IND vs NZ: અમદાવાદમાં ત્રીજી T20 મેચ માટે ટિકિટ બુકિંગ શરુ, જાણો તમામ માહિતી વિગતવાર
India vs nz t20 ahmedabad tickets: આજથી 8 દિવસ બાદ એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ રમાશે. આ મેચની ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ શરુ ગઈ છે.
ભારતીય ક્રિકેટ માટે હાલમાં સારો સમય ચાલી રહ્યો છે. પુરુષ ક્રિકેટ ટીમ, મહિલા ક્રિકેટ ટીમની સાથે સાથે અંડર 19 મહિલા ક્રિકેટ ટીમ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યાં છે. આ બધા વચ્ચે અમદાવાદીઓ માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 1 ફેબ્રુઆરીના રોજ ફરી ચોગ્ગા-છગ્ગાની આતશબાજી જોવા મળશે. આજથી 8 દિવસ બાદ એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ રમાશે.
27 જાન્યુઆરીથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 સિરીઝ શરુ થવા જઈ રહી છે. 3 મેચની આ ટી-20 સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ અમદાવાદના વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. આ મેચને લઈને અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચમાં સ્ટેડિયમના સ્ટાફથી લઈને અમદાવાદ પોલીસ તંત્રેએ તૈયારી શરુ કરી દીધી છે. આ મેચની ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ શરુ ગઈ છે.
ઓનલાઈન ટિકિટ બુકિંગ શરુ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી-20 મેચ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ Bookmyshow પર શરુ થયું છે. ટિકિટના ભાવ 500 રુપિયાથી લઈને 10,000 રુપિયા સુધી છે. સોમવારથી શરુ થયેલી ઓનલાઈન બુકિંગમાં ફટાફાટ ટિકિટ વેચાઈ રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી-20 મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 500, 1000, 2000, 2500, 4000, 6000 તેમજ 10000 રૂપિયાની એક વ્યક્તિની ટિકિટ મળશે.
અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ડાબી-જમણી બાજુ આવેલા ઉપરના ભાગના K, L અને Q બ્લોકનો ટિકિટનો ભાવ 500 રૂપિયા રહેશે. ચારેતરફ આવેલા B, C, E, F બ્લોકની ટિકિટનો ભાવ 1000 રૂપિયા છે. મેદાનમાં ઉપરની તરફ આવેલા R અને J બ્લોકનો ટિકિટનો ભાવ 2000 તેમજ 2500 રૂપિયા નક્કી કરાયો છે.
મેદાનની ચારેતરફ નીચેના ભાગમાં આવેલી રિલાયન્સ D અને E બ્લોકની ટિકિટોનો ભાવ 4000 રૂપિયા નક્કી કરાયો છે. અદાણી પેવેલિયન પ્રીમિયમ વેસ્ટ લેફ્ટ અને રાઈટની ટિકિટનો ભાવ 6000 રૂપિયા છે. જ્યારે અદાણી બેંકવેટ સીટની એક વ્યકિતની ટિકિટ 10,000 રૂપિયામાં મળશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ મેચ માટે માત્ર ઓનલાઈન ટિકિટનું બુકિંગ થશે. ઓનલાઈન ટિકિટ બુક કર્યા બાદ તેની ટિકિટની બોમ ડિલિવરી પણ મેળવી શકાશે.
વિકલાંગ અને બાળકો માટે આવી છે ટિકિટની વ્યવસ્થા
જણાવી દઈએ કે સ્ટેડિયમમાં 3 વર્ષની ઉંમરથી નીચેના બાળકો માટે ટિકિટની આવશ્યકતા નથી. 3 કે તેથી વધારે ઉંમરના બાળકોને ટિકિટ વગર પ્રવેશ મળશે નહીં. ક્રિકેટનો આનંદ ઉઠાવવાનો અધિકાર તમામનો છે, તેથી જ વિકલાંગ લોકો માટે પણ સ્ટેડિયમમાં ખાસ સીટ તૈયારી કરવામાં આવી હોય છે, તેની ટિકિટ પણ તમે Bookmyshowના માધ્યમથી મેળવી મેળવી શકશો.
એક સાથે 10 ટિકિટ કરી શકાશે બુક
ત્રીજી ટી-20 મેચ માટે ટિકિટ બુક કરાવતી વખતે તમે 10 જેટલી ટિકિટ બુક કરી શકશો. મેચના દિવસે તમને સાંજે 4 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ મળશે. એક વાર સ્ટેડિયમમાં ટિકિટ લઈને પ્રવેશ કર્યા બાદ તમને ફરી તે ટિકિટ પર સ્ટેડિયમમાં પ્રવેશ મળશે નહીં. જણાવી દઈએ કે 1 ફેબ્રુઆરીના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ ત્રીજી ટી-20 સાંજે 7 વાગ્યે શરુ થશે.