IPL 2022: મહેન્દ્રસિંહ ધોની નથી ઇચ્છતો કે ચેન્નાઇ સુપર કિંગ્સ તેને રિટેઇન કરે, કહ્યુ હતુ મારી પર પૈસા બરબાદ ના કરો
IPL 2022 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના માલિક એન શ્રીનિવાસને એમએસ ધોની (MS Dhoni) પર ઘણી મોટી વાતો કહી
IPL 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) આગામી સિઝનમાં રમશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. જોકે ધોનીએ ઈશારામાં આગામી સિઝનમાં રમવાની વાત કરી હતી. પરંતુ તેણે ચેન્નાઈ સુપર કિંગ્સને પણ કહ્યું છે કે ફ્રેન્ચાઈઝીએ તેના પર પૈસા ન વેડફવા જોઈએ. ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન શ્રીનિવાસને ધોની પર મોટી વાત કરી કહી હતી.
ધોની આગામી આઈપીએલમાં રમશે કે નહીં તે અંગે શ્રીનિવાસને કોઈ સીધો જવાબ નથી આપ્યો, પરંતુ તેમણે કહ્યું કે તેનો જવાબ સારો જ છે. તેણે કહ્યું, ‘હું ઈચ્છું છું કે ધોની આવતા વર્ષે પણ રમે. ધોની ખૂબ જ સારો માણસ છે. તે (ધોની) નથી ઈચ્છતો કે ચેન્નાઈ તેને જાળવી રાખીને તેમના પૈસા વેડફે.
એક ઈન્ટરવ્યુમાં શ્રીનિવાસને ધોનીના વખાણ કર્યા અને કહ્યું, ‘ધોની પ્રક્રિયાને અનુસરે છે. પરિણામો તેમના પોતાના પર આવે છે. ધોનીના કારણે જ માર્કેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું મૂલ્ય છે. શ્રીનિવાસને કહ્યું, ‘હું ચેન્નાઈ સુપર કિંગ્સમાં દખલ કરતો નથી. ટીમ સળંગ 2-3 મેચ હારે તો પણ હું ક્યારેય કશું બોલતો નથી. હું પોતે એક સ્પોર્ટ્સમેન રહ્યો છું અને રમતમાં જીત અને હાર હોય છે. મારા માટે ચેન્નાઈ સુપર કિંગ્સ એક પરિવાર સમાન છે. હું તેને ફ્રેન્ચાઇઝી તરીકે જોતો નથી.
ધોનીને સંપૂર્ણ સ્વતંત્રતા છેઃ શ્રીનિવાસન
શ્રીનિવાસને કહ્યું કે તે ઇચ્છે છે કે ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતો રહે. તેમણે કહ્યું, ‘હું ઇચ્છું છું કે ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ માટે વધુ રમે. ધોની મારું ખૂબ સન્માન કરે છે અને હું તેને સંપૂર્ણ સ્વતંત્રતા આપું છું. અમે બંને એક બીજાને બહુ મળી શકતા નથી કારણ કે તે ક્રિકેટર છે અને હું બિઝનેસમેન છું.
તેમણે આગળ કહ્યું, ‘ગૅરી કર્સ્ટને વર્લ્ડ કપ 2011 દરમિયાન મને કહ્યું હતું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મેદાન પર ધોનીને કોઈ ટચ પણ કરી શકશે નહીં. ધોની આખા દેશમાં ખૂબ જ લોકપ્રિય છે. ખાસ કરીને તમિલનાડુમાં, લોકો તેને ખૂબ પ્રેમ કરે છે.
2018માં ચેમ્પિયન બનવું હતુ ખાસ-શ્રીનિવાસન
એન શ્રીનિવાસને કહ્યું કે જ્યારે ચેન્નઈ વર્ષ 2018માં IPL ચેમ્પિયન બન્યું ત્યારે તે ક્ષણ તેમના માટે ખાસ હતી. શ્રીનિવાસને કહ્યું કે, વર્ષ 2018ની જીત મારા માટે ખૂબ જ ખાસ રહી હતી. જ્યારે અમે પાછા આવ્યા ત્યારે કેપ્ટન ધોની ભાવુક હતો. હું પણ ખૂબ જ ભાવુક હતો. કોઈ ખેલાડીએ મને પૂછ્યું નહોતુ કે શું થયું. બસ શ્રેષ્ઠ પ્રદર્શનની ભૂખ દરેકમાં દેખાતી હતી.