IND vs SL: રવિન્દ્ર જાડેજાને કેમ ના મળ્યો બેવડી સદી ફટકારવાનો મોકો? જાતે જ કર્યો ખુલાસો
રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ મોહાલી ટેસ્ટ (Mohali Test) ના બીજા દિવસે 175 રન બનાવ્યા, જે તેની ટેસ્ટ ક્રિકેટમાં બીજી સદી તેમજ તેની ટેસ્ટ કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર હતો.
ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચેની મોહાલી ટેસ્ટ (Mohali Test) નો બીજો દિવસ સંપૂર્ણપણે એક માત્ર ખેલાડી રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ના નામે હતો. શનિવાર, 5 માર્ચ, મેચના બીજા દિવસે, ભારતીય ક્રિકેટ ટીમના આ સ્ટાર ઓલરાઉન્ડરે યાદગાર અને રેકોર્ડ ઇનિંગ્સ રમીને ઇતિહાસ રચ્યો. હંમેશા બોલથી પ્રભાવિત કરનાર જાડેજાએ પોતાની કારકિર્દીની સૌથી મોટી ઇનિંગ રમતા અણનમ 175 રન બનાવ્યા હતા. તેની પાસે બેવડી સદી સુધી જવાની તક હતી, પરંતુ ભારતીય ટીમે 574/8ના સ્કોર પર દાવ ડિકલેર કર્યો હતો અને સવાલો ઉભા કર્યા હતા કે તેને બેવડી સદી પૂરી કરવાની તક કેમ આપવામાં આવી નથી. પરંતુ જાડેજાએ ખુલાસો કર્યો છે કે ટીમને ઇનિંગ્સ જાહેર કરવાનું પોતાનુ જ સૂચન હતું, જેથી પીચમાંથી મળેલી મદદનો લાભ લઈ શકાય.
મેચના પ્રથમ દિવસે પોતાની અડધી સદીની નજીક અણનમ પરત ફરેલા જાડેજાએ શનિવારે પીસીએ સ્ટેડિયમમાં પોતાની ઇનિંગ્સને લંબાવી અને જબરદસ્ત બેટિંગ કરી. તેણે પોતાની 228 બોલની આખી ઇનિંગમાં શ્રીલંકાના બોલરોને એક પણ તક આપી ન હતી. પહેલા તેણે કારકિર્દીની બીજી ટેસ્ટ સદી ફટકારી અને પછી બીજા સેશનમાં રનની ગતિ વધારી.
આ દરમિયાન તેણે પહેલા રવિચંદ્રન અશ્વિન અને પછી મોહમ્મદ શમી સાથે 9મી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. ટી-બ્રેક પહેલા, જ્યારે તે બેવડી સદી તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે કેપ્ટન રોહિત શર્માએ ઇનિંગ્સ જાહેર કરી દીધી હતી.
ટીમને ઇનિંગ્સ ડિકલેર કરવાનું સૂચન આપ્યું હતું
જાડેજા જે રીતે બેટિંગ કરી રહ્યો હતો અને શમી તેને સપોર્ટ કરી રહ્યો હતો, તે જોઈને લાગતું હતું કે તે થોડી ઓવરમાં પોતાની પ્રથમ બેવડી સદી ફટકારી દેશે, પરંતુ એવું થયું નહીં. આવી સ્થિતિમાં, દિવસની રમતના અંતે જ્યારે જાડેજાને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું કે હકીકતમાં આ તેમનું જ સૂચન હતું.
જાડેજાએ જણાવ્યું હતું કે, મેં તેમને (ટીમ) કહ્યું કે પિચ પર ‘વેરિયેબલ બાઉન્સ’ છે અને બોલ ટર્ન થવા લાગ્યા છે. તેથી મેં સંદેશ મોકલ્યો કે પીચમાંથી થોડી મદદ મળી શકે છે અને મેં સૂચન કર્યું કે આપણે તેમને (શ્રીલંકાને) હવે બેટિંગ કરવા માટે લાવવા જોઈએ.
શ્રીલંકાના થાકનો લાભ લેવાનું આયોજન
જાડેજાએ એમ પણ કહ્યું કે ટીમ શ્રીલંકાના ખેલાડીઓ લાંબા સમય સુધી મેદાન પર હોવાના કારણે થતા થાકનો પણ ફાયદો ઉઠાવવા માંગે છે. ભારતીય ઓલરાઉન્ડરે કહ્યું, તે પહેલા બે દિવસમાં 5 સેશન સુધી ફિલ્ડિંગ કરીને થાકી ગયો હતા. તેથી તેમને આવતાની સાથે જ મોટા શોટ રમવું અને લાંબા સમય સુધી બેટિંગ કરતા રહેવું તેઓને માટે આસાન નહોતું રહેવાનુ. આથી ઈનિંગ્સ વહેલી ડિકલેર કરવાની અને વિપક્ષના બેટ્સમેનોના થાકનો ફાયદો ઉઠાવવાની યોજના હતી.
જાડેજાએ પણ વિકેટ ઝડપી હતી
ભારતીય ટીમ અને જાડેજાની આ યોજના પણ કામ કરી ગઈ અને ટીમે છેલ્લા સત્રમાં શ્રીલંકાની પ્રથમ ઈનિંગની 4 વિકેટ ઝડપી હતી, જેમાં જાડેજાએ ખુદ શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુણારત્નેને શાનદાર સ્પિન પર આઉટ કર્યો હતો.
આ વિકેટ વિશે તેણે કહ્યું કે, યોજના બોલને સ્ટમ્પ પર રાખવાની હતી અને જો અમારે તેમ કરવું હોત તો તે (બોલ) સીધો થઈ ગયો હોત અથવા તે જ સ્થાનેથી ટર્ન લીધો હોત. અને એવું જ થયું. મારો પહેલો બોલ ટર્ન થયો અને બીજા બોલ પર મેં વિચાર્યું કે હું ચોથા સ્ટમ્પ પર બોલિંગ કરીશ અને જો તે વળે અથવા નીચો જાય તો હંમેશા વિકેટ લેવાની તક રહેતી હતી.