Tim Paine: ટિમ પેનની ગંદી હરકત જાહેર થવા બાદ પણ ઓસ્ટ્રેલિયામાંથી મળી રહ્યુ છે સમર્થન! યુવતીને અશ્લીલ તસ્વીરો અને ગંદા મેસેજ મોકલ્યા હતા
ટિમ પેન (Tim Paine) એ શુક્રવારે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના સુકાની પદેથી રાજીનામું આપી દીધું હતું. ક્રિકેટ તસ્માનિયામાં કામ કરતી યુવતીને પેને ગંદા મેસેજ અને ફોટા મોકલ્યા હતા.
એશિઝ સિરીઝ (Ashes 2021) પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ (Australia Cricket Team) ને આંચકો ત્યારે લાગ્યો, જ્યારે તેના કેપ્ટન ટિમ પેન (Tim Paine) એ પદ પરથી રાજીનામું આપી દીધું. ટિમ પેને કેપ્ટનશીપ છોડી દીધી કારણ કે તેણે 2017 માં એક યુવતીને તેના અશ્લીલ ફોટા અને સંદેશા મોકલ્યા હતા, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ટિમ પેનને આ વાતનો અફસોસ થયો અને તેણે કેપ્ટનશિપ છોડી દીધી.
જો કે આટલુ બધું થયુ હોવા છતાં ટિમ પેનને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશન (ACA) તરફથી સમર્થન મળી રહ્યું છે. ACA એ શુક્રવારે કહ્યું કે તે “દુઃખદ” છે કે આ વિકેટકીપરે ટીમના ટેસ્ટ કેપ્ટન તરીકેથી “રાજીનામું આપવાની જરૂરીયાત અનુભવી”.
પેને મહિલા સહકર્મીને તેના અશ્લીલ ચિત્રો અને અશ્લીલ સંદેશાઓ મોકલવા બદલ દિલગીરી વ્યક્ત કરતા કેપ્ટન પદ છોડવાનો નિર્ણય કર્યો. આ મામલો 2017નો છે અને ત્યાર બાદ તેને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ક્રિકેટ તસ્માનિયાની તપાસમાં ક્લીનચીટ મળી હતી. ACA એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે ટિમ પેનના નિર્ણયનું સન્માન કરીએ છીએ, પરંતુ અમે નિરાશ છીએ કે તેમને ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમના સુકાની પદ છોડવાની જરૂરિયાત અનુભવી.
ટિમ પેનના બચાવમાં ACA
ACA એ ટિમ પેનનો બચાવ કરતા કહ્યું, ‘તે ખેદજનક છે. આ એક એવી ભૂલ હતી જે બે વ્યક્તિઓ વચ્ચેની પરસ્પર બાબત હતી. ટીમે 2018માં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો, જેમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટના મુશ્કેલ સમયમાં તેણે આ ભૂમિકા સારી રીતે ભજવી હતી. જો કે ટિમ સ્પષ્ટપણે ભૂલ કરી છે, તેમ છતાં તેને ACA નું સંપૂર્ણ સમર્થન ચાલુ રહેશે.
પેન ચાહકોની માફી માંગે છે
પેને પત્રકાર પરિષદમાં કહ્યું કે, હું આજે ઓસ્ટ્રેલિયન પુરુષ ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ છોડી રહ્યો છું. આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે. પરંતુ મારા માટે, મારા પરિવાર અને ક્રિકેટ માટે યોગ્ય છે.” તેણે કહ્યું, ‘લગભગ ચાર વર્ષ પહેલાં મેં એક મહિલાને ટેક્સ્ટ મેસેજ મોકલ્યો હતો, જે તે સમયે સહકર્મી હતી.
તેણે કહ્યું, ‘મેં તે ઘટના માટે માફી માંગી હતી અને હું આજે પણ તે માંગું છું. મેં મારી પત્ની અને પરિવાર સાથે પણ વાત કરી અને તેમની માફી અને સમર્થન માટે આભારી છું.’ પેઈન ઓસ્ટ્રેલિયાની ટીમનો ભાગ બની રહેશે.