ગુજરાતના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ફટકારી 18મી બેવડી સદી, હવે ટીમ ઈન્ડિયામાં કરશે વાપસી?
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ફરી એકવાર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. પુજારાએ સૌરાષ્ટ્ર તરફથી રમતા છત્તીસગઢ સામે બેવડી સદી ફટકારી હતી. શું હવે પુજારા ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે?
ચેતેશ્વર પુજારા ટીમ ઈન્ડિયાની બહાર હોવા છતાં પણ આ ખેલાડી રન બનાવી રહ્યો છે. પુજારા હાલમાં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર તરફથી રમી રહ્યો છે અને આ અનુભવી ખેલાડીએ છત્તીસગઢ સામે કમાલ કરી છે. પુજારાએ છત્તીસગઢ સામે શાનદાર બેવડી સદી ફટકારી હતી. પુજારાએ 383 બોલનો સામનો કર્યો અને 234 રન બનાવ્યા હતા. પુજારાએ તેની ઈનિંગમાં 25 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. મોટી વાત એ છે કે પુજારાએ પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 18મી વખત બેવડી સદી ફટકારી હતી.
સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ભારતીય
ચેતેશ્વર પુજારા એવા ખેલાડી છે જેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારી છે. આ જમણા હાથના બેટ્સમેને 18 બેવડી સદી ફટકારી છે. આ પછી વિજય મર્ચન્ટે 11 બેવડી સદી અને વિજય હજારેએ 10 બેવડી સદી ફટકારી હતી. ગાવસ્કર અને રાહુલ દ્રવિડના નામે પણ 10-10 બેવડી સદી છે. જોકે, સૌથી વધુ બેવડી સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ ડોન બ્રેડમેનના નામે છે, જેમણે આ સિદ્ધિ 37 વખત હાંસલ કરી હતી. હેમન્ડે 36 બેવડી સદી ફટકારી હતી.
Most Double Hundreds in First Class Cricket History:
Sir Don Bradman – 37 W Hammond – 36 EH Hendren – 22 Cheteshwar Pujara – 18*
– PUJARA NOW HAS 4TH MOST IN THE HISTORY…!!!! pic.twitter.com/c3x6yUJ9Xl
— Tanuj Singh (@ImTanujSingh) October 21, 2024
શું હશે થશે ટીમ ઈન્ડિયામાં વાપસી?
ચેતેશ્વર પુજારા 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદથી ટીમ ઈન્ડિયાની બહાર છે. આ ખેલાડી સતત રન બનાવીને ટીમ ઈન્ડિયામાં વાપસીના દરવાજા ખખડાવી રહ્યો છે. પુજારાએ આ વર્ષે 16 મેચમાં 6 સદી ફટકારી છે. સાથે જ આ બેવડી સદી દરમિયાન તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 21 હજાર રન પૂરા કર્યા. પુજારાના નામે 66 ફર્સ્ટ ક્લાસ સદી છે અને તે બ્રાયન લારા કરતા પણ આગળ નીકળી ગયો છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પુજારાને તક મળશે?
ટીમ ઈન્ડિયાને આવતા મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે જ્યાં તે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમશે. પુજારા તે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા માટે ઉપયોગી થઈ શકે છે. પુજારાની ઓસ્ટ્રેલિયા સામે એવરેજ 50ની આસપાસ છે અને ઓસ્ટ્રેલિયાની ધરતી પર તેણે 3 સદીની મદદથી 993 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં પુજારાની બેટિંગ એવરેજ 47થી વધુ છે. જો ટીમ ઈન્ડિયા અનુભવ સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જાય છે તો પુજારા યોગ્ય દાવેદાર બની શકે છે.
આ પણ વાંચો: IPL 2025 : રોહિત બાદ હવે આ ચેમ્પિયન કેપ્ટન પણ ગુમાવશે કપ્તાની ! IPL 2025 પહેલા મોટું અપડેટ