Syed Mushtaq Ali Trophy: હાર્દિક પંડ્યા વિકલ્પ તરીકે સૌરાષ્ટ્રના ચિરાગ જાની સહિત વિજય શંકર અને વેંકટેશ ઐય્યર ટીમ ઇન્ડિયાની પસંદગી માટે નજરમાં રહેશે
ભારતીય પસંદગીકારો હવે સીમ ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા (Hardik Pandya) પર સંપૂર્ણ આધાર રાખી શકશે નહીં અને સંભવિત વિકલ્પો પર ધ્યાન આપવું પડશે.
હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની રહસ્યમય ઇજામાંથી સખત પાઠ શીખ્યા પછી, રાષ્ટ્રીય પસંદગીકારો ગુરુવારથી શરૂ થનારી સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફી (Syed Mushtaq Ali T20 Trophy) દરમિયાન ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરો પર નજીકથી નજર રાખશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની હરાજી દરમિયાન પણ, ફ્રેન્ચાઇઝીઓ ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરો પર મોટી રકમ લગાવી શકે છે. હાર્દિક હવે પહેલા જેવો ઓલરાઉન્ડર નથી રહ્યો. કારણ કે તેની પીઠનો દુખાવો તેને સતત પરેશાન કરી રહ્યો છે.
હાલના T20 વર્લ્ડ કપ (T20 World Cup 20210 માં હાર્દિકની બોલિંગને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. તેને ભારતીય ટીમ (Team India) માં ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે પાકિસ્તાન સામે બોલિંગ કરી ન હતી અને ન્યૂઝીલેન્ડ સામે માત્ર બે ઓવર ફેંકી હતી જેમાં તેણે 17 રન આપ્યા હતા. આ પહેલા તેણે IPL માં બોલિંગ કરી ન હતી.
તેથી પસંદગીકારો હવે માત્ર હાર્દિક પર નિર્ભર ન રહી શકે અને સંભવિત વિકલ્પો પર ધ્યાન આપવું પડશે. આમ, મુશ્તાક અલી ટ્રોફી વિજય શંકર (તામિલનાડુ), શિવમ દુબે (મુંબઈ) અને વેંકટેશ ઐયર (મધ્યપ્રદેશ) માટે પસંદગીકારોને પ્રભાવિત કરવા માટે એક સારું પ્લેટફોર્મ પૂરું પાડશે. સૌરાષ્ટ્રના 31 વર્ષીય ચિરાગ જાની પણ સારો વિકલ્પ બની શકે છે.
તેના પ્રદર્શન પર પણ પસંદગીકારોની નજર રહેશે. પસંદગી સમિતિ રાષ્ટ્રીય T20 ટુર્નામેન્ટમાં સ્પિન બોલિંગ કરનારા ઓલરાઉન્ડરોના પ્રદર્શન પર પણ નજર રાખશે કારણ કે હાલમાં રાષ્ટ્રીય ટીમમાં ટોચના પાંચ નિષ્ણાત બેટ્સમેન છે. આનાથી પસંદગીકારોનું ધ્યાન કૃણાલ પંડ્યાના પ્રદર્શન પર રહેશે.
આ ખેલાડીઓ પર નજર રહેશે
આવી સ્થિતિમાં જો પૃથ્વી શૉ ઓફ સ્પિન બોલિંગ કરતો જોવા મળે તો કોઈને નવાઈ લાગવી જોઈએ નહીં. આ સિવાય તમામ ખેલાડીઓ આગામી વર્ષે થનારી IPL ઓક્શનમાં સારું પ્રદર્શન કરીને પોતાનો દાવો મજબૂત કરવાનો પ્રયાસ કરશે. મહારાષ્ટ્રના ખૂબ જ પ્રતિભાશાળી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ, કર્ણાટકના દેવદત્ત પડિકલ અને રવિકુમાર સમર્થ અને તમિલનાડુના એન જગદીસન, સી હરિ નિશાંત મોટા સ્કોર બનાવવાનો પ્રયાસ કરશે. એટલું જ નહીં રિદ્ધિમાન સાહા અને અજિંક્ય રહાણે જેવા સિનિયર ખેલાડીઓ પણ પોતાની દાવેદારી મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ રહેશે.
આ ચેમ્પિયનશિપમાં આ વખતે ટીમોને પાંચ એલિટ ગ્રુપ અને એક પ્લેટ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. કોવિડ-19 મહામારીને કારણે, ટૂર્નામેન્ટ સતત બીજા વર્ષે બાયો-બબલમાં રમાશે.
ગ્રુપ અને ટીમો નીચે મુજબ છે
એલિટ ગ્રુપ A: પંજાબ, તમિલનાડુ, ઓડિશા, મહારાષ્ટ્ર, ગોવા અને પોંડિચેરી (સ્થળ– લખનૌ)
એલિટ ગ્રુપ B: બંગાળ, છત્તીસગઢ, કર્ણાટક, મુંબઈ, બરોડા અને આર્મી (સ્થળ- ગુવાહાટી)
એલિટ ગ્રુપ C: જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, હિમાચલ, રાજસ્થાન, હરિયાણા અને આંધ્ર (સ્થળ- બરોડા)
એલિટ ગ્રુપ D: રેલ્વે, આસામ, ગુજરાત, મધ્ય પ્રદેશ, કેરળ અને બિહાર (સ્થળ- દિલ્હી)
એલિટ ગ્રુપ E: ઉત્તર પ્રદેશ, હૈદરાબાદ, ઉત્તરાખંડ, સૌરાષ્ટ્ર, દિલ્હી અને ચંદીગઢ (સ્થળ- હરિયાણા)
પ્લેટ ગ્રુપ: ત્રિપુરા, વિદર્ભ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ (સ્થળ- વિજયવાડા).
નોકઆઉટ મેચ દિલ્હીમાં રમાશે.