આમ તો લીટલ માસ્ટર આ શબ્દ કાને પડે એટલે તુરત જ સુનિલ ગાવાસ્કર અને સચિન તેંડુલકરનુ નામ યાદ આવી જાય. પરંતુ આ પહેલા એક નામ લીટલ માસ્ટર તરીકે ક્રિકેટ ની દુનિયામાં જાણીતુ રહી ચુક્યુ છે. એ છે હનિફ મોહમ્મદ. તેંડુલકર અને ગાવાસ્કર બંનેની રમત લાજવાબ હતી. બંનેની ઓછી હાઈટ અને બોલરો લામે ઉંચી ધાક જ તેમને લીટલ માસ્ટર કહેવડાવતા હતા. આવી જ ઘાક હનિફે કરી હતી. હનિફ મોહમ્મદ નો 21 ડિસેમ્બરે જન્મદિવસ છે. તેમનો જન્મ ગુજરાતના જૂનાગઢમાં થયો હતો.
વર્ષ 1934માં ગુજરાતમાં જન્મેલા આ ક્રિકેટર ભારતીય ક્રિકેટ ટીમના હિસ્સો નહોતા. તેઓનુ પરિવાર ભાગલા પડવાના સમયે પાકિસ્તાન ચાલ્યુ ગયુ હતુ અને તેઓ આમ પાડોશી દેશની ટીમનો હિસ્સો રહ્યા હતા. તેઓ 11 ઓગષ્ટ 2016માં કરાચીમાં અવસાન પામ્યા હતા.
મોહમ્મદ હનીફને તેમની રમતને લઈ યાદ કરવામાં આવે છે. ઓછા કદના આ બેટ્સમેને એક વાર બ્રિઝટાઉન ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના લાંબા કદના બોલરોને પરેશાન કરી દીધા હતા. મજબૂત સ્થિતીમાં મેચ પર પકડ ધરાવતુ વેસ્ટ ઈન્ડિઝ આ લીટલ માસ્ટરની બેટિંગ આગળ જીત મેળવી શક્યુ નહોતુ. તેમની આ સર્વશ્રેષ્ઠ ઈનીંગ ક્રિકેટ જગતના ઈતિહાસમાં મશહૂર છે. વર્ષ 1957-58 ના દરમિયાન બ્રિઝટાઉનમાં રમાયેલી ટેસ્ટ મેચની વાચ છે. જેમાં તેમણે 16 કલાક ક્રિઝ પર રહીને 337 રન નોંધાવ્યા હતા. તેમની આ ઈનીંગે પોતાની ટીમને હારમાં ધકેલાઈ ગયેલી બચાવી લીધી હતી.
પાકિસ્તાન સામે વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 579 રન નોંધાવ્યા હતા. પાકિસ્તાનની ટીમ પ્રથમ ઈનીંગમાં ઝડપથી સમેટાઈ જતા માત્ર 106 રન જ નોંધાવી શકી હતી. હરીફ ટીમના કેપ્ટન ગેરી એલેક્ઝેન્ડરે ફોલોઓન આપ્યુ હતુ. પરંતુ વેસ્ટઈન્ડિઝની ટીમ માટે આ નિર્ણય મોંઘો પડ્યો હતો. હનિફે ઉંચા કદના કેરેબિયન બોલરોનો સામનો કરતા 16 કલાક સુધી ક્રિઝ પર રહી ત્રેવડી સદી નોંધાવી હતી. તેમની આ રમતને પગલે મેચ ડ્રોમાં પહોંચી હતી અને પાકિસ્તાન પર હારનો ખતરો ટાળી દીધો હતો.
હનિફના નામે અનેક રેકોર્ડ નોંધાયા હતા. જેમાંનો એક મોટો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાએ તોડ્યો હતો. હનિફે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમતા એક જ ઈનીંગમાં 499 રન નોધાવ્યા હતા. આ મેચ 1958-59માં બહાલવલપુર અને કરાચી વચ્ચે રમાઈ હતી. કમનસીબે 500માં રન માટે દોડી રહ્યા હતા, ત્યારે જ તે રન આઉટ થયા હતા. તેમનો આ રેકોર્ડ લાંબા સમય બાદ લારાએ તોડ્યો હતો. 1994માં લારાએ 501 રન નોંધાવીને આ વિક્રમ પોતાના નામે કર્યો હતો.
તેની કારકિર્દીમાં, હનીફે પાકિસ્તાન માટે 55 ટેસ્ટ મેચ રમી અને 3915 રન બનાવ્યા જેમાં 12 સદી સામેલ છે. આ સિવાય તેણે 15 અડધી સદી પણ ફટકારી હતી. આ દરમિયાન તેની એવરેજ 43.98 રહી છે. જ્યાં સુધી તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની વાત છે, તેણે 238 મેચમાં 52.32ની એવરેજથી 17059 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી 55 સદી અને 66 અડધી સદી નીકળી હતી.