ઝુલન ગોસ્વામી વન-ડે ક્રિકેટમાં 250 વિકેટ લેનારી પ્રથમ મહિલા બોલર બની
ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) ભારતની સૌથી અનુભવી અને સફળ ફાસ્ટ બોલર છે. તે છેલ્લા 20 વર્ષથી ટીમ ઈન્ડિયાનો ભાગ છે.
ભારતીય ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી (Jhulan Goshwami) વન-ડે ક્રિકેટમાં 250 વિકેટ લેનારી પ્રથમ મહિલા બોલર બની ગઈ છે. તેણે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. જો કે મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે 4 વિકેટે હારી ગઈ હતી. આ મેચ ભલે ભારત માટે કંઈ ખાસ ન હોય, પરંતુ ઝુલન ગોસ્વામીએ તેને પોતાના માટે યાદગાર બનાવી દીધી.
39 વર્ષની ઉમરમાં મેળવી આ સિદ્ધી : ઝુલન ગોસ્વામી 250 વિકેટ લેનારી પ્રથમ મહિલા બોલર બની છે. તે એકમાત્ર મહિલા ખેલાડી છે જેણે વન-ડે ક્રિકેટમાં 200થી વધુ વિકેટ લીધી હોય અને હવે તેણે 250 વિકેટ લઈને નવો રેકોર્ડ બનાવ્યો છે. ઝુલને આ રેકોર્ડ ઈંગ્લેન્ડના ઓપનર ટેમી બ્યુમોન્ટને એલબીડબલ્યુ કરીને બનાવ્યો હતો.
ટેસ્ટ ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન
ઝુલન ગોસ્વામીએ વન-ડે સિવાય ટેસ્ટ ક્રિકેટમાં પણ શાનદાર બોલિંગ કરી છે. ઝુલને ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ, પાંચ વિકેટ અને એક વાર 10 વિકેટ ઝડપી છે. એક ઈનિંગમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 25 રનમાં 5 વિકેટ છે, જ્યારે ટેસ્ટ મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 78 રનમાં 10 વિકેટ છે. આ સિવાય ઝુલન ગોસ્વામીએ ટી20 ક્રિકેટમાં 68 મેચમાં 56 વિકેટ પણ લીધી છે અને 5.45ની ઈકોનોમીથી રન આપ્યા છે. T20 ક્રિકેટમાં પણ ઝુલન ગોસ્વામીએ બેટથી 405 રન બનાવ્યા છે.
Milestone 🚨 – 250 wickets in ODIs for @JhulanG10 👏👏#CWC22 pic.twitter.com/g0f1CqT3Sl
— BCCI Women (@BCCIWomen) March 16, 2022
ઈંગ્લેન્ડ સામેની મેચ 4 વિકેટે મેચ હાર્યા બાદ ભારતે સેમિફાઈનલમાં પહોંચવા માટે આગામી 3 મેચમાંથી 2 જીતવી પડશે. ભારતે હવે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે સારું રમવું પડશે. વર્લ્ડ કપની ચાર મેચમાં ભારતની આ બીજી હાર છે. આ પહેલા ન્યુઝીલેન્ડની ટીમે ભારતને હરાવ્યું હતું. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મેળવી હતી તો બીજી તરફ આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમે આ પ્રથમ મેચ જીતી છે. આ પહેલા ઈંગ્લેન્ડને સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ચોથી મેચ જીતીને ઈંગ્લેન્ડે સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી.
આ પણ વાંચો : ENGW vs INDW: ઈંગ્લેન્ડ સામે ભારતની કારમી હાર પાછળનું કારણ શું હતું ? મિતાલી અને ઝુલને જવાબ આપ્યો
આ પણ વાંચો : ENGW vs INDW: સ્મૃતિ મંધાના અને હરમનપ્રીતથી ડરી એલિસ પેરી, કહ્યું- બંને ખતરનાક છે