IND vs SL: રોહિત શર્માએ કેપ્ટનશીપમાં રચ્યો વિશ્વ વિક્રમ, શ્રીલંકાને T20 મેચમાં હરાવતા જ હાંસલ કરી ઉપલબ્ધી
લખનૌમાં શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ T20 એ ઘરઆંગણે રોહિત શર્મા (Rohit Sharma) ની કપ્તાની હેઠળ રમાયેલી 16મી T20 હતી.
T20 ઈન્ટરનેશનલમાં ભારત જીતના રથ પર સવાર છે. આ રથનો નવો સારથિ રોહિત શર્મા (Rohit Sharma) એટલે કે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે, જેણે હવે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કેપ્ટનશિપના મામલે તેણે આ સિદ્ધિ મેળવી છે. રોહિત શર્માએ લખનૌમાં શ્રીલંકા (India Vs Sri Lanka) સામે રમાયેલી પ્રથમ T20 જીતતાની સાથે જ આ મોટી સફળતા મેળવી હતી. ભારતે (Indian Cricket Team) સિરીઝની પ્રથમ T20માં શ્રીલંકાને 62 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પહેલા રમતા 20 ઓવરમાં 199 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ઈનિંગ્સ 137 રન પર સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમ 3 મેચની ટી-20 શ્રેણી માં 1-0 ની લીડ મેળવવામાં સફળ રહી છે.
હવે તમે વિચારી રહ્યા હશો કે ભારતની જીતમાં કેપ્ટન રોહિત શર્માના નામ સાથે કયો વર્લ્ડ રેકોર્ડ જોડાયેલો છે. તો આ વર્લ્ડ રેકોર્ડ હોમ પિચ પર સૌથી વધુ મેચ જીતવા સાથે સંબંધિત છે. મતલબ કે ઘરઆંગણે T20માં સૌથી સફળ કેપ્ટન કોણ છે? અને, હવે જવાબ છે રોહિત શર્મા.
રોહિત શર્માએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!
લખનૌમાં શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ T20 એ ઘરઆંગણે રોહિત શર્માની કપ્તાની હેઠળ રમાયેલી 16મી T20 હતી. આ 16 T20માં ભારતે 15માં જીત મેળવી છે અને માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે લખનૌમાં શ્રીલંકા સામેની જીત 15મી જીત હતી.
That’s that from the 1st T20I.#TeamIndia win by 62 runs and go 1-0 up in the three-match series.
Scorecard – https://t.co/RpSRuIlfLe #INDvSL @Paytm pic.twitter.com/S2EoR9yesm
— BCCI (@BCCI) February 24, 2022
રોહિત શર્માની જેમ ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગન અને કેન વિલિયમસનની પણ પોતાની ધરતી પર 15 જીત નોંધાવી ચુક્યા છે. પરંતુ, તેમણે તેના માટે રોહિત કરતાં વધુ મેચ રમી છે. જ્યાં મોર્ગને 25 મેચમાં 15 જીત નોંધાવી છે. જ્યારે વિલિયમસને 30 મેચમાં 15 જીત મેળવી છે.
રોહિતની કપ્તાનીમાં ભારતે 22 મેચ જીતી
રોહિત શર્માએ અત્યાર સુધીની તમામ 26 T20 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. ભારતે આ 26માંથી 22 મેચ જીતી છે. રોહિતના નેતૃત્વમાં શ્રીલંકા સામે ભારતની આ 5મી જીત હતી, જે તેણે લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં નોંધાવી હતી. રોહિતની કપ્તાનીમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ 6 જીત નોંધાવી છે. આ સિવાય બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે 5-5 મેચ જીતી છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકા સામે 1 T20 જીતી હતી.