IND vs NZ: માર્ટિન ગુપ્ટીલ T20I માં બન્યો કિંગ, વિરાટ કોહલીના બહાર રહેતા તોડી દીધો આ મહત્વનો રેકોર્ડ, રોહિત પણ રેસમાં
વિરાટ કોહલી (Virat Kohli) હાલમાં આરામની પળોને મનાવી રહ્યો છે. તે વર્તમાનમાં ઘર આંગણે રમાઇ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચેની T20 સિરીઝનો હિસ્સો નથી. આ પહેલા તે ટીમ ઇન્ડિયાની ટી20 ફોર્મેટની કેપ્ટનશિપ પણ છોડી ચૂક્યો છે.
વિરાટ કોહલી (Virat Kohli) ને ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચેની વર્તમાન સિરીઝમાં નહી રમવાની મોટી કિંમત ચુકવવી પડી છે. ટી20 ક્રિકેટમાં રનના મામલે પોતાની બાદશાહત છીનવાઇ ગઇ છે. વિરાટ કોહલી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન ધરાવતો બેટ્સમેન હતો. પરંતુ તેનો આ રેકોર્ડ હવે કિવી ઓપનર બેટ્સમેન માર્ટિન ગુપ્ટીલે (Martin Guptill) ભારતમાં જ રમવા દરમ્યાન તોડી દીધો છે. કોહલી હવે આ યાદીમાં બીજા સ્થાને સરકી ગયો છે.
ટી20 સિરીઝની રાંચીમાં રમાઇ રહેલી બીજી ટી20 મેચ દરમ્યાન માર્ટિન ગુપ્ટીલે કોહલીના રેકોર્ડને તોડ્યો હતો. મેચ પહેલા ગુપ્ટીલ કોહલીના રેકોર્ડ થી માત્ર 10 રન જ દૂર હતો. જે તેણે મેચની શરુઆતમાં જ જરુરી રન પૂરા કરી લઇને રેકોર્ડ પોતાને નામે કરી લીધો હતો. ગુપ્ટીલે રાંચીમાં ઓપનીંગ બેટીંગ કરવા દરમ્યાન 31 રન નોંધાવ્યા હતા. આમ હવે તે કોહલી થી 21 રન આગળ થઇ ચૂક્યો છે. હજુ એક ટી20 મેચ રમવાનો ગુપ્ટીલને રવિવારે મોકો મળનારો છે. જેમાં તે રેકોર્ડને સુધારી શકે છે.
રોહિત શર્મા પણ રેસમાં
ગુપ્ટીલ હવે 3248 રન ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધરાવે છે. જ્યારે રોહિત શર્મા (Rohit Sharma) સૌથી વધુ રન બનાવવાની યાદીમાં ત્રીજા સ્થાને છે. તે 3086 રન ધરાવે છે. રોહિત શર્મા, ગુપ્ટીલ અને વિરાટ કોહલી માત્ર આ ત્રણ બેટ્સમેન જ 3000 રનના આંકડાને ટી20 આંતરરાષ્ટ્રીય વટાવી શક્યા છે. આરોન ફીંચ સૌથી વધુ રન બનાવવાની યાદીમાં ચોથા સ્થાને છે. જે હજુ 3 હજારના આંકડે પહોંચવા માટે 392 રન દૂર છે. જે અંતર વર્તમાન સિરીઝ બાદ વધુ થઇ શકે છે.
જયપુર બાદ રાંચીમાં પણ તોફાની બેટીંગ
ગુપ્ટીલે 2 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 15 બોલમાં જ તોફાની ઇનીંગ રમી હતી અને 31 રન ફટકાર્યા હતા. પરંતુ દિપક ચાહરે તેને છગ્ગો ખાઇને પણ પંતના હાથમાં કેચ આઉટ ઝીલાવી દેતા ગુપ્ટીલની ઇનીંગનો અંત આવ્યો હતો. જયપુરમાં રોહિત-ગુપ્ટીલનુ દમદાર પ્રદર્શન બુધવારે જયપુરમાં રમાયેલી સિરીઝની પ્રથમ ટી20 મેચમાં માર્ટિન ગુપ્ટીલ એ જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. પ્રથમ બેટીંગ ન્યુઝીલેન્ડના હિસ્સે રહી હતી. જેમાં ઓપનર ગુપ્ટીલે 70 રનની ઇનીંગ 4 છગ્ગા સાથે રમી હતી.