ભારતીય ક્રિકેટમાં ઉથલપાથલ બાદ શું ‘BCCI’ વિરાટ કોહલીને ટેસ્ટ ક્રિકેટ રમવા પરત બોલાવશે? આ એક રિપોર્ટથી લોકોના હોશ ઊડી ગયા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ટેસ્ટ ફોર્મેટમાં પરત ફરવા માટે કહી શકે છે.

BCCI ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા વિરાટ કોહલીને ટેસ્ટ ફોર્મેટમાં પાછા ફરવા માટે કહી શકે છે. એક રિપોર્ટમાં આ આશ્ચર્યજનક દાવો કરવામાં આવ્યો છે. વિરાટ કોહલીએ આ વર્ષે મે મહિનામાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હાલમાં, કોહલી ભારત માટે ફક્ત ODI ફોર્મેટમાં જ રમે છે. વિરાટ કોહલી 37 વર્ષનો છે અને હજુ પણ ઘણું ક્રિકેટ રમી શકે છે.
વિરાટ કોહલી રિટાયરમેન્ટ પર ‘ફરી વિચાર કરે’
ક્રિકબઝની રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલી તેના રિટાયરમેન્ટ પર ‘ફરી વિચાર કરે’, તેવી વિચારણા શરૂ થઈ ગઈ છે. રિપોર્ટમાં તે પણ દાવો કરવામાં આવ્યો છે કે, હમણાં રિટાયર થયેલ અન્ય એક ખેલાડી પોતાના ‘ટેસ્ટ ફ્યુચર’ પર ફરીથી વિચાર કરી શકે છે.
ભારતીય ક્રિકેટમાં આ ઉથલપાથલ ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઘરેલુ ટેસ્ટ સીરીઝમાં 2-0 થી હાર્યા બાદ ચાલી રહી છે. હેડ કોચ ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયામાં અનુભવનો અભાવ ગણાવ્યો અને આ માટે ટ્રાંઝિશનને જવાબદાર ઠેરવ્યું હતું.
ગયા વર્ષે જ્યારે ગૌતમ ગંભીરે ભારતીય ટીમના કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ ચૂક્યા છે. આ પહેલા રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા. ચેતેશ્વર પૂજારાએ પણ આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ભારતની બેટિંગ લાઇનઅપમાં અનુભવ ઓછો
ભારતની ટેસ્ટ બેટિંગ લાઇનઅપ હવે વિશ્વ ક્રિકેટમાં સૌથી ઓછા અનુભવી ખેલાડીઓમાંની એક છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આ વર્ષે મે મહિનામાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોવાના અહેવાલ છે, જેના કારણે ટીમ ઇન્ડિયામાં તેમની ભૂમિકા ઓછી થતી જોવા મળી હતી. જો કે, તેઓ પોતે ટેસ્ટ ફોર્મેટમાં ખાસ કરીને ઘરઆંગણે સંઘર્ષ કરી રહ્યા હતા.
સિલેક્ટર્સ પણ નિશાનામાં
અહેવાલો સૂચવે છે કે, ચીફ સિલેક્ટર અજિત અગરકર 26 નવેમ્બરથી અમદાવાદમાં છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે નેશનલ T20 ચેમ્પિયનશિપ, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ગ્રુપ D મેચોનું નિરીક્ષણ કરી રહ્યા છે. ટેસ્ટ હાર માટે સિલેક્ટર્સ પણ નિશાનામાં છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ પોતાના ઘરમાં ટેસ્ટ સીરીઝ હાર્યા પછી અજીત અગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીરની ખૂબ જ ટીકા થઈ.
રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિનની નિવૃત્તિ પછી ક્રિકેટ નિષ્ણાતો માને છે કે, ભારતીય ટીમમાં ઘણા યુવાન અને પ્રતિભાશાળી ક્રિકેટરો છે, જે આ ત્રણેય (રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન) દ્વારા છોડવામાં આવેલી ખાલી જગ્યા ભરી શકે છે.

