T20 World Cup: ભારત સામે મળેલી હારની કસર ન્યૂઝીલેન્ડ સામે નિકાળશે અફઘાન ટીમ, રાશિદ ખાને કહ્યુ ક્વાર્ટર ફાઇનલ હશે એ મેચ
ભારતે અફઘાનિસ્તાન (Afghanistan) ને હરાવીને પોતાની સેમીફાઈનલની આશા જીવંત રાખી હતી, પરંતુ આ જીત બાદ પણ તેણે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ (Afghanistan Cricket Team) ની ગણતરી T20 ટીમની સારી ટીમોમાં થાય છે. આ ટીમ કોઈપણ ટીમને હરાવવાની શક્તિ ધરાવે છે. ICC T20 વર્લ્ડ કપ-2021 (T20 World Cup-2021) માં કોઈપણ ટીમ તેને હળવાશથી લઈ શકે નહીં. જોકે આ ટીમને બુધવારે ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે અફઘાનિસ્તાન સામે 66 રને જીત મેળવી હતી.
અફઘાનિસ્તાનની ટીમ આ હારને લઈને વધુ બેતાબ નથી અને હવે તેનું ધ્યાન ન્યુઝીલેન્ડ સામેની આગામી મેચ જીતવા પર છે. ભારતના હાથે કારમી હાર બાદ અફઘાનિસ્તાનના દિગ્ગજ લેગ સ્પિનર રાશિદ ખાને (Rashid Khan) કહ્યું કે ન્યુઝીલેન્ડ સામેની ટી20 વર્લ્ડ કપની આગામી મેચ તેની ટીમ માટે ક્વાર્ટર ફાઈનલ જેવી હશે.
સુપર 12 તબક્કામાં ચાર મેચ રમ્યા બાદ અફઘાનિસ્તાન બીજા ક્રમે છે અને તેનો નેટ રન રેટ +1.481 છે. પાકિસ્તાન ગ્રુપ 2માંથી સેમીફાઈનલમાં પહોંચી ગયું છે. પૂછવામાં આવ્યું કે શું ભારતની સામે હારવાથી તેની ટીમની ગતિને અસર થશે, રાશિદે ના માં જવાબ આપ્યો. મને નથી લાગતું કે તેનાથી બહુ ફરક પડશે, તેણે કહ્યું. અમે જાણીએ છીએ કે ભારત શ્રેષ્ઠ ટીમોમાંની એક છે. અમે એ જ રીતે તૈયારી કરીશું અને એ જ માનસિકતા સાથે જઈશું.
તેણે આગળ કહ્યુ, ન્યુઝીલેન્ડ સામેની મેચ અમારા માટે ક્વાર્ટર ફાઈનલ બની શકે છે. જો અમે જીતીએ તો સારા રન રેટના કારણે અમે સેમિફાઇનલમાં પહોંચી શકીશું. જો તમે રમતનો આનંદ માણો તો જ તમે સારું પ્રદર્શન કરી શકશો. અમે અમારી રમતનો સંપૂર્ણ આનંદ લઈશું.
ભારત માટે મહત્વની મેચ
અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ પણ ભારતીય ટીમ માટે મહત્વની છે. જો અફઘાનિસ્તાન જીતે છે, તો ભારતની સેમિફાઇનલમાં પહોંચવાની તકો વધી જશે જો કે ભારતીય ટીમ બાકીની બે મેચ જીતે. ભારત સામેની મેચમાં નેટ રન રેટ તેના મગજમાં હતો કે કેમ તે અંગે પૂછવામાં આવતા રાશિદે કહ્યું, “ચોક્કસપણે. અમે થોડી વિકેટ ગુમાવ્યા પછી અમારા મગજમાં હતું અને તેથી જ અમે મહત્તમ રન બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું. અમારું ધ્યાન રન રેટ પર હતું જે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
આવી રહી હતી મેચ
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે બે વિકેટના નુકસાને 210 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્માએ 47 બોલમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 74 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 69 રન બનાવ્યા હતા. આ માટે તેણે 48 બોલનો સામનો કર્યો અને છ ચોગ્ગા સાથે બે છગ્ગા ફટકાર્યા. રિષભ પંતે અણનમ 27 અને હાર્દિક પંડ્યાએ અણનમ 35 રન બનાવ્યા હતા. આ મજબૂત લક્ષ્યાંક સામે અફઘાનિસ્તાનની બેટિંગ ટકી શકી ન હતી.
ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 144 રન જ બનાવી શકી હતી. તેના તરફથી કરીમ જન્નતે સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. કેપ્ટન મોહમ્મદ નબીએ 35 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી મોહમ્મદ શામીએ ત્રણ વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિને બે વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને એક-એક વિકેટ મળી હતી.