આફ્રિકામાં ખરાબ પ્રદર્શનના કારણે બે ખેલાડીઓને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં ન મળ્યું સ્થાન
BCCIની પસંદગી સમિતિએ શુક્રવારે રાત્રે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ અને બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી હતી. 16 ખેલાડીઓની આ ટીમમાં મોટાભાગે એ જ નામોનો સમાવેશ થાય છે જેમણે તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી રમી હતી, પરંતુ બે ખેલાડીઓને તેમના પ્રદર્શન માટે સજા આપવામાં આવી છે.
ટીમ ઈન્ડિયા હાલમાં અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 સિરીઝમાં વ્યસ્ત છે, પરંતુ આગામી થોડા દિવસોમાં તેની સામે ખરો પડકાર આવવાનો છે. આ ઈંગ્લેન્ડનો પડકાર છે, જેની સામે ટીમ ઈન્ડિયા 5 ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. આ શ્રેણી 25 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે, જેના માટે પ્રથમ 2 મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.
BCCIએ ઈંગ્લેન્ડ સિરીઝ માટે ટીમની કરી જાહેરાત
હંમેશની જેમ કેટલાક ખેલાડીઓનું નસીબ તેમની તરફેણ કરતું નથી અને તેઓ બહાર થઈ જાય છે. આ વખતે પણ કંઈક આવું જ બન્યું છે અને બે ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. જોકે તેમાં બહાર થવા પાછળ તેમનું છેલી સિરીઝનું પ્રદર્શન જ જવાબદાર છે.
બે ખેલાડીઓ ટીમમાંથી થયા બહાર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શુક્રવારે 12 જાન્યુઆરીએ 16 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્માની કેપ્ટન્સીમાં આ ટીમ હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમમાં રમાનારી પ્રથમ અને બીજી ટેસ્ટ મેચમાં રમશે. આ ટીમની જાહેરાતમાં ઈશાન કિશનની પસંદગી ન થઈ અને તેના સ્થાને યુવા વિકેટકીપર ધ્રુવ જુરેલને તક મળી તેની ચર્ચા વધુ થઈ હતી. જે સ્વાભાવિક છે, પરંતુ બે એવા ખેલાડીઓ જે જેમના બહાર થવા અંગે ઓછી ચર્ચા થઈ રહી છે.
An action-packed Test series coming
Check out #TeamIndia‘s squad for the first two Tests against England #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vaP4JmVsGP
— BCCI (@BCCI) January 12, 2024
શાર્દુલ ઠાકુર-પ્રસિદ્ધ કૃષ્ણા ટીમમાંથી થયા બહાર
ટીમ ઈન્ડિયાએ આ પહેલા દક્ષિણ આફ્રિકામાં 2 ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી જે 1-1 થી બરાબર રહી હતી. તે શ્રેણીમાં રમનારા બે ઝડપી બોલર શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણા આ શ્રેણીનો ભાગ નથી. બંને પોતપોતાનું સ્થાન જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ તે પ્રવાસમાં જ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને બંને મેચ રમી હતી, જ્યારે શાર્દુલ ઠાકુરને પ્રથમ મેચમાં જ તક મળી હતી.
આફ્રિકામાં બંનેનું ખરાબ પ્રદર્શન
આ બંનેના પ્રદર્શનને જોતા એવું લાગી રહ્યું હતું કે તેઓ ઈંગ્લેન્ડ સામેની શ્રેણી માટે બહાર થઈ જશે. પ્રસિદ્ધે 2 મેચની 3 ઈનિંગ્સમાં માત્ર 2 વિકેટ લીધી અને તે ખૂબ જ ખર્ચાળ સાબિત થયો. જ્યારે શાર્દુલે માત્ર પ્રથમ ટેસ્ટ રમી હતી અને 1 ઈનિંગમાં માત્ર 1 જ વિકેટ લીધી હતી. તેને પણ ખરાબ રીતે માર પડ્યો હતો. આ પ્રદર્શનને ધ્યાનમાં લેતા તે બંને બહાર થઈ જાય તે આશ્ચર્યજનક નથી. જો કે આ બંનેને પડતા મુકવા પાછળ અન્ય એક મહત્વનું કારણ પણ છે.
બહાર રહેવાનું બીજું કારણ
વાસ્તવમાં, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ રમવાની છે અને તે પાંચેય મેચ ભારતની ધરતી પર યોજાવાની છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે આ શ્રેણીમાં સ્પિનર મુખ્ય ભૂમિકા ભજવશે અને ઝડપી બોલર માત્ર સહાયક ભૂમિકા ભજવશે. આ સહાયક ભૂમિકા માટે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પહેલેથી જ ટીમમાં છે, જ્યારે મુકેશ કુમાર અને આવેશ ખાનનો પણ તેમને સમર્થન કરવા માટે સમાવેશ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં અન્ય કોઈ ઝડપી બોલર માટે જગ્યા બનાવવી અશક્ય હતી.
પ્રસિદ્ધ કૃષ્ણાને મળ્યો મજબૂત સંદેશ
જો કે આવેશનો સમાવેશ કરીને પસંદગીકારોએ એવો સંદેશ પણ આપ્યો છે કે બંને બોલરોએ પોતાની જાતને સુધારવી પડશે. ખાસ કરીને પ્રસિદ્ધ કૃષ્ણા માટે આ એક મજબૂત સંદેશ છે કારણ કે તેની ઝડપી ગતિ અને બાઉન્સ મેળવવાની ક્ષમતાને કારણે તેને દક્ષિણ આફ્રિકામાં તક મળી હતી પરંતુ તે ત્યાંની ઝડપી પિચો પર તેનો લાભ ઉઠાવી શક્યો ન હતો.
શાર્દુલ માટે ટેસ્ટ ટીમના દરવાજા બંધ?
જ્યાં સુધી શાર્દુલની વાત છે તો આ સીરિઝમાં આ 32 વર્ષીય ઓલરાઉન્ડરનું પહેલાથી જ બહાર થવું નિશ્ચિત લાગી રહ્યું હતું, પરંતુ છેલ્લી સિરીઝના પ્રદર્શન બાદ લાગે છે કે હવે તેના માટે ટેસ્ટ ટીમના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા છે. આ સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ રમવાની છે અને આવી સ્થિતિમાં શાર્દુલની વાપસી સંભવ જણાતી નથી.
આ પણ વાંચો : IND vs ENG: ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈશાન કિશનને ફરી એકવાર ના મળ્યું ટીમમાં સ્થાન