Raj Bawa, IPL 2022 Auction: અંડર 19 વિશ્વ વિજેતા ટીમના ‘હિરો’ ને પંજાબ કિંગ્સે પારખ્યો, 10 ગણી કિંમતે ખરીદી કરોડપતિ બનાવી દીધો
Raj Bawa, Auction Price: ઓલરાઉન્ડર રાજ બાવા અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતની જીતનો હીરો હતો.
અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને જીત અપાવનાર રાજ અંગદ બાવા (Raj Angad Bawa) કરોડપતિ બની ગયો છે. આઇપીએલ 2022 ની મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) માં પંજાબ કિંગ્સ (Punjab Kings) દ્વારા તેની બોલી લગાવવામાં આવી છે. જો કે, પંજાબ ફ્રેન્ચાઈઝી માટે તેને પોતાની સાથે જોડવો સરળ ન હતો. આ માટે તેને હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સના પડકારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, આ બોલીમાં આખરે પંજાબ કિંગ્સના માટે રહી હતી, જેણે તેને રાજ બાવાની મૂળ કિંમત કરતાં 10 ગણી વધુ કિંમતે ખરીદી લીધો હતો. પંજાબ ફ્રેન્ચાઇઝીએ ઓલરાઉન્ડર રાજ બાવાને ખરીદવા માટે રૂ. 2 કરોડનો ખર્ચ કર્યો હતો જ્યારે તેની બેઝ પ્રાઇઝ રૂ. 20 લાખ હતી.
ઈંગ્લેન્ડ સામે રમાયેલા અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં રાજ બાવાએ પ્રથમ બોલ થી જ કમાલ કરવાની શરુઆત કરતા 9.5 ઓવરમાં 31 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. જ્યારે બેટથી તેણે 35 રનનું યોગદાન આપ્યું હતું. ફાઇનલમાં આ શાનદાર પ્રદર્શન બદલ રાજ બાવાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
રાજ બાવા પંજાબ કિંગ્સ સાથે IPL રમશે
અંડર 19 વર્લ્ડ કપ 2022માં રમનારા ભારતીય ક્રિકેટરોમાં રાજ બાવા સૌથી મોંઘો ખેલાડી છે. તેના પંજાબના હોવાને કારણે, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે પંજાબ કિંગ્સ આ સ્થાનિક સ્ટારને ખરીદવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. અને એવું જ થયું. પંજાબ ફ્રેન્ચાઈઝીએ રાજ બાવાના નામ માટે માત્ર બોલી જ નહીં પરંતુ તેને ખરીદ્યો પણ.
Khush toh bohot honge aaj, welcome sadda local lad – RAJ! 🤩♥️#TATAIPLAuction #IPLAuction #SaddaPunjab #PunjabKings pic.twitter.com/dxWwHfsDNK
— Punjab Kings (@PunjabKingsIPL) February 13, 2022
U19 વર્લ્ડ કપમાં ઓલ-રાઉન્ડ રમત દર્શાવી
રાજ બાવાએ અંડર 19 વર્લ્ડ કપની 6 મેચમાં 1 સદીની મદદથી 252 રન બનાવ્યા હતા. તે ભારત માટે બીજા સૌથી સફળ બેટ્સમેન હતા. તે જ સમયે, બોલિંગમાં, તેણે 6 મેચમાં 9 વિકેટ લીધી અને તે ભારતનો ત્રીજો સૌથી સફળ બોલર હતો. એટલે કે રાજ બાવાએ ભારતને ચેમ્પિયન બનાવવામાં ઓલરાઉન્ડરની સંપૂર્ણ ભૂમિકા ભજવી હતી.