BCCI: શિખર ધવનને પણ બોર્ડથી મળ્યો ઝટકો, નવા કરારમાં સીધો જ બે સ્ટેપ નિચે ઉતારી દીધો, થશે આટલા કરોડનુ નુકશાન
અગાઉના કરારમાં, ડાબા હાથના ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના ઓપનરને 10 ખેલાડીઓ સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે માત્ર 5 ખેલાડીઓને જ ગ્રુપ A ગ્રેડમાં સ્થાન મળ્યું છે.
ટીમ ઈન્ડિયા (Indian Cricket Team) ના ડાબોડી દિગ્ગજ ઓપનર શિખર ધવન (Shikhar Dhawan) ને વાર્ષિક 4 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. BCCI ના એક નિર્ણયને કારણે તેને આ ખોટની ડીલ સહન કરવી પડી હતી. બોર્ડનો નિર્ણય ખેલાડીઓના નવા કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલો છે, જેમાં શિખર ધવનને ઘણું નુકસાન થયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ વખતે 27 ખેલાડીઓ સાથે કરાર કર્યા છે. આમાંથી એક નામ શિખર ધવનનું પણ છે. પરંતુ, ગત વખતની સરખામણીએ આ વખતે તેમને મળેલી રકમમાં મોટો ઘટાડો થયો છે. તેના ગ્રેડમાં ફેરફારને કારણે આમ બન્યું છે.
અગાઉના કરારમાં, ડાબા હાથના ભારતીય ઓપનરને 10 ખેલાડીઓ સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે માત્ર 5 ખેલાડીઓને જ ગ્રુપ A ગ્રેડમાં સ્થાન મળ્યું છે. અને, આમાં શિખર ધવનનું નામ નથી. બીસીસીઆઈએ ધવનને ડિમોટ કરીને ગ્રુપ એમાંથી સીધો ગ્રુપ સીમાં મૂક્યો છે.
શિખર ધવને 4 કરોડ રૂપિયા ગુમાવ્યા
BCCIના કોન્ટ્રાક્ટ મુજબ ગ્રુપ Aમાં સામેલ ખેલાડીઓને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળે છે. સાથે જ ગ્રુપ C ગ્રેડ ધરાવતા ખેલાડીઓને વાર્ષિક 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે. હવે આ કિસ્સામાં, શિખર ધવનને અગાઉના કરારની તુલનામાં નવા કરાર હેઠળ બોર્ડ કરતાં વાર્ષિક 4 કરોડ રૂપિયા ઓછા મળશે.
શિખર ધવન સિવાય અન્ય એક ભારતીય ખેલાડીને પણ આવો જ આંચકો લાગ્યો છે અને તે નામ છે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા. ઈજાના કારણે ક્રિકેટથી દૂર રહેવાને કારણે તેને બોર્ડ દ્વારા મળતી વાર્ષિક આવક પર પણ મોટી કાતર ફરી ગઇ છે. નવા કોન્ટ્રાક્ટમાં BCCIએ હાર્દિકને ડિમોટ કરીને ગ્રુપ Cમાં રાખ્યો છે. અગાઉના કરારમાં તે પણ ધવનની જેમ ગ્રુપ Aમાં હતો.
છેલ્લી ટેસ્ટ 2018માં રમી હતી
બીસીસીઆઈના નવા કોન્ટ્રાક્ટમાં ધવનને મોટી ખોટ થવાનું એક મોટું કારણ એ છે કે તે લાંબા સમય સુધી ટેસ્ટ ક્રિકેટથી દૂર રહે છે. શિખર ધવને વર્ષ 2018 બાદ થી એકપણ ટેસ્ટ મેચ રમી નથી. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલના આગમન બાદ તેમના માટે આ ફોર્મેટમાં રમવું મુશ્કેલ બની ગયું છે.
જ્યારે, જો તમે રેડ બોલ ક્રિકેટમાં તેના આંકડાઓ પર નજર નાખો, તો તે ટોચના વર્ગના ખેલાડી તરીકે જોવામાં આવે છે. તેણે 34 મેચમાં 41ની એવરેજથી 2300 થી વધુ રન બનાવ્યા છે, જેમાં 7 સદી સામેલ છે. પરંતુ, તેમ છતાં ટીમ ઈન્ડિયાની સફેદ જર્સી તેમનાથી દૂર જ રહી ગઇ છે.