IPL: એક સમયે ઇંગ્લેન્ડના આ દિગ્ગજ ખેલાડીને કોઇએ ખરિદ્યો જ નહોતો, હવે 10 ટીમોની હરાજીમાં ભાગ લેવા લલચાયો
ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જો રૂટ (Joe Root) ને વર્ષ 2018 માં યોજાયેલી IPL ની હરાજીમાં કોઇ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો ન હતો. પરંતુ હવે તે આ ટુર્નામેન્ટમાં રમવા માંગે છે.
ઈંગ્લેન્ડ (England) ના ટેસ્ટ કેપ્ટન જો રૂટ (Joe Root) હવે ઈન્ડીયન પ્રીમિયર લીગ (IPL ) માં પોતાના બેટનો દમ દેખાડવા માંગે છે. બ્રિટિશ મીડિયા અનુસાર, આ જમણેરી બેટ્સમેન IPL 2022 ની હરાજીમાં ભાગ લેવા માંગે છે. મીડિયા અહેવાલ મુજબ, રૂટ આઇપીએલ રમવાની ખ્વાઇશ રાખે છે. જે 2018 ની હરાજીમાં ખરીદી શકાયો નહોતો. આવતા વર્ષે બે નવી ટીમોના આગમન સાથે તે રમે એવી શક્યતા છે.
IPL 2022 માટે ડિસેમ્બરમાં યોજાશે મેગા ઓક્શન
BCCI આગામી વર્ષ 2022 ની IPL સિઝનમાં બે નવી ટીમો ઉતારશે, જે 16 વિદેશી ખેલાડીઓ માટે જગ્યા બનાવશે. આગામી વર્ષની હરાજીમાં, લગભગ તમામ ખેલાડીઓ માચે ફરીથી બોલી લગાવાશે. રૂટે ગયા વર્ષે જ આઈપીએલ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ ત્યારબાદ હરાજીમાં ભાગ લીધો ન હતો. તેણે કહ્યું હતું કે, મારી કારકિર્દીમાં ક્યારેક આઈપીએલ રમવા માંગુ છું. હું આનો અનુભવ કરવા માંગુ છું. પરંતુ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એટલું વ્યસ્ત છે કે હરાજીમાં ભાગ લેવાનો આ યોગ્ય સમય નથી.
તમને જણાવી દઈએ કે જો રૂટ ઈંગ્લેન્ડની ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) ટીમમાં સામેલ નથી. જોકે આ ખેલાડીનો T20 રેકોર્ડ આશ્ચર્યજનક છે. રૂટમાં આ ફોર્મેટમાં 35.7 ની એવરેજ છે અને 2016 માં ઇંગ્લેન્ડે તેના જ દમ પર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જો કે, જો રૂટ વર્ષ 2019 થી ઇંગ્લેન્ડ માટે ટી20 રમ્યો નથી. જો રૂટે વધુ ક્રિકેટના કારણે ટી20 ટીમમાં ન રમવાનો નિર્ણય કર્યો હતો. જોકે, હવે ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન આઈપીએલમાં પદાર્પણ કરવા ઈચ્છે છે. ટીમો તેમને ખરીદવામાં રસ દાખવે છે કે નહીં તે જોવાનું રહ્યું.
જો રૂટ પહેલા ઘણા ઇંગ્લિશ ખેલાડીઓ IPL નો હિસ્સો છે. તેમાં જોની બેયરિસ્ટો, જોસ બટલર, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જેસન રોય મહત્વના ખેલાડી છે. જો કે, સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અંગ્રેજી ખેલાડીઓની ઉપલબ્ધતા હંમેશા મોટો મુદ્દો રહ્યો છે. વર્તમાન સિઝનમાં પણ ઈંગ્લેન્ડના ખેલાડીઓ ઈજાને કારણે બહાર રહ્યા હતા અને કેટલાક ખેલાડીઓએ ટી20 વર્લ્ડ કપ પહેલા આરામ લીધો હતો.
જેના કારણે તેમની ટીમોને મોટું નુકસાન થયું હતું. આ ખેલાડીઓમાં ડેવિડ મલાન, જોની બેયરિસ્ટોનાં નામ સામેલ છે. હવે ટીમો ઈંગ્લેન્ડના ખેલાડીઓ પર કેટલો વિશ્વાસ બતાવશે તે પણ જોવાનું રહેશે.