસ્તાની ખેલાડીઓએ ન્યૂયોર્કમાં થોડો સમય વિતાવ્યો હતો. અમેરિકા સામેની આઘાતજનક હાર બાદ ખેલાડીઓને માનસિક તણાવથી દૂર રાખવા માટે આ તક આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં, શાહીન આફ્રિદી તેના કેટલાક મિત્રો સાથે ન્યૂયોર્કમાં ફરતો હતો, જ્યાં અચાનક તેનો સામનો ટીમ ઈન્ડિયાના ચાહકો સાથે થયો. આ ચાહકો ખાસ કરીને ભારત-પાકિસ્તાન મેચ માટે ન્યૂયોર્ક આવ્યા હતા.
Indian fans love Shaheen Afridi.. Nice to see they having a good time with him.. #INDVPAK pic.twitter.com/JG54kkuZ5m
— Nibraz Ramzan (@nibraz88cricket) June 8, 2024
ફોટોગ્રાફ્સ લીધા, મજાક પણ કરી
આ દરમિયાન ભારતીય ચાહકોએ શાહીન સાથે ફોટોગ્રાફ્સ લીધા અને પછી તેની સાથે થોડી મજાક પણ કરી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ફોટો પડયા બાદ એક ફેને શાહીનને ભારત સામે સારી બોલિંગ ન કરવા કહ્યું હતું. અન્ય એક ફેને તો હસીને કહ્યું કે તે વિરાટ કોહલી અને રોહિત શર્માને પોતાના સારા મિત્રો માને છે.
શું શાહીન ફરીથી ટીમ ઈન્ડિયા માટે ખતરો બનશે?
ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે પાકિસ્તાની ટીમ માટે ભારત સામે જીત નોંધાવવી ખૂબ જ જરૂરી છે. આમાં શાહીન આફ્રિદીનો રોલ સૌથી મહત્વનો રહેશે. T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધી 7 વખત ટકરાયા છે જેમાંથી ટીમ ઈન્ડિયા 6 વખત જીતી છે. પાકિસ્તાને 2021ના વર્લ્ડ કપમાં ભારતને પ્રથમ અને એકમાત્ર વખત હરાવ્યું હતું, જેમાં શાહીને 3 વિકેટ લઈને સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો : IND vs PAK: ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાનની ટીમ મુશ્કેલીમાં, T20 વર્લ્ડ કપ વચ્ચે PCBએ લીધો મોટો નિર્ણય